Nov 29,2014 07:42:30 AM IST
 

ધનપ્રાપ્તિનો શુભ અવસર : ધનતેરસ

Oct 12, 2011 17:52 Supplements > Shraddha
 
Tags:   Diwali 2011 comment     E-Mail     Print    
 
Viewed: 2692
Rate: 0
Rating:
Bookmark The Article

પૂજન પર્વ - તૃપ્તિ ભટ્ટ

કારતક માસની વદ તેરસને ધનતેરસ કહે છે તે સુખ, સંપદા, ઐશ્વર્યને પ્રાપ્ત કરાવતો શુભ અવસર છે. આ દિવસે જ સમુદ્રમંથનમાંથી અમૃતના કળશ સાથે દેવતાઓના વૈદ્ય ધન્વંતરિ પ્રગટ થયા હતા તેથી આ દિવસને ધન્વંતરિ જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે. સાથે લક્ષ્મી પૂજા પણ થાય છે

ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ મહત્ત્વ છે. સુર અને અસુર જ્યારે સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે કેટલીય મૂલ્યાવાન ચીજો મળી હતી. તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃતઆ અમૃતકળશ દેવતાઓના વૈદ્ય ધન્વંતરિના હાથમાં હતું, આજના દિવસે દેવોને ધન્વંતરિ દ્વારા જ અમૃત પ્રાપ્ત થયું હતું. ધન્વંતરિને આમ તો દેવતાના વૈદ્ય કહેવામાં આવે છે પણ તેમાં ભગવાન વિષ્ણુનો અંશ પણ રહેલો છે. ધન્વંતરિની ઉત્પતિના ઉપલક્ષમાં પણ ધનતેરસ મનાવવામાં આવે છે. ધન્વંતરિ દેવોના વૈદ્ય હોવાથી ધનતેરસનો દિવસ ચિકિત્સકો માટે પણ મહત્ત્વનો છે. આજના દિવસે ચિકિત્સક પણ ધન્વંતરિ દેવતાની પૂજા અર્ચના કરીને પોતાના વ્યવસાય અને જ્ઞાનમાં વૃદ્ધિ વિકાસ માટે કામના કરે છે. આ રીતે આયુર્વેદના પ્રણેતાની જન્મજયંતી હોવાથી ધનતેરસનો દિવસ ચિકિત્સા અને ઔષધિ વિજ્ઞાન માટે પણ શુભ અને મહત્ત્વનો માનવામાં આવે છે.

ધનતેરસ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી હોવાથી તે દૃષ્ટિએ પણ અલગ અલગ વરદાનની કામના સાથે ધનની પૂજા કરવામાં આવે છે. ધનતેરસની ઘડી સુખ, સમૃદ્ધિ સંપદા આપનારી તો છે જ પરંતુ એક પ્રચલિત કથા પ્રમાણે ધનતેરસ અમરત્વ પણ આપનારી છે. દીપ પ્રાગટય એ દિવાળનીના પર્વ સાથે જોડાયેલ છે પરંતુ એક પુરાણકથા પ્રમાણે દીવાની હારમાળા દીપાવલી સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધનતેરસ છે.

આ રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીની સાથે ગણીએ છીએ પરંતુ પૌરાણિક કથા પ્રમાણે એક દિવસ યમરાજે તેના દૂતને પૂછયું કે હું તેને મનુષ્યના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું ત્યારે તેને પ્રાણ હરતા રંજ નથી થતો?’ ત્યારે તેમણે જવાબ આપ્યો કે એક દિવસ જ્યારે હું ચાર દિવસ પહેલાં જ લગ્ન કરેલા એક યુવકના પ્રાણ હરવા માટે ગયો ત્યારે ધનતેરસ હતી અને મને તેના પ્રાણ હરવા માટે બહુ અફસોસ થયો હતો ત્યારે યમરાજાએ વરદાન આપ્યું કે આ દિવસે જે દીપમાળ કરશે તેનો તે દિવસે જીવનદીપ નહિ બુઝાય. આ કથા પ્રમાણે એક એવી લોકવાયકા પણ પ્રચલિત છે કે આજના દિવસે દીપમાળ કરવાથી યમરાજા એક દિવસનું આયખું દાનમાં આપે છે.

