સુરત, તા, ૧૩
કપાસિયાવાલાની ગવિયરમાં આવેલી જમીનના ડખાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટમાં સંડોવાયેલા બે મહત્વના વ્યક્તિઓને ઝડપી પાડવામાં સફળતાં મેળવી છે. બોગસ દસ્તાવેજ બનાવી તેની નોંધણી રજીસ્ટ્રાર ઓફિસમાં કરતી વેળા અમિત અને પ્રવિણચંદ્ર તરીકે આ બે સખ્શો હાજર રહ્યા હતાં. પ્રવિણચંદ્ર બનીને ગયેલા શિવશંકર તથા અમિતનો સ્વાંગ રચનારા બેગમપુરાના હરિશ ગિલિટવાલાને ક્રાઇમબ્રાન્ચે દબોચી લીધા છે. પ્રાથમિક તપાસમાં આ બે જણા અનિલ દયાલના કહેવાથી ગયા હોવાનું બહાર આવ્યાનું પણ જાણવા મળે છે.
ગવિયરની કપાસિયાવાલાની જમીનનાં ડખામાં પોલીસે અનિલ દયાલ અને ઓજસ મહેતાના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. આ જમીનના માલિકી હક્ક મેળવવા માટે આ કૌભાંડીઓ દ્વારા રચવામાં આવેલી માયાજાળને ભેદવાની મથામણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે ગવિયરની જમીન માટે બોગસ પ્રવીણચંદ્ર અને અમિત કપાસિયાવાલાને ઊભા કરવામાં આવ્યા હતા. આ બે વ્યક્તિએ જમીનના દસ્તાવેજો રૂતેશ નવીનચંદ્ર ભટ્ટ તથા સંજય મનસુખભાઇ કાથરોટિયાના નામે કરી આપ્યા હતા.
રજિસ્ટ્રાર ઓફિસમાં આ બોગસ વ્યક્તિઓ જ મૂળ જમીન માલિક પ્રવીણચંદ્ર અને અમિત કપાસિયાવાલા હોવાની ઓળખ ડુંભાલ વિસ્તારમાં રહેતા ભાલચંદ્ર ઠાકોરદાસ પારેખ, પ્રવીણચંદ્ર ઠાકોરદાસ પારેખ તથા નાનપુરાના વીકી મહેશભાઇ ડાગિયાવાલા તથા બેગમપુરાના સતીષ એસ. ડુમસવાલાએ આપી હતી.
આ તપાસને આગળ ધપાવતાં ઇન્સપેક્ટર નીરવસિંહ ગોહિલે દસ્તાવેજ નોધણી વેળા અમિત તથા પ્રવિણચંદ્ર કપાસિયાવાલાનો સ્વાંગ રચનારાઓને શોધી કાઢયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં આજે લીંબાયતના સંજય નગરમાં હનુમાન મંદિર પાસે રહેતાં શિવશંકર વિઠ્ઠલભાઇ ગોરણ અને બેગમપુરામાં દારૂખાના રોડ ઉપર રહેતાં હરિશ ઇશ્વરભાઇ ગિલિટવાળાની ધરપરક કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગવિયરની જમીનના બોગસ દસ્તાવેજો બનાવ્યા બાદ એની નોંધણી રજીસ્ટ્રાર ઓફિસમાં કરવા દરમિયાન શિવશંકર અને હરિશ ત્યાં હાજર હતાં. રજીસ્ટ્રાર કચેરીમાં શિવશંકર પોતે પ્રવિણચંદ્ર કપાસિયાવાલા તરીકે હાજર થયો હતો જ્યારે હરિશ ગિલિટવાળાએ ભજવી હતી અમિત કપાસિયાવાલા તરીકેની ભૂમિકા. આ બે વ્યક્તિઓને અનિલ દયાલ જ શોધી લાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યાનું જાણવા મળે છે.
આ કેસમાં ઉલ્લેખનીય છે કે શહેરના રીઅલ એસ્ટેટ ક્ષેત્રે ખાસ્સો હોબાળો મચાવનાર અમિત કપાસિયાવાલા હત્યાકેસ માત્ર ચર્ચાસ્પદ જ નહી પણ અનેકવિધ કારણોસર માઇલસ્ટોન સમાન પણ બની રહેશે એવું જાણકારો કહી રહ્યા છે. જો પોલીસ આ હત્યા પ્રકરણ માટે જવાબદાર એવા મોટા ભૂમાફિયાઓ ઉપર કાયદાનો સકંજો કસવામાં સફળ રહે છે તો તેની અસર શહેરના રીઅલ એસ્ટેટ ક્ષેત્રે લાંબા સમય સુધી જોવા મળશે. પણ જો ટોપીઓના દબાણમાં આવીને પોલીસ ઓગણીસવીસ કરવા ગઇ તો મની એન્ડ મશસલ્સ પાવર બેફામ બનશે એવું જાણકારો કહી રહ્યા છે. જો કે હાલ તો આ ડખાની તપાસમાં પોલીસના તેવર જોતા કોઠાકબાડા કરાવનારાઓએ કોઠીમાં મોં સંતાડી ભાગવું પડે એવું લાગી રહ્યું છે.
