મોરબી તા.૧૦
આગામી દિવસોમાં દિવાળી અને બકરી ઈદના તહેવારો આવતા હોઈ તેને અનુલક્ષીને આજે શહેર પોલીસનો લોકદરબાર યોજાયો હતો. જેમાં શહેરના કનડતા પ્રશ્નો અંગે ફરી એક વખત વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને કન્યાશાળાઓ પાસે રોમિયાઓનો વધતો જતો ત્રાસ અટકાવવા કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે બેઠકમાં ફરી વખત વાતોનાં વડાં થયા હતાં. મોરબીમાં માથું ઉંચકતી ગુંડાગીરી સામે પોલીસ નાકામ પૂરવાર થઈ છે. ત્યારે આ બાબતે પણ પોલીસ આળસ ખંખેરે તે જરૂરી છે.
મોરબીમાં કન્યાશાળાઓ આસપાસ તેમજ નવા બસ સ્ટશન વિસ્તારમાં થતી રોમિયાગીરીની વ્યાપક ફરિયાદો અંગે પોલીસ કડક પગલા લે તેવી ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી. ટ્રાફિક અંગે રજૂઆત કરાતા તેનાં પ્રત્યુતરમાં ર૦-રપ વર્ષ પહેલાના રસ્તા સાંકડા અને બિસ્માર હોવાનું અને સામે વાહનો વધતા જતાં હોઈ રોડ પહોળા કરવા જરૂરી હોવાનું જણાવાયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં ફટાકડા ફોડનારા સંયમમાં રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
- ટ્રાફિક સમસ્યા સર્જાવા પાછળ સાંકડા અને બિસ્માર રસ્તા પણ જવાબદાર
કેમ કે, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના વાડામાં હાલ પશુ આહારનો ઘાસચારો ભર્યો હોય જેમાં આગ લાગવાના બનાવો બનવાની શક્યતા છે, તેવી રજૂઆત આંદરણાના માલધારી અગ્રણી ગોકળભાઈ ભરવાડે રજૂઆત કરી હતી. જ્યારે શહેરમાં ભારે વાહનોને પ્રવેશ બંધીનું જાહેરનામુ હોય ૩૬ વ્હિલવાળા કે, ભારે વાહનો રહેણાંક વિસ્તારોમાંથી અવર-જવર કરે છે.
જેનાથી નાના બાળકો કે, રસ્તે ચાલનારા રાહદારીઓ માટે જીવલેણ અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ છે. તેમ, આ વિસ્તારના અગ્રણીઓ ભરત સાંગઠીયા, સુખાભાઈ, રવજી સોલંકી, ચંદુ પરમાર વિગેરેએ રજૂઆત કરી હતી. પરંતુ તે અંગે કલેક્ટરનું જાહેરનામુ હોય કલેક્ટરને રજૂઆત કરો તેમ, જણાવાયું હતુ. જ્યારે વીસીપરામાંથી ચાલતા ટ્રેક્ટરવાળા પાસેથી કેટલાક લોકો રૂપિયા ઉઘરાવે છે. તેમ, શહેર ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યુ હતુ ત્યારે અધ્યક્ષસ્થાનેથી ડી.વાય. એસ.પી. એ જણાવ્યુ હતું કે, આ તો ખંડણી કહેવાય અને જે લોકો કે ટ્રેક્ટર ડ્રાઈવરો પાસેથી રૂપિયા લેવામા આવ્યા હોય તેવા લોકો અમારો સંપર્ક કરે તો આ પ્રકારે ઉઘરાણી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મંડપ સર્વીસ કે, રેકડીઓમાં વેંચાતા ફટાકડા અંગે રજૂઆત થતા અધ્યક્ષ સ્થાને ડી.વાય.એસ.પી.એ કડક પગલા લેવાની ખાત્રી આપી હતી. હિન્દુઓના તહેવારો દિવાળી અને મુસ્લિમોના તહેવાર બકરી ઈદ આવતા હોય તમામને અભિનંદન પાઠવીને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી ત્યારે હાજર સૌ હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ જણાવ્યુ હતુ કે અહી દરેક કોમના તહેવારો કોમી એખલાસથી ઉજવાય છે. તેથી શાંતિ જોખમાવાનો સવાલ થતો જ નથી.
મોરબીમાં બપોરના સમયે યોજાયેલ પોલીસ લોક દરબારમાં શહેર ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, શહેર કોંગ્રેસ પ્રમુખ આપાભાઈ કુંભરવાડીયા, મહામંત્રી મહેશ રાજ્યગુરૂ, પૂર્વ પાલિકા પ્રમુખ સામતભાઈ જારીયા, ટ્રાન્સપોર્ટ અગ્રણી જ્યોતિસિંહ જાડેજા, નિતીનભાઈ સેતા, વી.હી.પ.ના ચંદ્રવદન પુજારા, ગીરીશ ઘેલાણી, મુસ્લિમ ધર્મગુરૂ રશીદબાપુ તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.