હિંમતનગર, તા.૧ર
હિંમતનગર શહેરમાં એક વર્ષ અગાઉ પત્ની સાથે મજાક મસ્તી કરતા નાનાભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારીને તેની લાશ હરસોલ ગામની સીમના કૂવામાં ફેંકી દેનાર મોટાભાઈ અને તેની માસીના દિકરાને એડીશનલ સેસન્સ જજ એસ.આઈ.ટીંબલીયાએ આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. દીયર અને ભાભીની મજાક મસ્તીએ મોટા ભાઈના મનમાં શંકા ઊભી કરી હતી પરંતુ તે નાના ભાઈને કંઈ કહી શકતો નહોતો અને આખરે તેણે માસીઆઈ ભાઈ સાથે મળી નાના ભાઈનું કાસળ કાઢી નાંખવા તેનું શાળામાંથી અપહરણ કરી હત્યા કરી નાંખી હતી.
- નાના ભાઈને મોતને ઘાટ ઉતારી લાશને હરસોલ ગામની સીમના કૂવામાં ફેંકી દીધી હતી
- ભાભી સાથે મજાક કરનાર દિયરની હત્યા કરનારા
હિંમતનગરના મહેતાપુરાના બ્રહ્માણીનગરમાં સુરેન્દ્રકુમાર હમેન્દ્રકુમાર મોર્ય પિતા, પત્ની અને નાનાભાઈ દિપક સાથે રહેતા હતા. દિપક શહેરની માણેકકૃપા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. દિપક મોટા ભાઈની પત્ની અને અને તેની ભાભી સાથે રોજ બરોજ મજાક-મસ્તી કરતો હતો. જે મોટાભાઈને પસંદ ન હતું. દિયર અને ભાભી વચ્ચેની મજાક અને મસ્તીએ સુરેન્દ્રને શંકાના વમળમાં મૂકી દીધો હતો.
એક બાજુ પત્ની અને બીજી બાજુ નાનોભાઈ તે કંઈ પણ કહી શકતો ન હતો અને મનમાં ને મનમાં મુંજાતો હતો અને એક દિવસ ભાઈનો કાંટો કાઢી નાંખવાનો મનસુંબો ઘડી તેણે ભાઈની હત્યા માટે પોતાની માસીના દિકરા કિશનકુમાર જનકકુમાર રાવલ (રહે.બોડાગામ, જિ.બાંસવાડા ,રાજસ્થાન)ને સાથે રાખીને દિપકનું શાળામાંથી અપહરણ કરી તેને હરસોલ લઈ જઈ ત્યાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી દિપકની હત્યા કરી લાશને હરસોલ ગામના સીમાડામાં આવેલ કાસમભાઈના કંપાના કૂવામાં લાશ નાખી દીધી હતી અને ચુપચાપ રવાના થઈ ગયા હતા.
દિપક શાળાએથી ઘરે ન આવતાં તેની શોધખોળ આદરવામાં આવી હતી છતાં પણ તેનો પતો ન લાગતા તેના રતનલાલ મોર્ય અને પિતા મહેન્દ્રકુમાર મોર્ય પોલીસને જાણ કરી હતી. તે દરમિયાન પરિવારજનોને સમાચાર મળ્યા હતા કે દિપકની સ્કૂલબેગ ગંભીરપુરા ગામ પાસે પડેલ છે. તેથી પરિવાર જનો ત્યાં દોડી ગયા હતા અને ઘરના લેન્ડ લાઈન નંબર ઉપર આવેલ કોલ અંગે તપાસ કરતાં એક અજાણ્યો નંબર મળી આવ્યો હતો. જે નંબર અંગે તપાસના અંતે રીક્ષા ચાલકનો હોવાનું બહાર આવતાં તેની પુછપરછ કરતાં તેણે દિપક અને અન્ય એક છોકરાને તલોદ તાલુકાના હરસોલ નજીક સુલતાનપુરા પાસેની કેનાલ જોડે ઉતર્યા હોવાનું જણાવ્યું હતુ. પરિવારજનોએ હરસોલ વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ દિપકનો પતો લાગ્યો ન હતો પરંતુ બીજા દિવસે સમાચાર મળ્યા હતા કે હરસોલ ગામની સીમમાં કાસમભાઈના કૂવામાં એક લાશ પડેલી છે. પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે જઈ લાશને કૂવામાંથી બહાર કાઢતાં તે દિપકની લાશ હોવાનું જણાયેલ પોલીસે લાશની તપાસ કરતાં તેના મૃતદેહ ઉપર તીક્ષણ હથિયારના ઘાના નિશાન મળી આવ્યા હતા. તેથી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ઉંડી તપાસ હાથ ધરતાં દિપકની હત્યા તેના સગા ભાઈ સુરેન્દ્ર મોર્યએ તેના માસીના દિકરા કિશન રાવલની મદદથી કરી હોવાનું બહાર આવતાં પોલીસે બંન્નેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતુ. જે અંગે નો કેશ હિંમતનગર એડી.સેસન્સ જજ એસ.આઈ. ટીંબલીયાની કોર્ટમાં ચાલતાં પબ્લીક પ્રોસીડયુટર દિલીપ બારોટની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી બંન્ને હત્યાના આરોપીઓને હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ.૧,૦૦૦ હજારનો દંડ ફટકાર્યા છે.જ્યારે કલમ ૩૬૪ના ગુન્હામાં પાંચ વર્ષની સજાએ રૂ.પ૦૦૦ દંડ તેમજ કલમ ર૦૧માં ૩ વર્ષની સજા અને રૂ.ર હજાર દંડ અને બી.પી.એક્ટના ગુન્હામાં ૬માસની સજાએ રૂ.૧ હજાર દંડનો હુકમ કરેલ છે.