ભરૂચ,તા.૧૩
કેન્દ્ર સરકારની જવાબદારીવારી અને લોકો સાથે સતત વ્યવહારમાં રહેનાર પોષ્ટખાતાની વ્યાપક ફરિયાદોમાં કેટલીક નાણાંકીય જવાબદારીઓ પણ આ ખાતાના કર્મીઓ દ્વારા અભરાઈએ ચઢાવી દેવાના કિસ્સાઓમાં ભરૂચની જનરલ પોષ્ટ ઓફિસના અંધેર વહીવટની ચાડી ખાતો ઈ.એમ.ઓ. એક મહિનો વિત્યો છતાં તેના ગ્રાહકને ન મળતા આ ખાતા સામે ન્યાય મેળવવાના ચક્રો ગતિમાન થયા છે.
- ભરૂચ જિલ્લાના સામાયિકોના વિતરણમાં પણ પોષ્ટમેનોના વિલંબીપણાની વ્યાપક ફરિયાદો
ભરૂચ તાલુકાના દયાદરા ખાતે આવેલ એરેબિક યુનિ.દારૂલ ઉલૂમ નુરે મોહંમદી સંચાલીત નૂરાની ફયઝાન(માસીક)ના લવાજમના નાણાં વડોદરા ખાતેથી તેના ગ્રાહક કાજી લાલમીંયા હુસેને વડોદરા ખાતેની પોષ્ટ ઓફિસમાંથી તા.૧૪-૮-૧૧ના રોજ ઈ.એમ.ઓ.દ્વારા મનીઓર્ડર કર્યો હતો આ મનીઓર્ડરનો પી.એન.આર.નંબર ૦૩ર૩૯૮૧૧૦૯૧૪૦૦પ૮ છે. ઈ.એમ.ઓ.ની રકમ રૂ.૧૦૦ છે જે આજદીન સુધી માસિકના તંત્રીને મળ્યો નથી. ખરેખર આ મનીઓર્ડર તા.૧૬-૮-૧૧ ના રોજ દયાદરાની સસ્થાને મળી જવો જોઈતો હતો છતાં આજે એક મહિનાનો સમય વિતિ ગયો હોવા છતા પાર્ટીને આ ઈ.એ.મો.ન મળતા મની.ઓ.રવાના કરનાર કાજી લાલમીંયાએ વડોદરા અને ભરૂચની જી.પી.ઓ.ને. છાશવારે રજુઆત કરતા ફરજ પરના અધિકારીઓ દ્વારા ઉધ્ધત જવાબો મળે છે.આ મુજબ અન્ય એક મની.ઓ.ખેડા જિલ્લાના પેટલાદ ખાતેથી આજ સંસ્થાને બે મહિના અગાઉ કરાયો હતો તે પણ સંસ્થાને આજદિન સુધી વિતરણ કરાયો નથી.આ જોતા ભરૂચની જનરલ પોષ્ટ ઓફિસનો અંધેર વહીવટ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે દયાદરા નુરે મોહંમદી દારૂલ ઉલૂમના જનરલ સેક્રેટરી અલીભાઈ ઘંટીવાલાએ આ ખાતાની ભયંકરતા તરફ અંગુલી નિર્દેશ કરી આ રકમની ઉચાપત તો નહીં થઈ હોય તેવી દહેશત વ્યકત કરી છે. અને આ અંગે જરૂરી ઘટતુ નહીં થાય તો ગ્રાહક સુરક્ષામાં ન્યાય મેળવવા ચક્રો ગતિમાન કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાંથી ધાર્મિક પ્રકાશનો અને માસિકો નિયમિત પણે પોષ્ટ ખાતામાં રવાના કરાયા બાદ આ સામાયિકો તેના ગ્રાહકો સુધી પહોંચતા ન હોય આ અંગે પણ પોષ્ટ ખાતાના પોષ્ટમેનો સામે વ્યાપક ફરિયાદો ઉઠતા હવે આ વિભાગના પ્રકાશન અને પ્રસારણ વિભાગના વડાઓ ઉચ્ચ સ્તરીય રજુઆતો કરવા કટિબધ્ધ થયા હોવાનું જાણવા મળે છે.