અમદાવાદ,તા.૧૨
ખાનગી કુરિયર ર્સિવસની સરખામણી પોસ્ટ વિભાગની સેવાઓ લોકો માટે વધુ લાભદાયી સાબિત થઇ રહી છે. તેમાંયે પોસ્ટ વિભાગ પણ મોડર્ન બની રહ્યું છે. ઉચ્ચ વર્ગ, શિક્ષિત યુવાઓ, કોર્પોરેટ કંપનીઓ પોસ્ટ વિભાગ પ્રત્યે આર્કિષત થઇ રહ્યો છે. દિવાળીના તહેવારોમાં ગ્રિટિંગ્ઝ કાર્ડ મોકવા માટે પણ ઇ-પોસ્ટ સેવાઓનું ચલણ વધી રહ્યું છે. વિવિધ ડિઝાઇન સાથે ગ્રિટિંગ્ઝકાર્ડ ગણતરીના કલાકોમાં જ પહોંચતાં હોઇ લોકો ઇ-પોસ્ટને વધુ પસંદ કરી રહ્યાં છે.
- ઉચ્ચ વર્ગ, કંપનીઓ પોસ્ટ વિભાગના કોર્પોરેટ કલ્ચરના રંગે રંગાયા
- દિવાળીમાં રોજની ૩૦ લાખ ટપાલ- ગ્રિટિંગ્ઝની આવક
દીવાળીના પર્વ દરમિયાન લોકો શુભેચ્છા પાઠવતાં હોય છે. દિવાળી વખતે પોસ્ટ વિભાગે ખાસ વ્યવસ્થા કરવી પડે છે છતાંયે ઘણાં કિસ્સામાં કાર્ડ મોડાં પહોંચતાં હોય છે. આ ઉપરાંત તહેવારોના સમયમાં ગ્રિટિંગ્ઝ કાર્ડ ખરીદવા, કવરમાં પેક કરવું અને પોસ્ટમાં જવા જેટલો સમય પણ હવે લોકો પાસે હોતો નથી. જ્યારે ઇ- ગ્રિટિંગ્ઝમાં ઘેર બેઠાં કાર્ડની ડિઝાઇન તૈયાર કરીને તેમાં મેસેજ સાથે રાજ્યમાં કોઇ પણ શહેરમાં મોકલી શકાય છે. ઇ- ગ્રિટિંગ્ઝ માટે પોસ્ટ ઓફિસમાં જઇને ફોર્મ ભરીને યૂઝર આઇડી મેળવીને એક સાથે ૫૦ વ્યક્તિને ઇ ગ્રિટિંગ્ઝ મોકલી શકાય છે. ઇ- ગ્રિટિંગ્ઝ મોકલાનારે જે શહેરમાં તેમના મિત્ર કે સંબંધીને કાર્ડ મોકલાવ્યું હોય તે શહેરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટનો કર્મચારી ગ્રેટિંગ્ઝ કાર્ડને ડાઉનલોડ કરીને ઘેર જઇને પહોંચાડી દે છે.
સામાન્ય દિવસોમાં રાજ્યમાં રોજની ૨૦ લાખ ટપાલની આવક હોય છે જ્યારે દિવાળીના તહેવારોમાં ટપાલની આવકમાં ૧૦ લાખનો વધારો થઇ જાય છે. હવે ખાસ કરીને ખાનગી કંપનીઓ, કોર્પોરેટ ઓફિસો, હોસ્પિટલો , સરકારી વિભાગો પણ હવે પોસ્ટના કોર્પોરેટ કલ્ચરના રંગે રંગાયા છે.