અંબાજી,તા.૯
અંબાજી માતાના પ્રાગટયોત્સવની ધામે ધૂમે ઉજવણી કરવામાં આવી હતી.માતાજીના જન્મોત્સવને મનાવવા શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટયું હતું. માતાજીને બપોર સુધીમાં ૧૬૦ ગ્રામ સોનું, ર૭૦ સાડીઓ, ર૦થી વધુ ચુંદડી ચઢાવવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો ઉપર મહાશક્તિયજ્ઞા સહિત હાથી- ઘોડા, પાલખી અને કુમકુમ ગુલાલની છોળો વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ચાચરચોકમાં મહાશક્તિ યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦થી વધુ યજમાનોએ વૈદીક મંત્રોચ્ચાર સાથે યજ્ઞાદી વિધિનો લાભ લીધો હતો. માતાજીના એક ભક્ત દ્વારા ૧૦૧ કિલોની કેક અંબામાતાને ચઢાવી પ્રસાદરૂપે વહેચવામાં આવી હતી. શોભાયાત્રામાં દોઢ ટન સુખડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. યાત્રાળુઓની સુવિધા માટે એસટી નિગમ દ્વારા બસની વધારાની સુવિધા મૂકવામાં આવી હતી. સાત હજાર ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો પ્રસાદ આરોગ્યો હતો.
· યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું : દર્શનાર્થીઓની સવારથી લાંબી કતારો લાગી
· ભવ્ય મહાશક્તિયજ્ઞા અને વિશાળ શોભાયાત્રા નીકળી : ૧૬૦ ગ્રામ સોનું દાનમાં મળ્યું : મા અંબાને અસંખ્ય સાડી, ધજા અને ચુંદડી અર્પણ
પોષી પૂનમે માતાજીનો પ્રાગટય મહોત્સવ હોઈ અંબાજી ધામ અનન્ય ભક્તિ રસમાં તરબોળ બન્યું હતું. મા અંબાના જન્મોત્સવ નિમિત્તે ગુજરાતભરમાંથી બે લાખથી વધુ માઈભક્ત શ્રદ્ધાળુઓ ઊમટી પડયા હતા. એકસો જેટલા યજમાનો દ્વારા ભવ્ય મહાશક્તિ યજ્ઞા સહિત હાથી- ઘોડા, પાલખી અને કુમકુમ ગુલાલની છોળો વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેથી અલૌક્કિ માહોલ ખડો થયો હતો.અંબાજીમાં જગતજનની જગદંબાનો પ્રાગટયોત્સવ અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે ઊજવાયો હતો. માં જગદંબાના દર્શનાર્થે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. જગદંબાના દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. ભાવિકો અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જગતજનની જગદંબાના પ્રાગટયોત્સવ નિમિત્તે મા અંબાના ચાચરચોકમાં ભવ્ય મહાશક્તિયજ્ઞા યોજાયો હતો. જેમાં સો જેટલા યજમાનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞાદી વિધિનો લ્હાવો લીધો હતો.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભારે ભીડને પહોંચી વળવા દર્શન સહિત યાત્રાળુઓની સુખ સુવિધા માટે કરાયેલ આગોતરા આયોજનને કારણે યાત્રાળુઓને કોઈ તકલીફ પડી ન હતી.અંબાજીની ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા જગતજનની જગદંબાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં ગબ્બરથી જ્યોત લાવી મંદિરના મેઈન શક્તિ દ્વારથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાજ્યના મંત્રી નીતિનભાઈ પટેલે માતાજીના દર્શન કર્યા હતા.