Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:49:24 PM IST
 

સચાણા યાર્ડથી પર્યાવરણને ગંભીર ખતરો

Oct 13, 2011 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 302
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર તા.૧ર

જામનગરના સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે જોખમી ઘન કચરાનો નીતિ નિયમો પ્રમાણે નિકાલ કરવામાં ક્ષતિઓ જણાઈ આવતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે તાત્કાલીક અસરથી યાર્ડની કામગીરી બંધ કરાવી દીધી હતી તેમજ ત્યારબાદ કોઈ પણ જહાજ ભાંગવાની પરવાનગી ન આપવાની જીએમબીને નોટીસ ફટકારી હતી. પરંતુ હાલ જહાજ ભાંગવાની સાથો સાથ યાર્ડ ખાતે પ્રવૃતિ વધવા સાથે સમસ્યાઓ પણ વધી હોવાનું બહાર આવ્યું છે.

  • ઘન કચરાનો નિયત નિયમો પ્રમાણો નિકાલ ન થતો હોવાની વ્યાપક ફરિયાદો
  • ખુદ પ્રદુષણ બોર્ડે આઠ વર્ષ પૂર્વે બંદર બંધ કરાવી દીધેલું

વર્ષ ર૦૦૩માં જીએમબી હસ્તકના સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતેના કાર્યરત ૧૪ પ્લોટ પૈકી માત્ર ચાર પ્લોટમાં જહાજ ભાંગવાની પ્રવૃતિ થતી હતી ત્યારે જહાજ ભાંગતી વખતે અને ત્યારબાદની કામગીરીમાંથી ઉત્પન્ન થતો ઘન કચરો વિભાગે નિયત કરેલાં નિયમો પ્રમાણે નિકાલ થતો ન હોવાનું ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ધ્યાનમાં આવ્યું હતું. તપાસણીના આધારે આ ફરિયાદોમાં તથ્ય જણાઈ આવતાં પ્રદુષણ બોર્ડે સચાણા યાર્ડ આખુ બંધ કરાવી દીધુ હતું. બોર્ડે આ અંગે જીએમબીને લેખીતમાં આદેશ કર્યો હતો તેમજ ત્યારબાદ વિભાગ દ્વારા કોઈ પણ નવા જહાજ ભાંગવાની મંજુરી આપવામાં ન આવે તેવી સુચના પણ આપી હતી.

સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ જે જગ્યાએ આવેલું છે તે વિસ્તાર મરીન નેશનલ પાર્ક જાહેર થયેલો છે. અહિ મોટા પ્રમાણમાં ચેરના વૃક્ષો આવેલા છે. પાસે જ વિશ્વ વિખ્યાત ખીજડીયા બર્ડ સેન્ચુરી આવેલી છે એટલે કે પર્યાવરણીય સમતુલાની દ્રષ્ટિએ આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે. શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં વ્યાપકપણે ઘન કચરો નીકળે છે જેનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે અને આ માટે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કડક નિયમો નકકી કરેલાં છે. આ નિયમો પાળવા શીપ બ્રેકર્સ માટે અને અમલવારી કરાવવી જીએમબી માટે ફરજીયાત છે. તેમાં ભુલ થતી હોવાની ખુદ સરકારી વિભાગની તપાસમાં ધ્યાને આવતાં આખે આખુ યાર્ડ બંધ કરાવી દેવાના આદેશો થયાં હતાં ત્યારબાદ ગાંધીનગરથી એક વિશેષ ચકાસણી ટીમ સચાણા દોડી આવી હતી અને મધ્યસ્થીઓની દરમ્યાનગીરી બાદ ઘીના ઠામમાં ઘી પાડી દેવાયું અને યાર્ડ પુનઃ ધમધમવા લાગ્યું હતું.

