બાયડ / ભિલોડા, તા.૨૭
સાબરકાંઠામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના નાટકનો પર્દાફાશ થતો હોય તેમ તા.ર૬ જાન્યુઆરીની માંડી રાત્રે રૂ ભરેલા ટ્રેક્ટરમાં બેસીને જતા રાજસ્થાની પરિવારોને ભિલોડા મામલતદાર કચેરી નજીક ગમખ્વાર અકસ્માત નડતાં ૪ જણનાં મોત નિપજ્યાં હતાં જ્યારે ૧ર જણને અત્યંત ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
- ૧૨ જણાને ઈજા : ટ્રકની ટક્કરે ટ્રેક્ટરના ફૂરચા ઊડતાં કરુણાંતિકા સર્જાઈ
દુર્ઘટના સ્થળે લોહીનાં ખાબોચીયાં જોઈ અનેક લોકોનાં હૈયાં હચમચી ઉઠયાં હતાં. જ્યારે શ્રમજીવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં લવાયાં ત્યારે ખાડે ગયેલા વહીવટનો નમૂનો બહાર આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સમયસર સારવાર ન મળતાં મૃત્યુ આંક વધ્યાનો આક્ષેપ મદદ માટે આવેલા લોકો અને અસરગ્રસ્તોના પરિવારે કરતાં તાલુકાનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લા મેજીસ્ટ્રેટે ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતો સર્જાતાં વાહનોમાં ક્ષમતા મુજબનાં મુસાફરો ભરવાનું જાહેરનામુ અમલી બનાવ્યું હોવા છતાં ભિલોડા પોલીસના જગજાહેર હપ્તારાજથી જાહેર માર્ગા ઉપર મોત વેચાતું હોય તેવા બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભિલોડામાં ઘેટાં-બકરાંની માફક મુસાફરો ભરી દોડતાં વાહનો સામે સખ્તાઈ દાખવવા પોલીસ તંત્ર સમક્ષ રજૂઆતો થઈ હોવા છતાં ખિસ્સાનો ભાર હળવો ન થઈ જાય તેની ચિંતા કરતું સ્થાનિક પોલીસ તંત્ર ઉલ્ટાનું વધુ મુસાફરો અને વધુ હપ્તાની માંગ કરી રહ્યું છે. ગઈકાલ સમી માંડી રાત્રે રાજસ્થાનના પાટીયાકૂવા ગામના કેટલાક ખેડૂત અને શ્રમજીવીઓ ટ્રેક્ટર ટ્રોલીમાં રૂ ભરી ઈડર તરફ વેચાણ અર્થે જઈ રહ્યા હતા ત્યારે ભિલોડા મામલતદાર કચેરી આગળ જ માતેલા સાંઢની માફક આવતા ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતાં ટ્રેક્ટર જાણે કે કાગળનું બનાવેલું હોય તે રીતે કડુચલો વળવાની સાથે ટ્રેક્ટર અને તેના સ્પેરપાર્ટ તહસ નહસ થઈ ગયા હતા. ગમખ્વાર અકસ્માત પછી ટ્રોલી ઉંધી વળતાં ૧૬ જેટલા શ્રમજીવીઓ ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા તે પૈકીનાં ૩ જણનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં જ્યારે ઈજાગ્રસ્તોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા ત્યારે સારવાર માટેના યોગ્ય સાધનોની સવલતનો અભાવ હોવાથી વધુ એક ઈજાગ્રસ્તનું મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત ૯ જણને સ્થાનિક હોસ્પિટલમાં માંડેથી સારવાર આપવામાં આવી હતી. શામળાજી-ભિલોડા-ઈડર માર્ગ ઉપર ગોઝારા અકસ્માતો હવે કાયમી બની રહ્યા છે ત્યારે હપ્તાખોર ટ્રાફીક પોલીસે સૂરાતન દેખાડવાનો સમય પાકી ગયો છે તેમ આ વિસ્તારની પ્રજાએ આક્રોશ સાથે જણાવ્યું છે. જિલ્લા પોલીસ વડા ડી.આર.પટેલ દ્વારા આ ગમખ્વાર અકસ્માતની ગંભીરતા ધ્યાને લઈ ટ્રાફીક પોલીસ અને સ્થાનિક પોલીસ સામે દાખલારૂપ કાર્યવાહી કરે તેવો જનમત પ્રર્વિત રહ્યો છે.આ બનાવ અંગે સુરેશભાઈ નરસિંહભાઈ અસોડા(મીણા) (રહે.ઝાંઝરી, ખેરવાડા-રાજસ્થાન)ની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.