સુરત, તા. ૨૭
વારસાગત મિલકતોમાં સ્ત્રીઓનાં હક અંગે સમાજના લોકોમાં અનેક કાયદાકીય ગૂંચ રહેલી છે, જેના કારણે મિલકતોની સરખી રીતે વહેંચણી નહીં થતી હોવાથી કૌટુંબિક વિખવાદ ઊભો થાય છે અને તે વર્ષો સુધી ચાલ્યા કરતો હોય છે. સ્ત્રીઓને તેમના હકની જાણકારી મળી રહે તે હેતુસર સંદેશ અખબાર દ્વારા આવતીકાલે એટલે કે રવિવારે નાનપુરા સ્થિત જીવનભારતી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયદાના જાણકારો ખાસ ઉપસ્થિત રહીને સ્ત્રીઓના તેમના વારસાગત મિલકતમાં મળવાપાત્ર હક અંગે જાણકારી આપશે.
વારસાગત મિલકતોમાં સ્ત્રીઓ પણ પુરુષ જેટલી જ સમકક્ષ હોય છે પરંતુ હાલમાં સ્ત્રીઓમાં આ કાયદામાં આવતી જોગવાઇઓની જાણકારીનો અભાવ જોવા મળતો હોય છે જેના કારણે તેઓ તેમજ તેમનાં સંતાનો તેમના હકથી વંચિત રહી જતાં હોય છે. સ્ત્રીઓને તેમના હક અંગે કાયદાની સંપૂર્ણ માહિતી મળી શકે તે હેતુસર અગ્રણી અખબાર સંદેશ દ્વારા રવિવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં, આ ક્ષેત્રના તજજ્ઞા દ્વારા કાયદાની વિવિધ જોગવાઇઓ અંગે માહિતી આપવામાં આવશે.
- વારસાગત મિલકતમાં સ્ત્રીના હક અંગે કાયદાના તજજ્ઞા જાણકારી આપશે
સંદેશ અખબાર દ્વારા શહેરીજનોના હિતમાં જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આગામી રવિવારે તા. ૨૯મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦થી ૧ વાગ્યા દરમિયાન નાનપુરા સ્થિત જીવનભારતી ખાતેના રંગભવનમાં ‘પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારસાગત મિલકતમાં સ્ત્રીના હકો અંગેની જાણકારી આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ બી.યુ.જોષી ઉપસ્થિત રહેશે. જોષીએ ૧૯૭૩ના વર્ષમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૭૬ના વર્ષમાં લો પાસ કરી આણંદમાં વકીલાત શરૂ કરી હતી જેમાં સિવિલ અને રેવન્યુ પર તેમની મજબૂત પકડ હતી. ૧૯૯૯ના વર્ષમાં તેમને સીધા જ ડિસ્ટ્રિક્ટ જજની કેડરમાં એપોઇન્ટ કરવામાં આવ્યા હતા. બે વર્ષ સુધી તેઓ કાયદા વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ નવસારી, જૂનાગઢ અને ગાંધીનગરમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રહી ચૂક્યા છે. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે સુરતા કલેક્ટર એ.જે.શાહ ઉપસ્થિત રહેશે. તેમની મુખ્ય કામગીરી નર્મદા નિગમ અને જીઇબીના ઓફિસર તરીકે રહી છે. તેઓ પ્રમોશન સાથે અમદાવાદના ડીડીઓ બન્યા હતા. અમદાવાદની તેમની સારી કામગીરી બાદ સરકારે તેમને સુરતના કલેક્ટર તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપી છે. સુરતમાં જમીનને લગતાં વિવાદી કેસોમાં તેમના દ્વારા કેટલાંક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય અતિથિવિશેષ તરીકેનું પદ શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના શોભાવશે. અસ્થાના ૧૯૮૪ની બેચના અને ગુજરાત કેડરના આઇપીએસ છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કેટલીક મહત્ત્વની કામગીરી બજાવી છે. ખાસ કરીને તેઓ સેન્ટ્રલમાં હતા ત્યારે બિહારમાં થયેલા ચારા ગોટાળા જેવી મહત્ત્વની તપાસ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોધરાકાંડ થયો ત્યારે તેઓ વડોદરા રેન્જના આઇજીપી હોવાથી તેની પણ તપાસ તેમના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. સુરત આવતા પહેલાં તેઓ વડોદરાના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. આ કાર્યક્રમના અન્ય માનવંતા મહેમાનો તરીકે વિક્રમભાઇ દેસાઇ, આશિત મહેતા તેમજ પી.જે.જરીવાળા ઉપસ્થિત રહેશે. વિક્રમભાઇ દેસાઇ કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના પ્રિન્સિપલ છે. તેઓ હાલમાં દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીના સિન્ડિકેટ મેમ્બર છે તેમજ લો ફેકલ્ટીના ડીન રહી ચૂક્યા છે. તેમણે કાયદાના વિષય પર પીએચડી કર્યુ છે. તેમના માર્ગદર્શન હેઠળ આ જ વિષય પર છ વિદ્યાર્થીઓએ પી.એચ.ડી કર્યુ છે જ્યારે અન્ય છ હાલમાં કરી રહ્યા છે. આશિત મહેતાએ ૧૯૬૭માં સ્નાતક થયા બાદ ૧૯૭૨ના વર્ષથી તેમણે કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. હાલમાં તેઓ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ છે. આ અગાઉ પણ તેઓ બારના પ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે પ્રદીપ જરીવાળા સુરત સિટી એડવોકેટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ છે. ૧૯૭૨માં તેમણે તેમણે કાયદાની પરીક્ષા પાસ કરી હતી. તેઓ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, દેનાબેંક સહિત ૧૫ જેટલી બેંકના પેનલ એડવોકેટ છે. તેઓ સુરત મહાનગર પાલિકા, દક્ષિણ ગુજરાત વીજ કંપની, ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપનીના પણ પેનલ એડવોકેટ છે. આ ઉપરાંત તેઓ શહેરની ઘણીબધી સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. આ કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા તરીકે શહેરના અગ્રગણ્ય એડવોકેટ નઝમુદ્દીન મેઘાણી ઉપસ્થિત રહેશે. મેઘાણી મિલકત અને રેવન્યુના કાયદાના નિષ્ણાત છે અને લાંબા સમયથી તેઓ વકીલાત કરી રહ્યા છે. તેઓ જુદા જુદા સમાચાર પત્રોમાં કાયદાની વિવિધ માહિતી સાથેની કોલમ પણ લખે છે. જેમણે આ કાર્યક્રમમાં હાજર રહેવું હોય તેમણે ફોન નંબર ૦૨૬૧ ૨૪૬૪૭૪૬ અથવા ૨૪૬૩૬૪૬પર સંપર્ક કરી તેમનું નામ લખાવવાનું રહેશે.