ર૦૦૩ની સરખામણીએ હાલ ભાડેની કામગીરી ચાર-પાંચ ગણી વધી ગઈ છે. ૪ ને બદલે ૧૬ પ્લોટમાં કામગીરી થાય છે ત્યારે પર્યાવરણ સંબંધીત વ્યાપક પ્રશ્નો ઉપસ્થિત થયાનું તંત્રના ધ્યાનમાં આવ્યું છે. અલંગની સરખામણીમા ત્રીજા ભાગની ઉંડાઈ ધરાવતું હોવા છતાં હાલ ઉદ્યોગમાં તેજી ફાટફાટ થતી હોવાથી શીપ બ્રેકરોએ અહીં નજર દોડાવી છે અને રાત-દિવસ કામ થાય છે. જહાજ ભાંગવા માટે ઉપયોગમાં લેવાતા ગેસ કટર, લોખંડ/સ્ટીલના બનેલાં મહાકાય જહાજો કાંઠે લાવીને ભાંગવાના બદલે દરીયાની અંદર પાણીમાં કરવામાં આવતી પ્રવૃતિને કારણે પેદા થતો ઘન કચરો સીધો જ દરીયામાં ખાબકે છે. અનેકવાર ઓછી વધતી માત્રામાં જહાજમાં રહેલું ક્રુડ દરિયાના પાણીમાં ફેલાય છે. જે અંગે ઉદ્યોગકારો દ્વારા પુરતી કાળજી લેવામાં આવતી નથી.

આ અગાઉ ફેબ્રુઆરી ર૦૦રમાં જહાજમાંથી નીકળતું ક્રુડ ઓઈલ દુર દુર સુધી પ્રસરી ગયુ હતું. છેક સચાણા ગામને કાંઠે કાળુ તેલ ફેલાઈ ગયુ હતું, જેના પગલે ચેરના વૃક્ષો અને સંખ્યાબંધ જળચરો નાશ પામ્યા હતા. ભરતીના પાણી ઓસરી ગયા બાદ ઠેકઠેકાણે કાળા ધબ્બાઓ સાબીતી રૂપે પડયા જોઈ શકાતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલી જહાજને દરિયાના પાણીમાં સ્થિર રાખવા માટે જહાજના તળીયે મોટી માત્રામાં ઓઈલ ભરી રાખવામાં આવે છે. સચાણા ખાતે દરિયામાં પુરતું ઉંડાણ ન હોવાથી જહાજને કાંઠે, પ્લોટ સુધી ખેંચી શકાતું નથી એટલે દરિયાના પાણીમાં ઠલવાય છે જે ભરતી ઓટ સાથે દરીયામાં તણાતો રહે છે. આ સમસ્યા ફરી એકવાર વકરી હોવાની ફરીયાદો ઉઠી રહી છે.

અને તત્કાલિન કેન્દ્રીયમંત્રી ઉકળી ઉઠયા

તત્કાલીન કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસમાં જામનગરમાં પત્રકાર પરિષદમાં બેડી બંદર-નવા બંદરે ખુલ્લા ખડકાયેલાં કોલસાના ઢગ અને તેમાંથી આસપાસના વિસ્તારોમાં ઉડતી અને પર્યાવરણને વ્યાપક નુકશાન કરતી ભુકી અંગે મુદો ઉઠાવી સંબંધીત વિભાગને આ પ્રશ્ન ઉકેલવા સામેથી આદેશ કર્યો હતો. જો કે આ આદેશને લાંબો સમય વીતી જવા છતાં પણ કોઈ સ્થિતિ પલટાઈ નથી.

નવી મંજુરી કોણે આપી...?

મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં એકપણ પ્રકારની ઔદ્યોગીક પ્રવૃતિ માટે મંજુરી આપી શકાય નહી, તેમજ ર૦૧૦માં ફાઈનલ થયેલાં સીઆર ઝેડ એટલે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમો અમલમાં આવ્યા બાદ આ વિસ્તારમાં પાંચ-પાંચ નવા પ્લોટો ફાળવવામાં આવ્યા છે. જે પૈકી પ્લોટ નં.૧૪ અને ૧પમાં ગેરકાયદેસર દરિયામાં ભરતી ભરીને પુરાણ કરવામાં આવ્યું છે તે અંગે મંજુરી કોણે આપી તે તપાસનો વિષય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com