આણંદ, તા.૧૯
ઉત્તર ભારત અને કાશ્મીરમાં થઈ રહેલી સતત હિમ વર્ષાની સાથે વેસ્ટર્ન ડીસ્ટબન્સની અસર તીવ્ર બનતાં દિલ્હી અને ઉત્તરપ્રદેશની સાથે સાથે ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ વ્યાપી ગયો છે.જેના પરિણામે ચરોતરમાં તાપમાનનો પારો મોસમમાં બીજી ક્રમાંકની નીચલી સપાટીએ પહોંચી જતાં કડકડતી ઠંડીનો અહેસાસ તીવ્ર બની રહ્યો છે.ચરોતરમાં આજે તાપમાનનો પારો સડસડાટ ઉતરીને ૬.૬ સે.પર ઉતરી ગયો છે જ્યારે મહત્તમ તાપમાન પણ ગગડીને ૨૪.૭ ડી.સે.સુધી પહોંચી જતાં જનજીવન પર વ્યાપક અસર થઈ છે.
- મોસમની સૌથી વધુ ઠંડી : તાપમાનનો પારો ૬.૬ ડિ.સે.ગગડી જતાં જનજીવન અસ્તવ્યસ્ત
મળતી વિગતો અનુસાર ઉત્તરભારત અને કાશ્મીરમાં છેલ્લા સૈકામાં સૌથી વધુ હીમ વર્ષા થઈ છે અને ઉત્તરભારત અને ઈશાન તરફથી આવતા ઠંડા પવનોના કારણે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ગતરોજ સાંજથી શહેર સહિત જિલ્લાભરમાં સુસવાટા મારતી ઠંડી શરૂ થઈ ગઈ હતી જેના કારણે લોકોને ગતરોજ સાંજથી જ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની શીતલહેરે ફરજ પડી હતી અને ગતરાત્રે નવ વાગ્યાથી કાતિલ ઠંડીનો સપાટો શરૂ થઈ જતાં લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાના બદલે ઘરમાં લપાઈ ગયા હતા જેના કારણે રસ્તા ઉપર અવરજવર પાંખી વર્તાતી હતી.જ્યારે શ્રમજીવીઓએ તાપણી સળગાવી ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો.વધતી જતી ઠંડીના કારણે ચરોતરમાં દેશી તમાકુ તથા કલકતી તમાકુની ખેતીને નકારાત્મક અસર થઈ છે અને તમાકુનો પાક કુકળાઈ જતાં ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતાઓ ઉભી થઈ ગઈ છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા જેટલું થવાના કારણે ખેડુતોને ખેતરમાં સૂર્યપ્રકાશ અને ગરમી યથાવત ન મળે ત્યાં સુધી પિયત કરવાથી પરહેજ રાખવાની સલાહ કૃષિ નિષ્ણાંતોએ આપી છે જો કે ઠંડીના કારણે ઘઉં,રઈ અને રાયડાંના પાકને લાભ થશે અને ઉત્પાદનમાં વધારો થશે જ્યારે જીરાના પાક પર નકારાત્મક અસર થશે.
આણંદ કૃષિ યુનિવર્સીટીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે સવારે મહત્તમ તાપમાન ૨૪.૭ ડીસે.,લઘુત્તમ તાપમાન ૬.૬ ડીસે.,સરેરાશ તાપમાન ૧૫.૭ ડીસે.,હવામાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા અને પવનની ગતિ પ્રતિકલાક ૨.૨ કીમી નોંધાઈ છે જ્યારે સૂર્યપ્રકાશ ૯.૨ કલાક અને પવનની દિશા ઈશાન નોંધાઈ છે.ઉત્તરભારત અને કાશ્મીરમાં થઇ રહેલી હિમ વર્ષાની હજુ આગામી એકાદ સપ્તાહ સુધી રહેવાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે.મોસમમાં સૌ પ્રથમવાર તાપમાનનો પારો સડસડાટ ૬.૬ ડીસે ઉતરી જતાં આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતાં સમગ્ર જીલ્લો ઠુંઠવાઇ ગયો છે. મહત્તમ તાપમાન પણ ૨૪. ૭ ડીસે.અને સરેરાશ તાપમાન ૧૫.૭ ડીસે.રહેતાં દીવસ દરમ્યાન પણ કાતિલ ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે અને લોકોએ આજે સવારે હુંફાળા તડકામાં બેસી કાતિલ ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સતત સપ્તાહથી નીચા રહેતા તાપમાનથી ખેતી પર અસર
છેલ્લા છ દિવસથી ચરોતરમાં ઠંડીનું પ્રમાણ સતત વધતું રહેવાના પરિણામે ભેજવાળુ વાતાવરણ અને સુસવાટા મારતા પવનના કારણે જનજીવન પર વ્યાપક અસર કરી છે તો ખેતીમાં કલકતી તમાકુ,જીરૂ,દેશી તમાકુ જેવા પાકો પર વિપરિત અસર કરી છે અને તેના સતત સપ્તાહથી ઉત્પાદનમાં ૨૦ ટકા ઉપરાંતનો નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતાઓ ઉભી થઈ ગઈ છે તો બીજી તરફ રઈ,ઘઉં અને એરંડા જેવા પાકને લાભ થશે.ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતાઓ છે.ઠંડીની અસર છેલ્લા અઠવાડીયામાં જોઈએ તો ૧૪મી જાન્યુઆરીએ લઘુતમ તાપમાન ૮.૪ ડિ.સે.રહ્યું હતું.૧૫મીએ ૮.૭,૧૬મીએ ૧૦.૫,૧૭મીએ ૧૫.૫ ૧૮મીએ ૮ તથા ૧૯મીએ ૬.૬ જેટલું નીચું રહ્યું છે.ભેજનું પ્રમાણ સરેરાશ ૮૮ ટકાથી ૯૧ ટકા જેટલું રહેવા ઉપરાંત પવન ૨ થી ૨.૫ કિ.મી પર કલાકની ઝડપે રહેશે.તે પ્રમાણે સૂર્યપ્રકાશ પણ ૯.૧ કલાક સુધીનો સરેરાશ રહેવા પામ્યો છે.તાપમાનમાં ઘટાડો વેસ્ટર્ન ડીસ્ટબન્સના આધારે છે.
ગુરૂવારનું તાપમાન
|
મહત્તમ તાપમાન
|
૨૪.૭ ડિ.સે.
|
|
લઘુત્તમ તાપમાન
|
૬.૬ ડિ.સે.
|
|
સરેરાશ તાપમાન
|
૧૫.૭ ડિ.સે.
|
|
ભેજનું પ્રમાણ
|
૯૧ ટકા
|
|
પવનની ગતિ
|
૨.૨ કિ.પ્ર.ક.
|
|
સૂર્યપ્રકાશ
|
૯.૨ કલાક
|
|
પવનની દિશા
|
ઈશાન
|