બર્લિન, તા. ૨૭
ભારતીય મૂળના સાંસદ સેબાસ્ટિઅન ઈડાથી જર્મન સંસદીય તપાસ સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે. નીઓ-નાઝી સેલ દ્વારા સમગ્ર જર્મનીમાં કરાયેલી વંશીય હત્યાઓની તપાસ કરવા માટે આ તપાસ સમિતિની રચના કરાઈ છે. આ સેલ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી અટકાયત ટાળી રહ્યું છે. સંસદના નીચલા ગૃહ બુન્ડેસ્ટેજમાં બધા જ પક્ષોના પ્રતિનિધિઓએ એક બેઠકમાં ભાગ લીધો હતો અને સર્વાનુમતે ૧૧ સભ્યોની સમિતિની રચનાને મંજૂરી આપી હતી. ગઈકાલે સ્થપાયેલી આ સમિતિ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૭ વચ્ચે નવ તુર્કીશ અને ગ્રીક ઉદ્યોગ સાહસિકો તથા એક મહિલા પોલીસ અધિકારીની હત્યા અટકાવવામાં તપાસ સંસ્થાઓ અને સલામતી ઓથોરિટી શા માટે નિષ્ફળ નિવડયાં તેની તપાસ કરશે.
પૂર્વીય જર્મનીમાં થુરિન્ગિઆનીમાં બેઝ ધરાવતી નેશનલ સોશિયાલિસ્ટ અન્ડરગ્રાઉન્ડ (એનએસયુ)ને ખુલ્લી પાડવાનો પ્રયાસ કરશે. તેમણે ઉમેર્યું હતું કે ખૂબ જ લાંબા સમયથી ચાલતા નીયો-નાઝી સેલ સમિતિ લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે બધું જ કરી છૂટશે. ૪૩ વર્ષીય ઈડાથીએ આજે આ તપાસ સમિતિનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
- નીયો-નાઝી જૂથ દ્વારા વંશીય હત્યાઓની તપાસ માટે સમિતિનિ રચના કરાઈ
ઈડાથી વર્ષ ૧૯૯૮થી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસપીડી)ના બુન્ડેસ્ટેજના સભ્ય છે. તેમણે અત્યાર સુધીની તેમની રાજકીય કારકિર્દીમાં આ સર્વોચ્ચ કામગીરી સંભાળી છે. સેબાસ્ટીયન ઈડાથીપારામ્બિલ વર્ષ ૧૯૯૦માં એસપીડીમાં જોડાયા બાદ ખૂબ જ ઝડપથી તેમની રાજકીય કારકિર્દી આગળ વધી છે. બુન્ડેસ્ટેજમાં પ્રવેશ્યાના ટૂંક સમયમાં જ તેમને ઈમિગ્રેશન પોલીસી અંગે પક્ષના પ્રવક્તા તરીકે નિયુક્ત કરાયા હતા. બે વર્ષ બાદ તેઓ એસપીડીના સંસદીય જૂથની પ્રભાવશાળી મેનેજિંગ કમિટિના સભ્ય બન્યા હતા. વર્ષ ૨૦૦૩થી ૨૦૦૭ વચ્ચે તેમણે જર્મન-ભારત સંસદીય જૂથના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું.
અંતિમવાદી જૂથ અને કથિત હત્યાઓ વચ્ચેનું જોડાણ ૪થી નવેમ્બરે પ્રકાશમાં આવ્યું હતું. સેક્સોની રાજ્યમાં ઈસેનાશમાં અંતિમવાદી જૂથના બે સભ્યો યુવે મુન્ડલોસ અને યુવે બોએનહાર્ડ્ટે આત્મહત્યા કર્યા બાદ આ જૂથની સંડોવણી બહાર આવી હતી. ઝ્વીકૌમાં બીટ સ્ઝેપેએ તેમના ઘરને આગ લગાવી દીધી હતી અને કેટલાક દિવસ બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. સ્ઝેપે પોલીસ અટકાયતમાં નીયો નાઝી સેલની એકમાત્ર સભ્ય હોવાનું મનાય છે.