નવસારી, તા. ૨૨
નવસારીના છાપરા રોડ પર રહેતા એક વૃદ્ધ અને અસશક્ત પિતાએ પોતાના એન્જિનિયર પુત્ર પાસે દર મહિને ભરણપોષણની રકમ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેમનો દીકરો દર મહિને રૂ. ૭૦થી રૂ. ૮૦ હજારનો પગાર મેળવે છે છતાં પિતાને ભરણપોષણ માટે કાણી કોડી પણ આપતો નથી.
- નવસારીના છાપરા રોડ પર રહેતા વૃદ્ધને કપરા સંજોગોમાં દિવસો કાઢવા પડે છે
૮૭ વર્ષના વયોવૃદ્ધ પિતાએ પોતાના સગા દીકરા પાસેથી પોતાના જીવન ગુજારા માટે સહાય મેળવવા કોર્ટના પગથિયા ચડવા પડે તે આજના સમાજની કરૂણતા છે અને આવો જ એક કિસ્સો તાજેતરમાં નવસારી ખાતે બન્યો છે. હાલમાં નવસારીના છપરા રોડ પર આવેલી તુલસીવન સોસાયટીમાં પોતાના મોટા પુત્ર ભીખુભાઇની સાથે રહેતા ૮૭ વર્ષીય ગુલાબભાઇ ગાંડાભાઇ ભાવસારે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેમનો બીજા નંબરનો પુત્ર સૂર્યકાંત કે જે હાલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને દર મહિને રૂ. ૭૦થી ૮૦ હજારનો પગાર મેળવે છે. વધતી જતી ઉંમર અને અન્ય પુત્રોની અતિ સામાન્ય આર્થિક સ્થિતિને કારણે ગુલાબભાઇને પાછલી ઉંમરે દવા-દારૂના પૈસા માટે કપરા દિવસો પસાર કરવા પડે છે. આવા કપરા દિવસોમાં સ્વાભાવિક રીતે તેમને પોતાના બીજા નંબરના પુત્ર સૂર્યકાંતભાઇ ભાવસારની યાદ આવી અને તેમણે છેલ્લા ઘણાં સમયથી પોતાના બીજા નંબરના પુત્ર સૂર્યકાંત પાસેથી દર મહિને આર્થિક સહાય મેળવવા માટે પ્રયાસો કરી રૂબરૂ મળીને કે અન્ય રીતે કરવામાં આવેલા તમામ પ્રયાસો વિફળ ગયા પછી તેમણે પોતાના વકીલ નેવીલ પટેલ મારફત કોર્ટમાં પોતાના સગા પુત્ર પાસેથી દર મહિને રૂ. ૭ હજારનું ભરણપોષણ મેળવવા માટે અરજી કરી છે. કોર્ટમાં હાલમાં આ અરજી પર સુનવણી ચાલી રહી છે, પરંતુ પુત્રને ભણાવીને એન્જિનિયર કર્યો તે ગુણ ભૂલી ગયો હોવાનો રંજ આજે પણ ગુલાબભાઇના ચહેરા પર જોવા મળે છે. વયોવૃધ્ધ ગુલાબભાઇ ભાવસાર હાલમાં સારણગાંઠ, ઘૂંટણનો વા, શ્વાસની બીમારી સહિતની અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તેમનો દર મહિને દવાનો ખર્ચ ઓછામાં ઓછો રૂ. ૨૫૦૦ જેટલો આવે છે. બીજી તરફ હાલમાં તેઓ પોતાના પ્રથમ દીકરા ભીખુભાઇની સાથે રહે છે તેમની આર્થિક સ્થિતિ પણ ઘણી સામાન્ય છે. જ્યારે સૌથી નાનો દીકરો ગામમાં ખેતીકામ કરતો હોવાથી તેની આર્થિક સ્થિતિ પણ ઠીક કહી શકાય તેવી નથી. તે સંજોગોમાં આર્થિક રીતે સદ્ધર એવા ડીજીવીસીએલના એક્ઝિ. એન્જિનિયર પુત્ર સૂર્યકાંત પાસે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને તે માટે તેમણે કોર્ટમાં ફરિયાદ કરી છે.
પિતાને સહાય આપવાનો મેં ક્યારેય ઇન્કાર કર્યો નથીઃસૂર્યકાંત ભાવસાર
ડીજીવીસીએલના એક્ઝીક્યુટીવ એન્જીનીયર સૂર્યકાંત પટેલે પોતાના પર કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે તેઓએ પોતાના પિતા ગુલાબભાઇ ભાવસારને સહાય કરવાનો ક્યારેય ઇન્કાર કર્યો નથી. જ્યારે તેઓને સારણગાંઠ સહિતના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે હોસ્પિટલનો તમામ ખર્ચ તેઓએ ભોગવ્યો હતો અને તેના બીલો પણ તેમની પાસે છે. જો કે તેમણે વધુમાં જણાવ્યુ હતું કે તેમના વતન અનાવલ ખાતે પોતાના ખર્ચે મકાન બનાવ્યું હતું અને તે મકાન તેમના મોટાભાઇએ રૂ. ૨૫ લાખમાં વેચી નાખ્યું હતું અને તેમણે એ રૂપિયામાંથી સૂર્યકાંતભાઈને કે તેમની છ બહેનોને કોઇ ભાગ આપ્યો નહતો. આ ઉપરાંત તમામ બહેનોને ત્યાં જે મોસાળા કરવાના આવે તે તમામ પોતાના ખર્ચે કર્યા છે, તેમાં મોટાભાઇએ કોઇ ખર્ચ આપ્યો નથી. જો કે સૂર્યકાંતભાઈ ભાવસારે જણાવ્યુ હતું કે તેઓએ પિતાને સહાય કરવાનો ક્યારેય ઇન્કાર કર્યો નથી. આ વાત તેમણે કોર્ટમાં પણ ન્યાયધીશ સમક્ષ કરી હોવાનું પણ જણાવ્યુ હતું.