આણંદ, તા.૧૦
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામે સૈયદવાડામાં રહેતી અને હાડગુડમાં પિયર ધરાવતી એક પરિણીતા ગત ૯મી ઓક્ટોબર ૨૦૧૧ના રોજ સ્ટવ પર રસોઈ બનાવતા ગંભીર રીતે દાઝી જવા પામી હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ પરિણીતાએ મામલતદાર સમક્ષ આપેલા મરણોત્તર નિવેદનના આધારે મહેળાવ પોલીસે ગત તા.૨૨મી નવેમ્બરના રોજ તેના પતિ અને સૌતન સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.દરમ્યાન આજરોજ બંન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ડીડીના આધારે મહેળાવ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો
- માત્ર છ માસના લગ્નગાળામાં જ તેણીની અચાનક આખા શરીરે ગંભીર રીતે દાઝી મરણ પામતાં વિશ્નોલી ગામે ભારે ચકચાર જગાવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ તાલુકાના હાડગુડ ગામે રહેતી આમીનાબીબી ઉ.વ.ર૬ના લગ્ન પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામે સૈયદવાડામાં રહેતા છ-સાત માસ અગાઉ યાકુબઅલી મહેરૂમીંયા સૈયદ સાથે થયા હતા.આ પરિણીતા ગત તા.૯મી ઓક્ટોબરના રોજ સાંજના સવા પાંચ વાગ્યાના સુમારે પોતાના ઘરે સ્ટવ પર રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક ભડકો થતાં ઝોળ તેણીએ પહેરેલાં કપડા પર લાગતા આમીના શરીરે ગંભીરપણે દાઝી જવા પામી હતી જેથી તેણીએ બુમાબુમ કરી મુકતા તેના પરિવાજનો દોડી આવી આગને બુઝાવી હતી.તેમ છતાં શરીરે ૭૦ થી ૭૫ ટકા જેટલું દાઝી જવા પામી હતી જેને પ્રથમ સારવાર માટે પેટલાદની સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી અને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આમીનાબીબીએ આ બાબતે મામલતદાર સમક્ષ લેવાયેલી જુબાનીમાં જણાવ્યું હતું કે તેને તેના પતિ યાકુબઅલી મહેરૂમીંયા સૈયદ અને તેની સૌતન સલમાબીબીએ તેણીના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.જેના કારણે તે ગંભીરપણે દાઝી જવા પામી હતી પરંતુ ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. માત્ર છ માસના લગ્નગાળામાં જ તેણીની અચાનક આખા શરીરે ગંભીર રીતે દાઝી મરણ પામતાં વિશ્નોલી ગામે આ પ્રકરણે ભારે ચકચાર જગાવી મુકી હતી.
પરિણીતાના નિવેદને ઉમેરો કરતાં મહેળાવ પોલીસ મથકે આ બાબતે આખરે તેણીના પતિ અને સૌતન વિરૂદ્ધ હત્યાનો કેસ બનતો હોઈ પોલીસ મથકે ઈસુબઅલી ઈરસાદઅલી સૈયદ રહે.ભાલેજ કાજીવાડા હાલ રહે.હાડગુડની ફરીયાદના આધારે આમીનાબીબીના પતિ યાકુબઅલી સૈયદ અને સલમાબીબી યાકુબઅલી સૈયદ બંન્ને રહે.વિશ્નોલી સામે ઈપીકો કલમ ૩૦૨,૧૧૪ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.આજરોજ મહેળાવના પીએસઆઈ વી.ડી. મહિડાએ વિશ્નોલી ગામેથી આ દંપતિની ધરપકડ કરી હતી જેમને મોડી સાંજે કોર્ટમાં રજુ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.