સુરત, તા. ૧૨
રિંગરોડ ખાતે આવેલી આઇસીઆઇસીઆઇ બેંક સાથે રૂપિયા સવા કરોડની ઠગાઇનો પ્રયાસ કરનાર બે મહિલા સહિત ચાર જણાં સામે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ચીટર ટોળકીએ હૈદરાબાદની આઇસીઆઇસીઆઇ બેંકની દોઢ કરોડની એફડીના બોગસ દસ્તાવેજ રજૂ કરી તેના આધારે સવા કરોડની લોન લેવાનો પ્રયાસ કર્યો હતો. ઠગાઇનો આ પ્રયાસ કરનારાઓમાં બે વકીલનો પણ સમાવેશ થાય છે.
- વકીલ મહેશ જોષી અને નિકુંજબહેન જરીવાલા બેંકને ચૂનો ચોપડવા જતાં ફસાયાં
- હૈદરાબાદમાં એફડી હોવાનું કહી લોન લેવાના પ્રયાસમાં જોષી અને જરીવાલાની ધરપકડ
અઠવાલાઇન્સ પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર સપકાળેના જણાવ્યા અનુસાર રિંગરોડ સ્થિત સબજેલની સામે શ્યામ ચેમ્બર્સમાં આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને વરાછાના લંબે હનુમાન રોડ ખાતે આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ભરતભાઇ દાજલાલ પટેલે આ બનાવની ફરિયાદ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે તેમની બેંકનું કામકાજ રાબેતા મુજબ ચાલતું હતું તે વખતે બપોરે બે વાગ્યે બે વ્યક્તિઓ તેમની બેંકમાં આવ્યાં હતાં.
આ બંનેએ તેમની બેંકમાંથી રૂપિયા સવા કરોડની લોનની માગ કરી હતી. આ લોનની અવેજમાં તેમણે હૈદરાબાદ ખાતે આવેલી આઇસીઆઇસીઆઇ બેંકની રૂપિયા દોઢ કરોડની એફડી હોવાની વાત કરી તે રજૂ કરી હતી. તેમજ તેમણે આ ફિક્સ ડિપોઝિટનું ઇસ્યુ સર્ટિફિકેટ પણ મેનેજર સમક્ષ રજૂ કર્યું હતું.
જો કે, મેનેજરે ઓનલાઇન ચેક કરતાં આ પ્રકારની કોઇ એફડી હૈદરાબાદની બેંકમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે આ અંગે તાત્કાલિક અઠવા પોલીસ મથકમાં ફોન કરતાં પોલીસ બેંકમાં પહોંચી ગઇ હતી અને ઠગાઇ કરવા આવનાર બેની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં સુમુલડેરી રોડ સ્થિત શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા જતીન મહેન્દ્રભાઇ બારડોલિયા અને પાલનપુર ગામની દિવ્યદર્શન સોસાયટીમાં રહેતા મહેશ મોહનલાલ જોષીની ધરપકડ કરી હતી. મહેશ જોષી વકીલાત કરતો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. તેમની પૂછપરછમાં આ કાવતરામાં સૈયદપુરા ખાતે રહેતી નિકુંજબેન જરીવાળા અને માનદરવાજા ખાતે આવેલી પત્રકાર કોલોનીમાં રહેતા રેખાબેન ઉર્ફે દક્ષાબેન ચંદ્રપ્રકાશ ભટ્ટ પણ સામેલ હોવાથી પોલીસે તેમની સામે પણ ઠગાઇના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, નિકુંજબેન જરીવાળા પણ વ્યવસાયે વકીલ છે અને તેણે જ મહેશ જોષી સાથે મળીને આ ઠગાઇ કરવાનું કાવતરું ઘડી નાંખ્યું હતું.
જતીન બારડોલિયા અને એડવોકેટ મહેશ જોશીની પોલીસે બેંક સાથે કરોડોના ઠગાઈનો કારસો ઘડવાના પ્રકરણમાં ઘરપકડ કરી છે. આ બંનેની આ બંનેની કૌભાંડ સંદર્ભે ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ટોળકીએ બોગસ એફડીના દસ્તાવેજો ક્યાં અને કેવી રીતે કોની મદદથી તૈયાર કર્યા છે તેમજ તેઓ અન્ય કોઇ ઠગાઇમાં સંડોવાયા છે કે કેમ તેની તપાસ કરવા સાથે જેમના નામ બહાર આવ્યા છે તે બે મહિલાઓની શોધખોળ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.