Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 06:58:20 PM IST
 

કચ્છમાં આજે આકાશી યુદ્ધ ખેલાશે

Jan 14, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 1947
Rate: 1.0
Rating:
Bookmark The Article

ભુજ,તા.૧૩

કચ્છમાં ઉજવાતા દરેક ઉત્સવને પોતાની આગવી ઓળખ છે.હોળી, ધૂળેટી, દિવાળી સહિતનાં પર્વોના જેટલું જ મહત્ત્વ મકરસંક્રાંતિના પર્વનું છે.મુહૂર્તશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર માટે ઉત્તરાયણ તરીકે ઓળખાતા આ પર્વની ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ છે.ભગવાન સૂર્યનારાયણ ધન રાશિ છોડીને આજના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે.આ સમય દરમિયાન યજ્ઞા, દેવપ્રતિષ્ઠા, નવા મકાનનું નિર્માણ, ગૃહપ્રવેશ સહિતના કાર્યો આજના દિવસે કરવામાં આવે છે.

·         બે દિવસ સુધી રસોડા ચાલુ : પતંગ સ્પર્ધા : પતંગો, ફિરકી, શેરડી, ચીકી, કપડા, બોરા વિગેરેનું વિતરણ

મકરસંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજી, જમનાજી તેમજ કોઇપણ તળાવમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.મકરસંક્રાંતિની દિવસે શેરડી, રીંગણા, ચોખા, તલ, ગોળ,મોગરી, ખીચડી, ચીકી સહિતના પદાર્થોનું દાન કરવાનું મહત્ત્વ છે.આ દિવસે ભગવાનને ખીચડી બનાવીને ભોગ ધરાવવામાં આવે છે.આ દિવસે કેટલાક શ્રદ્ધાળુઓ ગુપ્તદાન કરતાં હોય છે.સામાન્ય રીતે તલની લાડુડીમાં સોનું કે ચાંદીના સિક્કાઓ છુપાવીને દાન કરવામાં આવતું હોય છે.વૈદિકકાળમાં આ પવિત્ર તહેવારને અનુલક્ષીને ગુરૂકુળોમાં વેદ અધ્યયનનું સત્ર શરૂ થતાં ઉપનયન સંસ્કાર કરવામાં આવતા હતા.

કચ્છના પાટનગર ભુજ, નખત્રાણા, માંડવી, નલિયા, ગાંધીધામ, અંજાર સહિતના શહેરોમાં મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબાં ઉપર જઇને પેચ લડાવવામાં વ્યસ્ત છે, તો તલસાંકડી, તલની લાડુડી,ચીકી સહિતની વાનગીઓની પણ જયાફત ઉડાડશે.સવારથી વિવિધ પ્રકારનાં સંગીતના તાલે ઝૂમીને પતંગ રસિયાઓ પતંગ ઉડાવામાં મસ્ત બનશે, તો બીજી તરફ કચ્છનાં રણમાં તેમજ માંડવીના દરિયા કિનારા પર પણ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં પતંગબાજો ઉમટી પડયા છે.કચ્છમાં દાન-પુણ્યનો મહિમા વિશેષ હોવાથી ધાર્મિક પ્રવૃત્તિઓનો પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે, તો મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટશે.શિવપુરાણમાં જણાવ્યા પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે શ્રદ્ધાળુઓએ ઘી, પંચામૃત, શેરડીનો રસનો અભિષેક તેમજ તલ, બિલિપત્ર, કમળના ફૂલ સહિતના પદાર્થો ચડાવવાનો મહિમા પણ અનેરો છે.મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે માત્ર બાળકો જ નહીં, પરંતુ મોટેરાંઓ પણ પતંગ ઉડાવવામાં મસ્ત બની રહ્યાં છે,તો સમગ્ર દિવસ દરમિયાન કાપ્યો છે...કાપ્યો છે ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠશે.જો કે, બાળકોએ પતંગ ઉડાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.થોડી સાવધાની રાખવાથી અકસ્માતોને ટાળી શકાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના રણોત્સવમાં ચાલી રહેલા પતંગોત્સવ અંતર્ગત શૂટિંગ માટે આવેલા ટીવી સિરિયલનાં કલાકારોએ પણ રંગત જમાવી છે.જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હોવાનું જાણવા મળ્યું હતું.

