હેલ્થ ઇઝ વેલ્થ - ડો. અજય શાહ
ઇ.ટી. ટયુબ એ નાક અને કાનને જોડતી નળી છે. આ નળીનું કાર્ય મધ્યકર્ણમાં (Middle Ear) હવાનું પ્રેસર બહારના હવાના દબાણ જેટલું રાખવાનું છે. જો આ દબાણ બરાબર ન સચવાય તો કાનનો પડદો અંદરની બાજુએ દબાઈ જાય છે, કાનનાં હાડકાં બરાબર હલનચલન કરી શકતાં નથી. તેને કારણે બહેરાશ આવે છે અને કાનના ઘણા બધાં રોગને આમંત્રણ પણ મળે છે. આ ઈ.ટી. ટયુબ નાનાં બાળકોમાં પહોળી અને ટૂંકી હોય છે જેથી નાનાં બાળકોમાં કાનના રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ઈ.ટી. ટયુબ જો બરાબર કામ ન કરે તો કાનનો પડદો (Eardrum) અંદરની બાજુ દબાઈ જાય છે અને તેને કારણે આ દબાણ સરખું કરવા કાનમાં પાણી જમા થાય છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલે તો કાનમાં કાયમી બહેરાશ આવે છે અને પડદો તથા કાનનાં હાડકાંઓ મધ્ય કાનમાં ચોંટી જાય છે અને અવાજનાં મોજાંની સાથે હલનચલન કરતાં અટકી જાય છે.
કારણો
* ઈ.ટી. ટયુબને કારણે શરદીનો ચેપ કાન પર લાગે છે જેને કારણે કાનના પડદામાં કાંણુ પડે છે અને સખત દુખાવો થાય છે. આ ચેપ વારંવાર લાગે તો પડદાનું કાંણુ કાયમી રહી જાય છે.
* ઘણી વાર કારણે કાનનાં હાડકાંમાં સડો થાય છે જેને Cholesteatoma કહેવામાં આવે છે. અને આ સડો જો રોકવામાં ન આવે તો તેને કારણે કાનનો ચેપ મગજમાં તથા કાનની નસ સુધી ફેલાય છે. જેને કારણે મોં વાંકું થઈ જાય છે. આ બધા જ રોગનું કારણ નાક અને કાનને જોડતી નળી (ઈ.ટી. ટયુબ) કામ ન કરવાથી થાય છે.
* ઘણી વાર વિમાનમાં હવાઈ મુસાફરી કરતી વખતે વિમાન લેન્ડ કરતું હોય (નીચે ઊતરતું હોય) ત્યારે કાનમાં સખત દુખાવો થાય અથવા કાનમાં બહેરાશ આવે તો તે આ ઈ.ટી. ટયુબ કાનની અંદરનું દબાણ બરાબર ન કરી શકવાને કારણે થાય છે.
લક્ષણો
* દર્દીને ઘણી વાર કાન ભારે લાગે છે.
* સાંભળવામાં તકલીફ પડે છે.
* કાનમાં દુખાવો રહ્યા કરે છે.
નિદાન
સામાન્ય રીતે ઈ.ટી. ટયુબ કામ ન કરતી હોય તો એન.ટી. સર્જ્યન સચોટ રીતે નિદાન કરી શકે છે. આ રોગનું સચોટ નિદાન કરવા માટે Impedance Audiometry નો ટેસ્ટ કરવામાં આવે છે, જે કાનની અંદરનું દબાણ તથા ઈ.ટી. ટયુબનું કાર્ય જાણવા માટે ખૂબ ઉપયોગી ટેસ્ટ છે. વળી નાકની અંદર નોઝ એન્ડોસ્કોપી કરવાથી ઈ.ટી. ટયુબની આજુબાજુ ગાંઠ મોટી થઈ છે કે નહીં તે પણ જાણી શકાય છે.
સારવાર
ઈ.ટી. ટયુબથી થતા રોગોનો ઈલાજ કરવો તેના કરતાં ટયુબનું ડિસફંક્શન (બરાબર કામ ન કરવું)વહેલાસર જાણીને તેને થતું અટકાવવું જરૂરી છે. ઈ.ટી. ટયુબ બરાબર કામ કરે તે માટે નાકની એલર્જી, શરદી, સાઈનુસાઈટીસ વગેરેનો તાત્કાલિક ઈલાજ કરાવવો જોઈએ.
નાનાં બાળકોમાં adenoich મોટા થઈ ગયા હોય તો તેનો યોગ્ય ઈલાજ અથવા ઓપરેશન કરીને કઢાવી નાખવા જોઈએ. તેને કારણે કાનમાં પાણી ભરાયું હોય તો પાણી કાઢીને વેન્ટિલેશન ટયુબ મુકાવવી જોઈએ.
જે વ્યક્તિને પ્લેનની મુસાફરી દરમ્યાન તકલીફ થતી હોય તો તેમણે મુસાફરી પહેલાં શરદીની દવા લઈને જ બેસવું તથા પ્લેન લેડિંગ પહેલાં કાનમાં કોટન એટલે કે રૂ મૂકી રાખવું જોઈએ.