જેમાં હાથી, ઘોડા, ઊંટ, પાલખી વિવિધ વેશભૂષા સહિત ગજરાજ પર માતાજીને બીરાજમાન કરી કુમકુમ ગુલાલની છોળો-ભવ્ય આતશબાજી અને જયઅંબેના જયકારા તથા ગરબાની રમઝટ વચ્ચે ભવ્ય અને વિશાળ રથયાત્રાએ અંબાજી નગરની પરિક્રમા કરી હતી.મા અંબાના પ્રાગટયોત્સવ નિમિત્તે ભાવિક ભક્તોએ ભંડારો છલકાવ્યો હતો. જેમાં સોનાના દાગીના પેટે ૨૦ ગ્રામ સોનું દાનમાં મળ્યું હતું. જ્યારે સુવર્ણમય મંદિર શિખર માટે વિવિધ દાતાઓ તરફથી ૧૪૦ ગ્રામ સોનું દાનમાં મળ્યું હતું.ભાવિકભક્તોએ ચાર વાગ્યા સુધી ૨૭૦ સાડીઓ માતાજીને ભેટ ધરી હતી. વીસથી વધુ ચુંદડીઓ ચડી હતી. તો વળી અસંખ્ય ધજાઓ જગદંબાના મંદિરે શ્રદ્ધાપૂર્વક ચડાવવામાં આવી હતી.અંબાજી માતાજીના જન્મોત્સવ નિમિત્તે એક શ્રદ્ધાળુ દ્વારા એકસોં એક કિલોની કેક જગદંબાને ચડાવી પ્રસાદ રૂપે વહેંચી હતી તો વળી કેટલાક માઈભક્તોએ ચોકલેટ, ડ્રાયફૂટ વહેંચ્યા હતા તો વળી ભવ્ય શોભાયાત્રામાં દોઢ ટન સુખડી, પ્રસાદનું વિતરણ કરાયું હતું.શોભાયાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષા અને કુમકુમ ગુલાલની છોળોથી સ્વાગત કરાયું હતું. કેટલાક સ્થળોએ શોભાયાત્રામાં મિઠાઈ વહેંચી મા જગદંબાનો જન્મોત્સવ મનાવાયો હતો.
પુષ્પ ગુચ્છો ધજા પતાકાઓથી મંદિર પરિસર શણગારાયું
જગદંબાના પ્રાગટયોત્સવ નિમિત્તે અંબાદી મંદિર, ગર્ભગૃહ, નૃત્યમંડપ સહિત ચાચરચોક ફૂલોના બુકે અને ધજા પતાકાઓથી સજાવાયું હતું. તો વળી મંદિર પર ભવ્ય રોશનીના ઝગમગાટથી મંદિર દીપી ઊઠયું હતું.
ભારે ભીડને પગલે એકસ્ટ્રા બસો મુકાઈ
અંબાજીમાં જગતજનની જગદંબાના પ્રાગટયોત્સવ નિમિત્તે દર્શનનું વિશેષ મહાત્મય હોઈ ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. જેમાં અમદાવાદ, મહેસાણા, વિસનગર, ખેરાલુ, રાધનપુર, ઈડર, ડીસા, પાલનપુર ડેપો સહિત અંબાજી ડેપો દ્વારા દર્શનાર્થીઓના આવન-જાવન માટે વિશેષ બસો મુકાઈ હોવાનું આયોજન ડેપો મેનેજર ચંદારાણાએ જણાવ્યું હતું.
સાત હજાર ભાવિકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો
જગતજનની જગદંબાના પ્રાગટયોત્સવ નિમિત્તે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં સાત હજાર જેટલા ભાવિકભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદીનો લ્હાવો લીધો હોવાનું ભોજનાલયના ઈન્ચાર્જ મુળચંદભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.
પોષી પૂનમ મહોત્સવની સાથે સાથે....
* અંબાજી ધામ અંબેમયી બન્યું.
* ૧૬૦ ગ્રામ સોનું, ૨૭૦ સાડી અને ૨૦ ચૂંદડીઓ શ્રદ્ધાળુઓ દ્વારા જગદંબાના શ્રીચરણોમાં અર્પણ કરાયું
* ચાચરચોકમાં ભવ્ય મહાશક્તિ યજ્ઞા યોજાયો જેમાં એકસો યજમાનોએ યજ્ઞાદી વિધિનો લાભ લીધો.
*હાથી, ઘોડા, પાલખી વિવિધ વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી.
* સાત હજાર ભાવિકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદીનો લ્હાવો લીધો.
* સવારથી દર્શનાર્થી ભાવિકભક્તોની ભીડ જામી દર્શન કરી ધન્યતા અનુભવી.