બે દિવસ સુધી દાન પુણ્ય કરાશે

મકરસંક્રાંતિને અનુલક્ષીને સત્યમ્ અને નરસિંહ મહેતાનગર દ્વારા અને દાતાઓના સહયોગથી બે દિવસ સુધી સતત રસોડા ચાલુ રખાશે અને ઠેરઠેર બટુકોને જમાડાશે ઉપરાંત દાન પુણ્ય કરાશે તેવું સંસ્થાના દર્શક અંતાણીએ જણાવ્યું હતું .ઉપરાંત પતંગ સ્પર્ધા યોજાઈ છે જેમાં ઈનામ અપાશે.આ બે દિવસના સેવાકાર્યમાં સ્વ. રસિકભાઈ મેઘજી ઠક્કર પરિવાર તેમજ રમાબેન ડી. શુકલ, નગરપતિ નરેન્દ્રભાઈ મેઘજી ઠક્કર, જિગરભાઈ રૂપારેલ, મંજુલાબેન જણસારી, ભારત ઉત્સવ ભૌમિક વચ્છરાજાની, રક્ષકભાઈ અંતાણી, કાંતિભાઈ રાઠોડ, હરેનભાઈ રાઠોડ, જીતેન્દ્ર જખુભા ઝાલા, મહમદ સિદિક જુણેજા, જયંતભાઈ સી. ઠક્કર, ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે તેમજ અન્ય દાતાઓના સહયોગથી બે દિવસ સુધી રસોડુ ચાલુ રખાશે અને વાહન મારફતે ઠેરઠેર બાળકોને જમાડાશે, ઉપરાંત હરજીભાઈ ગોરસિયા દ્વારા શહેરના મોટાભાગને શ્વાનને ખાસ તૈયાર કરાવેલા બિસ્કિટો અપાશે તેમજ ગાયોને નીરણ અને પંખીને ચણ તેમજ કૂંડા કૂંડી અને પક્ષીઘર અને કાગળની થેલીઓનું વિતરણ કરાશે. હજુ પણ સહયોગ આપવા ઈચ્છતાએ દર્શક અંતાણીનો સંપર્ક કરવો. વાહનથી ચીજવસ્તુઓ લઈને પહોંચતી કરાશે.

આજે કચ્છીજનો રૂપિયા ૧૫ લાખના ઉંધિયું-જલેબી આરોગશે

કચ્છમાં વિવિધ તહેવારો અંતર્ગત વાનગીઓનું મહત્વ રહેલું છે.જેમાં ખાસ કરીને ઉત્તરાયણ નિમિત્તે ઉંધિયું તેમજ જલેબી સહિતની વાનગીઓ આરોગવાનું મહત્વ વધ્યું છે.ભુજ સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં કચ્છની સ્વાદપ્રિય જનતા ૧૫ લાખથી વધુના ઉંધિયું-જલેબીની જયાફત ઉડાવશે.

પતંગની લટકતી દોર નિર્દોષ પક્ષીઓ માટે ઘાતક

કાચવાળી દોર અને ચાઈનીઝ દોરનો વધી રહેલો ઉપયોગ નિર્દોષ પક્ષીઓ માટે ઘાતક બને છે, ત્યારે માનવજયોત સંસ્થા ભુજ દ્વારા લોકોને સાવધાન રહેવા અપીલ કરાઈ હતી. જો... જો આપનાં પતંગની દોરથી કોઈક કબૂતર કે પક્ષીની ડોક, પગ, પાંખ કપાઈ ન જાય તેમજ “પક્ષી હત્યા મહાપાપ, “રૂપકડાં પક્ષીઓને બચાવીએ, તેવી સમજ આપતા બેનર માનવજયોતના પ્રબોધ મુનવરની આગેવાની હેઠળ ભુજના વિવિધ સર્કલો ઉપર મૂકવામાં આવ્યા હતા. પતંગ ચઢાવવા હાલમાં કાચ મિક્ષ અને ચાઈનીઝ દોરનો ઉપયોગ થાય છે. જે નીલગગનમાં ઉડતા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થાય છે. આ કાર્યમાં મગનભાઈ ઠકકર, મુસ્તાક ખલીફા, દામજી જોગી, સલીમ લોટા, પ્રેમજી જોગી તથા સંસ્થાના કાર્યકરોએ સહકાર આપ્યો હતો.

આદિપુરમાં પણ ઘાયલ પક્ષીઓની સારવાર થશે

મકરસંક્રાંતિ નિમિત્તે પતંગના તીક્ષણ દોરાઓથી ઘાયલ પક્ષીઓ માટે માનવતા ગ્રૂપ આદિપુર તેમજ આદિપુર રોટરી કલબ દ્વારા ત્વરિત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આદિપુરના ઝંડાચોક મધ્યે આ એક દિવસીય ત્વરિત સારવાર કેમ્પ સવારના ૮-૩૦થી બપોરના ર-૩૦ સુધી કાર્યરત રહેશે. જે કોઈ વ્યકિતને ઘાયલ પક્ષી મળે તેને આ કેમ્પમાં પહોંચાડવા વિનંતી જેથી તેનો જીવ બચાવી શકાય. ઘાયલ પક્ષીઓ મળે તો ગોવિંદભાઈ દનિચા - ૯૮૨૫૨ ૨૫૯૩૯, ભરતભાઈ ઠાકોર - ૯૭૨૬૭ ૬૧૪૬૩, રમજાનભાઈ પટેલ - ૯૯૧૩૪ ૦૨૩૫૨, મનસુખભાઈ રાજપૂત - ૯૮૨૫૭ ૨૯૯૬૦ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com