Jul 04,2015 01:43:55 AM IST
 

વર્ષ બદલાય છે, શું આપણે ન બદલાવું જોઈએ?

Oct 12, 2011 17:56 Supplements >
 
Tags:   Diwali 2011 comment     E-Mail     Print    
 
Viewed: 1995
Rate: 0
Rating:
Bookmark The Article

પર્વ વિશેષ - દિવ્યેશ વ્યાસ

નવા વર્ષના પ્રભાતે માણસ જ્યારે આંખો ખોલે છે ત્યારે તેની આંખોમાં અનેક સોહામણાં સપનાંઓ આંજેલાં હોય છે. નવું વર્ષ નવાં અરમાનો જગવતું હોય છે, નવું વર્ષ નવો ઉત્સાહ વધારતું હોય છે, નવું વર્ષ નવાં સાહસો કરવા માટે પ્રેરતું હોય છે

સમય સતત વહેતો રહે છે. સમય સમયનું કામ કરતો રહે છે. સૃષ્ટિનો સૌથી બુદ્ધિશાળી જીવ એવો માનવી સમયને રોકી શકતો નથી, છતાં તેને માપી જરૂર શકે છે. માનવી જ સમયનું મૂલ્ય સમજ્યો છે અને એટલે જ દુનિયાની દરેક સંસ્કૃતિમાં તેનું પોતાનું કેલેન્ડર તૈયાર કર્યાનો રસપ્રદ ઇતિહાસ છે. માનવ સંસ્કૃતિમાં કાળ-સમયના માહાત્મ્યને પ્રતાપે જ સમયમાપક ઘડિયાળ અને સંવત-કેલેન્ડરની શોધ શક્ય બની છે. વિવિધતાભરી ભારતીય સંસ્કૃતિમાં અનેક સંવત-કેલેન્ડર જોવા મળે છે, પરંતુ મોટા ભાગના હિન્દુ લોકોમાં વિક્રમ સંવત સૌથી વધુ પ્રચલિત છે. વિક્રમ સંવતમાં નવું વર્ષ કારતક મહિનાના પહેલા દિવસ એટલે કે કારતક સુદ એકમના દિવસે મનાવવામાં આવે છે. ઉત્તર ભારત કે દક્ષિણ ભારતની સરખામણીમાં પશ્ચિમ ભારત, એમાંય ખાસ ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ કંઈક ઓર જ હોય છે. દિવાળીની અંધારી રાતને દીપક અને ફટાકડાથી ઝળાંહળાં કર્યાના ઉદ્યમ પછી ઊગેલું અરુણ પ્રભાત વિક્રમ સંવતનું નવું વર્ષ લઈને આવતું હોય છે.

નવા વર્ષના પ્રભાતે માણસ જ્યારે આંખો ખોલે છે ત્યારે તેની આંખોમાં અનેક સોહામણાં સપનાંઓ આંજેલાં હોય છે. નવું વર્ષ નવાં અરમાનો જગવતું હોય છે, નવું વર્ષ નવો ઉત્સાહ વધારતું હોય છે, નવું વર્ષ નવાં સાહસો કરવા માટે પ્રેરતું હોય છે, નવું વર્ષ નવાં લક્ષ્યો સાધવા માટે સાબદા કરતું હોય છે, નવું વર્ષ બીતી બાતોંને ભૂલીને કંઈક નવું કરવાનો જુસ્સો પેદા કરતું હોય છે, નવું વર્ષ અનેક નવી તક સંકોરીને બેઠું હોય છે...

માણસને પહેલેથી નવાનું આકર્ષણ રહ્યું છે. ટેક્નોલોજી હોય કે પ્રોડક્ટ માણસની આંખો ‘ન્યૂ’ સાંભળીને જરા ચમકી જતી હોય છે. બાળક પણ નવું રમકડું આવતાં જૂનાને છોડીને નવા સાથે રમવા લાગતું હોય છે. ત્યારે આખું વર્ષ નવું આવે ત્યારે તેનો તો કેટલો ઉત્સાહ હોય? બેસતા વર્ષ તરીકે ઊજવાતું આ પર્વ અબાલવૃદ્ધ સૌને સાંકળતું પર્વ છે. આ પાવન દિવસે ઈશ્વર તેમજ વડીલો પાસેથી આશીર્વાદ મેળવાય છે તો મિત્રો સાથે શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવતી હોય છે. વહેલી સવારમાં ઘરની સાફ-સફાઈ થઈ જતી હોય છે. રંગોળીઓ અને દિવડાઓથી ઘરને સજાવવામાં આવે છે. નવી નવી વસ્તુઓથી સજાવેલું ઘર પણ જાણે નવું બની જતું હોય છે. કપડાં નવાં હોય છે, ઝવેરાત નવાં હોય છે, એક્સેસરીઝ નવી હોય છે, આશા-અરમાનો નવાં હોય છે, પણ શું ત્યારે આપણામાં કંઈક નવીનતા ફૂટી હોય છે ખરી? વર્ષ બદલાય છે પણ શું આપણે તસુભાર પણ બદલાતા હોઈએ છીએ? કદાચ ના, આપણે એ જ જૂના સ્વભાવવાળા, જૂના પૂર્વાગ્રહોવાળા હોઈએ છીએ, એ જ જૂની ખામીઓ અને અણઆવડત ધરાવનારા હોઈએ છીએ, શું આપણે ન બદલાવું જોઈએ?

હાલમાં જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે, એવા ભોગીલાલ ગાંધીની એક કવિતા અહીં સાદર રજૂ કરી છે, તે ખુદમાં કંઈક બદલાવ લાવવાની પ્રેરણા આપવા સક્ષમ છે :

તું તારા દિલનો દીવો થા ને,

ઓ રે ઓ રે ઓ ભાયા!

રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;

એ રે ઉછીનાં ખૂટી જશે રે, રહી જશે પડછાયા... તું તારા...

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયાં,

નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા.. તું તારા...

આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા,

આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં તું... તું તારા...

સૌના શુભ સ્વપ્નો સાકાર થાય એવી નવા વર્ષની શુભેચ્છાઓ...  
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com