મોડાસા,તા.૧૯
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હિંમતપુર (બીલોદરા)ના વતની અને મોડાસાની નાલંદા-રમાં રહેતા અને માલપુર ખાતે સબમર્શીબલ પંપનો વ્યવસાય કરતા ૩૧ વર્ષીય યુવાન વેપારી પોતાના રૂટિન મુજબ બુધવારે સાંજે દુકાન વધાવીને ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે મોડાસા-માલપુર માર્ગ ઉપરના ફરેડી સ્ટેન્ડ નજીક બાઈક સ્લીપ થઈ જતાં કરૂણ મોત નીપજયું હતું. આ કરુણ બનાવથી મોડાસા અને મૃતક વેપારીના વતન હિમંતપુરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
- મોડાસા-માલપુર માર્ગ પર ફરેડી સ્ટેન્ડ નજીક બનેલો બનાવ
- માણસા તા.ના હિંમતપુરના વતની અને મોડાસામાં રહેતા મૃતક સંજયભાઈ માલપુરમાં સબમર્શિબલ પંપનો વ્યવસાય કરતા હતા
બનાવની મળતી વિગત મુજબ ગાંધીનગર જિલ્લાના હિંમતપુરા (બીલોદરા) તા.માણસાના મૂળ વતની એવા સંજયભાઈ માધવભાઈ પટેલ (ઉ.વ.૩૧) છેલ્લા કેટલાક વર્ષોથી મોડાસા ખાતેના બાયપાસ રોડ ઉપર આવેલી નાલંદા-ર સોસાયટીમાં રહેતા હતા અને દરરોજ ધંધાર્થે માલપુર અપડાઉન કરતા હતા. માલપુરમાં તેઓ સબર્મિશબલ પંપનો વ્યવસાય કરતા હતા.
બુધવારની સાંજે માલપુરથી પોતાની સબમર્શીબલ પંપની દુકાન બંધ કરી રોજની જેમ બાઈક ઉપર સંજયભાઈ પટેલ મોડાસા આવવા નીકળ્યા હતા. ત્યારે ફરેડી ગામની સીમમાં અચાનક માર્ગ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં તેઓ નીચે પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ધવાયેલા સંજયભાઈ માધવદાસ પટેલનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજતા મોડાસા અને તેમના વતનમાં શોક ફેલાઈ જવા પામ્યો છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને શૈલેષભાઈ માધવદાસ પટેલે આ અકસ્માતની જાણ કરતાં રૂરલ પોસઈ ડી.ડી.ચાવડા સહિત ટીમે સ્થળ ઉપર જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
૮ વર્ષનો ક્રીશ અને ૬ વર્ષની કશીશ પિતાને શોધે છે
૧૦ વર્ષ અગાઉ અરૂણાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા સંજયભાઈના પરિવારમાં ૮ વર્ષનો બાબો ક્રીશ અને ૬ વર્ષની બેબી કશીશ દરરોજ સાંજે માલપુરથી ઘરે આવતા પોતાના વહાલ સોયા પિતાને ભેટી પડતા હતા.પપ્પા શુ લાવ્યા કરતાં પપ્પા આવી ગયાનું જ બાળકોને મન મહત્વનું હતું.બુધવારની રાત્રે પિતા તો ઘરે ન આવ્યા. પણ મમ્મી પણ ગૂમસૂમ બની. કાકાને પણ દોડતા જોઈ બાળકો હેબતાઈ ગયા હતા.ગભરાહટની પળોમાં બાળકો પપ્પાને શોધી રહ્યા હતા. પંરતુ આ માસૂમ બાળકોને કયાં ખબર હતી કે તેમના પપ્પા હવે આ દનિયામાં નથી.
ફોરલેનના ધીમા કામથી જીવલેણ અકસ્માતો વધ્યા
શામળાજી-હાલોલ માર્ગના વિસ્તૃતીકરણ માટે નો કરોડોનો કોન્ટ્રાકટ એલ એન્ડ ટી કંપનીને અપાયો છે.મોડાસા નજીક ગેબી મંદિર પાસેના એક ખેતરમાં મોટો પ્લાન્ટ ઉભો કરી આ કંપનીએ આદરેલા ધીમી ગતીના કામથી છેલ્લા ૧ વર્ષમાં માલપુરથી શામળાજી માર્ગ ઉપર જીવલેણ અકસ્માતો વધ્યા છે.ઠેર ઠેર મૂકાયેલા ડાયવર્જન ના બોર્ડ પણ ચાલકોને ગેરમાર્ગે દોરે છે.રોડ ડીવાઈડર ઉપર હજુ પણ વૃક્ષોનું પ્રમાણ નહીવત હોઈ અથવા જરૂરી કાળજી રખાતી ન હોઈ રાત્રે વાહનોના આંજી નાખતી લાઈટોથી અકસ્માતો વધ્યા છે.માલપુરથી બાઈક ઉપર આવી રહેલા સંજયભાઈ સામેથી આવતા વાહાનોની હેડ લાઈટોથી અંજાઈ ઢાળ ઉપરના માર્ગ ઉપર સ્લીપ ખાતાં મોતને ભેટયા હોવાનું મનાઈ રહયું છે.
સંજયભાઈનો પરિવાર વેપાર સાથે સંકળાયેલો છે
મૂળ માણસાના હિંમતપુરા (બીલોદરા) ગામના યુવાન સંજયભાઈ અને તેઓના ભાઈ શૈલેષભાઈ સબમર્શીબલ પંપના વેપાર સાથે વર્ષોથી જોડાયેલા હોઈ ધંધાર્થે માલપુર,મેઘરજ પંથક સાથે સંકળાયેલ હોઈ તેઓએ મોડાસાને નિવાસ સ્થાન બનાવી અપડાઉન કરતા હતા. દરરોજ એ જ માર્ગ અને એજ બાઈકથી અવર જવર કરતા સંજયભાઈને બુધવારના રોજ અકસ્માત રૂપે કાળ ભરખી જતા માલપુરના વેપારીઓમાં પણ શોકની લાગણી પ્રસરી હતી.