બોગસ પાનકાર્ડ બનાવનાર વિરાજ ત્રણ દિવસ રિમાન્ડ પર
અમિત અને પ્રવીણચંદ્ર કપાસિયાવાલાના બોગસ પાનકાર્ડ બનાવનાર ડુમસના વિરાજ નાતાલીને ગઇકાલે મોડી સાંજે ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી હતી. આ નિરજને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરી ૧૬મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળે છે. ગવિયરની જમીનના બોગસ દસ્તાવેજો બનાવ્યા બાદ આ દસ્તાવેજોની રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી વેળા અશોક પાચાણી એન્ડ કંપની દ્વારા બોગસ વ્યક્તિઓને અમિત કપાસિયાવાલા તથા પ્રવીણચંદ્ર કપાસિયાવાલા તરીકે ઊભા કરી દેવાયા હતા. રૂતેશ ભટ્ટ અને સંજય કાથરોટિયાના નામે કરાયેલા આ બોગસ દસ્તાવેજોમાં જે વ્યક્તિઓને કપાસિયાવાલા તરીકે રજૂ કરવામાં આવ્યા તેમાં તેમની ઓળખના પુરાવા માટે પાનકાર્ડ રજૂ કરાયા હતા. આ પાનકાર્ડ પણ બનાવટી હતો. આ બોગસ પાનકાર્ડ ઓજસ મહેતાના કહેવાથી ડુમસના વિરાજ નાતાલીએ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. થોડા દિવસ અગાઉ જ સચિનના વાંઝ ગામમાં આવેલી અને સચિન ઉદ્યોગનગર મંડળી દ્વારા ખરીદાયેલી જમીન બોગસ દસ્તાવેજો બનાવી પડાવી લેવાનાં ષડયંત્રમાં પોલીસે આ વિરાજ નાતાલીની ધરપકડ કરી હતી. ભીમપોરના ફૂલબાઇ સ્ટ્રીટમાં રહેતા વિરાજભાઇ રામજીભાઇ નાતાલી ( કોળી પટેલ)ની ક્રાઇમબ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી જ્યૂડિશ્યલ કસ્ટડીમાંથી ધરપકડ કરી હતી. આજે ઇન્સપેક્ટર ગોહિલે વિરાજને કોર્ટમાં રજૂ કર્યો હતો. વિરાજે બોગસ દસ્તાવેજો ક્યાં અને કોની મદદથી બનાવ્યા હતાં એની તપાસ કરી આ માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે લઇ પુરાવા એકત્ર કરવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં. વિરાજની કસ્ટોડિયલ ઇન્ટરોગેશન આવશ્યક હોવાની પોલીસની દલીલો ધ્યાને લઇ કોર્ટે વિરાજ નાતાલીને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હોવાનું જાણવા મળે છે.
પાચાણીની ગવિયરની જમીનના ડખામાં ધરપકડ
અમિત કપાસિયાવાલા હત્યા કેસમાં સૂત્રધાર તરીકે લેખાવાઇ રહેલા અશોક પાચાણી ઉર્ફે અશોક ડોક્ટરના હત્યા કેસમાં આજે રિમાન્ડ પૂરા થયા હતાં. હત્યાકેસમાં કોર્ટમાં રજૂ કરાયેલા પાચાણીનો આજે ક્રાઇમ બ્રાન્ચે ગવિયરની જમીનના વિવાદમાં ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એન. પી. ગોહિલે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે કપાસિયાવાલા અને અશોક ડોક્ટર વચ્ચે ગવિયરમાં આવેલી સર્વે ૨૬૨ વાળી જમીનનો વિવાદ હતો. અશોક પાચણી એન્ડ કંપનીએ માલિકી હક્ક મેળવવા માટે બોગસ દસ્તાવેજો બનાવાયાની ફરિયાદ કપાસિયાવાલાએ કરી હતી. આ ફરિયાદ કપાસિયાવાલા પરિવારના મૃદુલાબેન તેમજ અરવિંદ તારાચંદ શાહના પરિવારની પૂજાનો બોગસ પાવર ઊભો કરનાર પ્રવીણચંદ્ર રંગીલદાસ નામની વ્યકિત, વૈશાલીબેન, ચિન્મય, અરવિંદ તારાચંદનો બોગસ પાવર ઊભો કરનાર વ્યકિત, સંજય મનસુખ કઠરોટિયા, રૂતેષકુમાર નવીનચંદ્ર ભટ્ટ, સાક્ષી તરીકે સહી આપનાર પરવટ પાટિયાની જલારામ સોસાયટીમાં રહેતા પ્રવીણચંદ્ર ઠાકોરભાઇ પારેખ અને ભાલચંદ્ર ઠાકોરભાઇ પારેખ, નાનપુરામાં રહેતા વીકી મહેશભાઇ ડાગીયાવાલા તેમજ નિલેશ કરશનભાઇ સાખિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત એડવોકેટ અને નોટરી કાંતિલાલ ટી. વાઝા, એડવોકેટ સંજીવ એચ. દલાલ, એડવોકેટ રામપાલ, નરેન્દ્ર સુરતી, નરેન્દ્ર ચાવડા, ગોવિંદભાઇ, અશોક પાંચાણી, વિનુ સિમરન તેમજ સુરત સિટી ૧ અઠવાના સબ-રજિસ્ટ્રાર સી.ટી.પટેલ, ઓજસ મહેતા તેમજ અનિલ દયાલ વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી ઓજસ મહેતા અને અનિલ દયાલની ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ મેળવાયા છે. જ્યારે આજે અશોક પાચાણીની પણ ધરપકડ કરાઇ હતી. અશોકને અમિતની હત્યાના કેસમાં રિમાન્ડ પૂરા થતાં ઉણરા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. હત્યા પ્રકરણમાં તેના વધું રિમાન્ડ ઉમરા પોલીસ દ્વારા માંગવામાં ન આવતાં ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રિપોર્ટ આપી ગવિયરની જમીનના કેસમાં તેની ધરપકડ કરાઇ છે.