મહેસાણા તા.૨૭
વસંત પંચમીના શુભ પર્વે સેંકડો લગ્નો હોવાના કારણે શૃંગારના પર્યાયરૂપ વસંતોત્સવનો દિન લગ્નોત્સવ બની રહેશે. આ દિવસે સંખ્યાબંધ યુગલો પ્રભૂતામાં પગલાં માંડશે. એક સાથે અનેક નિમંત્રણો મળ્યાં હોવાથી કયા યજમાન પર પસંદગી ઉતારવી તેની વિમાસણ અનુભવનારની સંખ્યા ખૂબ મોટી છે.બીજી તરફ, શનિવારે અનેક લગ્નો હોવાથી નિમંત્રણને અનુરૂપ મહેમાનો પોતાના પ્રસંગોમાં ઉપસ્થિત રહેશે કે કેમ તેનાથી યજમાનો પણ ચિંતિત છે.
- પાર્ટી પ્લોટ, કેટરર્સ અને બેન્ડવાજાનાં એડવાન્સ બુકિંગ થયાં છે
એક જ દિવસે અનેક લગ્નો હોવાના કારણે શહેરી વિસ્તારોના પાર્ટીપ્લોટ અગાઉથી જ બુક થઈ ગયા છે. મંડપ અને ડેકોરેશનનો વ્યવસાય કરનારનું પણ મહિના અગાઉ બુકિંગ થયું છે અને વરરાજાનાં વાહનો તેમજ લગ્ન મંડપોને શણગારનાર ફલાવર્સના વેપારીઓની દુકાનોએ હાઉસફૂલનાં પાટિયાં ઝૂલે તેવો ઘાટ ઘડાયો છે. મહેસાણાના પાર્ટી પ્લોટનાં ભાડાં ૬૦ હજારથી ૧.૦૦ લાખ સુધી પહોંચ્યાં છે. સુશોભન, લાઈટ બિલ તેમજ સાઉન્ડ સિસ્ટમના ચાર્જ આ ભાડામાંથી બાકાત છે.
વરરાજાના વાહનને શણગારવાના ભાવ ૨,૦૦૦ થી રૂ.૧૨,૦૦૦ સુધીના બોલાયા છે. મોંઘા ગુલાબ સહિતનાં ફૂલો વસંતપંચમીના દિને ઘટી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. લગ્નો મંડપોને ફૂલોથી સજાવવા માટે યજમાનોએ અગાઉથી જ ઓર્ડર બુક કરાવી દીધા છે. ગ્રામીણ વિસ્તારોમાં આવેલી વાડીઓ અગાઉથી બુક થઈ ગઈ છે અને ઠેર-ઠેર ઢોલ ઢબૂકતા સાંભળવા મળશે અને વરઘોડા માટે બેન્ડવાજાં ધારકો પણ પોતાના ભાવમાં બાંધછોડ કરવાનું ટાળ્યું છે.દરેક બેન્ડવાજાના માલિક વસંતપંચમીએ પોતાના ભાવ રૂ.૧૨.૦૦૦ થી રૂ.૨૧,૦૦૦ કરી દીધાં છે. વસંતપંચમીની પૂર્વ સંધ્યાએથી જ યજમાનો ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત બની ગયા છે. વસંતપંચમી દિને જ લગ્નોત્સવનો માહોલ જામ્યો છે અને ઠેરઠેર ગણેશસ્તંભ રોપાઈ ગયા છે. નિષ્કર્ષરૂપ, વસંતપંચમીના દિને ઠેરેઠેર ઢોલ ઢબુકશે અને સંકડો નવદંપતી પ્રભૂતામાં પગલાં માંડશે.