છાપી,તા.૨૮
વડગામ તાલુકાના વેપારી મથક છાપી ખાતે મુખ્ય બજારમાં આવેલ એ.ટી.એમ. કે જે એસ.બી.આઈ.નું છે જે છેલ્લા ચાર દિવસથી બંધ હાલતમાં છે. જેને લઈ ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યાની ફરિયાદ ઉઠી છે.
· ગ્રાહકોને સિદ્ધપુર સુધી લાંબા થવું પડે છે
આ એસ.બી.આઈ.નું એ.ટી.એમ. છાપી વિસ્તારમાં લગભગ પચાસ ગામમાં એક જ છે. જ્યારે એ.ટી.એમ. ચાલુ હોય ત્યારે યાંત્રિક ખામીના કારણે ઘણી વખત પૈસા નીકળતા નથી અને ખાતામાં પૈસાની ડેબિટ એન્ટ્રી થઈને સ્લીપ બહાર નીકળે છે. જેને લઈ ખાતા ધારકોના જીવ પડીકે બંધાય છે અને બેંકમાં પૂછતા કહેવામાં આવે છે કે અમારે કોઈ લેવા દેવા નથી. પરંતુ એ.ટી.એમ.માં લખેલ ટોલ ફ્રી નંબર ઉપર પૂછો.
આ એ.ટી.એમ. સાથે છાપી વિસ્તારના પચાસ ગામોના ખાતા ધારકો સંકળાયેલા છે. જેમાં બેંક ઓફ બરોડા તેમજ બેંક ઓફ ઈન્ડિયાના હજારો ગ્રાહકો પણ આ એ.ટી.એમ. સાથે સંકળાયેલા છે. પરંતુ આ બંને બેંકોના વહીવટ કર્તાઓએ પોતાના એ.ટી.એમ. મુકવાની કોઈ જ દરકાર લીધેલ નથી અને ખાતા ધારકોને એ.ટી.એમ. કાર્ડ ઈસ્યૂ કરેલ છે.
છાપી ખાતે આવેલ રાષ્ટ્રીય કૃત બેંકોના હજારો ખાતેદારોની ડિપોઝિટો આ બેંકોમાં પડેલ છે. જ્યારે બેંકોએ એ.ટી.એમ.ના લોભામણા સ્વપ્ના બતાવી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે એ.ટી.એમ.થી પૈસા ઉપાડવા ચોવીસ કલાક ર્સિવસ મળી રહેશે પણ છાપીનું એ.ટી.એમ. મહિનામાં પંદર દિવસ બંધ હાલતમાં જોવા મળે છે. જેને લઈ ડિપોઝિટરો ને પોતાની જરૂ રિયાત માટે પાલનપુર અને સિદ્ધપુરના એ.ટી.એમ. સુધી પૈસા ઉપાડવા જવું પડે છે. આ બાબતે બેંકના અધિકારીનો સંપર્ક થઇ શક્યો ન હોઇ તેનું મંતવ્ય જાણી શકાયું નથી.