 ધનતેરસના સંદર્ભે એક બહુ જૂની અને જાણીતી અન્ય એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. પ્રાચીન કાળમાં રાજા હિમને ત્યાં બહુ વર્ષ બાદ પુત્રની પ્રાપ્તિ થઇ પરંતુ લગ્ન બાદ ચોથા દિવસે સાપના ડંખથી મોત થશે તેવા તેના કુંડળીના યોગ હતા. પરંતુ નવી પરણીને આવેલી પુત્રવધૂ બહુ શ્રદ્ધાવાન અને પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી હતી તેણે ચોથા દિવસની બહુ મક્કમ મને રાહ જોઇ ચોથો દિવસ આવ્યો ત્યારે બરાબર ધનતેરસ હતી અને તે દિવસે હિમરાજાની પુત્રવધૂએ મહેલમાં ચારેતરફ ઝળહળાટ રોશની કરાવી, આવનાર કોઇ પણ અંજાઇ જાય એવી રોશનીથી મહેલનો ખૂણે ખૂણો ઝળકી ઊઠયો હતો ત્યારે બરાબર રાતના સમયે યમરાજાએ નાગનું સ્વરૂપ ધારણ કર્યું અને મહેલમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મહેલના ઉંબરામાં ઝળહળાટ દીવાની રોશની હતી તેથી સાપ અંજાઇ ગયો અને તે રોશની ઓછી થવાની રાહ જોતા ત્યાં જ પડી રહ્યો પરંતુ રાહ જોવામાં જ સવાર પડી ગઇ અને તેની મોતની ઘડી ટળી ગઇ અને સાપ પાછો ફર્યો. આ કથની પરથી એક એવી માન્યતા પણ લોકોમાં છે કે આજના દિવસે દીપમાળા કરવાથી યમરાજાના કોપથી રક્ષણ મેળવી શકાય છે. તેથી ધનતેરસના દિવસે લોકો નિરોગી અને દીર્ઘ આયુષ્યની કામના માટે ઘરના દ્વાર પાસે ઉંબરામાં દીપ પ્રગટાવે છે અને યમરાજને રીઝવવાનો પ્રયત્ન કરે છે.

લક્ષ્મીજીના સંદર્ભે પણ ધનતેરસ સાથે કથા જોડાયેલી છે. કહેવાય છે કે લક્ષ્મીને વિષ્ણુનો શાપ હતો કે તેમને તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું તેથી આ વર્ષો દરમિયાન ખેડૂતના ધનધાન્યમાંં બહુ વૃદ્ધિ થાય છે,

જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે વિષ્ણુજી તેમને લેવા માટે આવ્યા પરંતુ ખેડૂતને તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાથી યાદ કરવામાં આવશે તો ફરી તારા ગૃહમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઇ રહ્યું છે.

ધનતેરસના દિવસે ધનધાન્યના દેવતા કુબેરની પૂજા કરવાનું પણ વિશેષ માહત્મ્ય છે કહેવાય છે કે લંકાના રાજા રાવણે કુબેરની સાધના કરીને તેમને પ્રસન્ન કરીને સુવર્ણની લંંકા પ્રાપ્ત કરી હતી. ધનતેરસના દિવસે પિતળ, ચાંદી, તાંબું કે વાસણ ખરીદવામાં આવે છે.

પિત્તળ ભગવાન ધન્વંતરિની ધાતુ છે. ધનતેરસના દિવસે પિત્તળની ધાતુની ખરીદી કરવાથી આરોગ્ય, સૌભાગ્ય, અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાની પણ પરંપરા છે. ચાંદીને ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે અને ચંદ્ર શીતળતા આપનાર છે. તેથી આજના દિવસે ચાંદીની ધાતુને ઘરમાં લાવવાથી સુખની સાથે મનની શાંતિરૂપી ધનની પણ પ્રાપ્તિ થાય છે.

ચાંદી એ કુબેરની ધાતુ પણ છે તેથી ચાંદીની ખરીદી કરવાથી ઘરમાં. સુખ, સમૃદ્ધિમાં કીર્તિમાં તેર ગણી વૃદ્ધિ થાય છે.

જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, ઐશ્વર્યની કામના સાથે લોકો આજના દિવસે દીપોની ઝળહળાટ રોશની સાથે ધન ધાન્યના દેવતા કુબેર, અને આરોગ્યના દેવતા ધન્વંતરિ ભગવાનનું વિધિવત પૂજન અર્ચન કરે છે અને કુબેરનું વરદાન મેળવીને જીવનને સુંદર વૈભવી ગતિ આપે છે.

 ધનતેરસના દિવસે શું કરશો?
* સાંજના સમયે તેર દીવા કરીને તિજોરી ખુ્લ્લી રાખીને કુબેરનું પૂજન કરો.

* ચાંદી કે ધનનું શોડષોપચારે પૂજન કરીને કપૂરથી તિજોરીની આરતી ઉતારવી

* ચાંદી, પિત્તળ, અથવા તાંબાની ધાતુની ખરીદી કરો.

* ઘરના દ્વાર પર સાંજના સમયે દીપ જલાવો.

* શુભ મુહૂર્તમાં વ્યાવસાયિક પ્રતિષ્ઠાનમાં નવી ગાદી બિછાવો.

* કુબેરનું સ્મરણ કરીને તિજોરીમાં અક્ષત છાંટો

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com