Jul 31,2014 09:01:58 PM IST
 

અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટને સુલભ કરાવતી : કાળીચૌદશ

Oct 12, 2011 23:51 Supplements > Shraddha
 
Tags:   Diwali 2011 comment     E-Mail     Print    
 
Viewed: 1508
Rate: 3.0
Rating:
Bookmark The Article

પર્વ મહિમા - ઘનશ્યામ ગોસ્વામી

અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાની પ્રેરણા આપતું પર્વ કાળીચૌદશ છે. કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેના ભક્તોના દુર્ગુણો હરીને તેને સદગુણી સદાચારી બનાવે છે. મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે. તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્યમાં રહેલા કુવિચારો, દુર્ગુણો તેને જીવનમાં અને મૃત્યુ બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેના ભક્તોના દુર્ભાવોને નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે. કાળીચૌદશનો દિવસ તાંત્રિક સાધના માટે પણ વિશેષ મહત્ત્વપૂર્ણ ગણાય છે. આજના દિવસે તાંત્રિક સાધકો તાંત્રિક વિદ્યાના ગૂઢ રહસ્ય જાણવા માટે તાંત્રિક વિધિથી મહાકાળીની પૂજા કરે છે અને તાંત્રિક સિદ્ધિઓ મેળવે છે. કાળીચૌદશને નરકચતુર્દશી, રૂપચૌદશના તરીકે પણ મનાવવામાં આવે છે.

કાળીચૌદશ આસુરી શક્તિ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ શ્રીકૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ, સંતોને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓનાં અપહરણ કરીને તેને બંદી બનાવી રાખતો. શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કરીને બંદી બનેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી. તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી આજ સુધી નરકચતુર્દશીનો તહેવાર મનાવવામાં આવે છે.

નરકચતુર્દર્શીને રૂપચતુર્દશી પણ કહે છે. રૂપચતુર્શી કહેવા પાછળ એક પ્રાચીન કથા જોડાયેલી છે. હિરણ્યગર્ભ નામના પ્રદેશમાં એક યોગીએ ભગવાનને પામવા માટે સમાધિ ધારણ કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન તેના શરીરમાં કીડા પડી ગયા અને તે કદરૂપો વિકરાળ બની ગયો. નારદજીએ યોગીની આ હાલત જોઈને તેને આ સ્વરૂપમાંથી મુક્તિ અપાવવા માટે કારતક વદ ચૌદશનું વ્રત કરવાનું કહ્યું તેનાથી તેનું ગયેલું રૂપ પાછું આવી ગયું. આ રીતે કાળીચૌદશનો દિવસ સૌદર્યવર્ધક પણ હોવાથી રૂપચતુર્દર્શીના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે.

કાળીચૌદશ સાથે અનેક સાચી ખોટી માન્યતાઓ જોડાયેલી છે ત્યારે લોકો ઘણી વાર અનિષ્ટ તત્ત્વોથી ભય અનુભવે છે ત્યારે મંગલમૂર્તિ હનુમાન અમંગળને દૂર કરીને મંગળના દાતા છે. તેથી આજના દિવસે અનિષ્ટથી બચવા માટે હનુમાનને તેલ ચડાવી વડાં ધરાવી તેને રીઝવવામાં આવે છે અને હનુમાન ભૂતપ્રેત અને અનિષ્ટથી રક્ષાકવચ બનીને ભક્તોનું રક્ષણ કરે છે. આ રીતે મા કાળી, શ્રીકૃષ્ણ ભગવાન અને હનુમાનજીની વિધિસર પૂજા અર્ચના કરી તેની કૃપાથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે અને અનિષ્ટ રક્ષણ મેળવીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com