સુરત,તા.૧૩
ગુરુવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીની મળેલી સિન્ડિકેટ બેઠકમાં અગાઉ કુલપતિ પાસેથી છીનવી લેવામાં આવેલા કોલેજ જોડાણ માટેની સમિતિની નિમણૂક કરવાનો અધિકાર પાછો સોંપવામાં આવ્યો છે. આ સિવાય ચર્ચાસ્પદ વિપુલ સોમાણી કેસ અને નવીન વાઘેલા કેસમાં પણ મહત્વના નિર્ણયો લેવામાં લાવ્યા હતા.
- વિપુલ સોમાણી કેસમાં ઝડપી રિપોર્ટ માટે વધુ બેની નિમણૂક કરાઇ
જ્યારે કવિ ઉશનસ અને નાટયકાર ઉપેન્દ્ર ત્રિવેદીને ડિ.લિટ.ની માનદ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓના લાભાર્થે હોસ્ટેલનું નિર્માણ કરવાની મહત્વની દરખાસ્ત પણ સ્વિકારી લેવામાં આવી હતી.
ગુરવારના રોજ મળેલી સિન્ડિકેટ બેઠકની મહત્વની બાબત એ હતી કે, કોલેજોની જોડાણ માટેની અરજીઓ પર સ્થાનિક તપાસ સમિતિ રચવા ફરીથી કુલપતિને અધિકાર સોંપવામાં આવ્યો છે. વાસ્તવમાં, ગયા વર્ષે તત્કાલિન કુલપતિ બી.એ.પ્રજાપતિ અને સિન્ડિકેટ સભ્યો વચ્ચે મતભેદ હોવાને કારણે સિન્ડિકેટે આ અધિકારો પાછા ખેંચી લીધા હતા. જેને કારણે જે તે સમયે ભારે ઉહાપોહ થયો હતો. બી.એ.પ્રજાપતિ દ્ધારા લેવાયેલા કેટલાક નિર્ણયોને કારણે સિન્ડિકેટ સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કુલપતિની તે પદ્ધતિને લીધે સિન્ડિકેટ સભ્યોએ તપાસ સમિતિ નીમવાનો અધિકાર પાછો ખેંચી લીધો હતો. જોકે, સિન્ડિકેટ સભ્યોએ નવા કુલપતિમાં ફરી શ્રદ્ધા મૂકતા સમિતિ રચવાનો અધિકાર આપ્યો હતો. સિન્ડિકેટના આ નિર્ણયને લીધે યુનિર્વિસટીમાં ફરી નવા સમીકરણો રચાયા હોવાનું ચિત્ર ઊપસ્થિત થયુ છે.
જ્યારે પીઢ કવિ ઉશનસ અને નાટયકાર ઉપેન્દ્ર ત્રિવેદીને ડિ.લિટ.ની માનદ ઉપાધિ એનાયત કરવા માટેની દરખાસ્ત સ્વિકારવામાં આવી હતી. કવિ ઉશનસે સાહિત્ય ક્ષેત્રે આપેલા મહત્વના યોગદાન અને ઉપેન્દ્ર ત્રિવેદીના રંગમંચની સાથે અનેક ગુજરાતી ફિલ્મોમાં દમદાર અભિનયને ધ્યાનમાં રાખતા ઉપાધિ આપવામાં આવી હતી. ઉપરાંત, સસ્પેન્શન હેઠળ મૂકાયેલા વિપુલ સોમાણી કેસમાં વિલંબ થયાનો સૂર વ્યક્ત કરતા અગાઉની કમિટીમાં ડો.વિક્રમ દેસાઇ અને વલસાડ લો કોલેજના આચાર્ય ડો.જે.ટી.દેસાઇનો ઉમેરો કરવામાં આવ્યો છે. છ મહિનાની અંદર કેસમાં રિપોર્ટ આપી દેવાનું નક્કી કરાયુ છે. સન્પેન્શનન હેઠળના નોન ટિચિંગ કર્મચારી મંડળના માજી પ્રમુખ નવીન વાઘેલાને ડિસમિસ કેમ ન કરવા તે મતલબની નોટીસ આપવામાં આવશે.
એસ.ટી.વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ બનશે
હાલમાં યુનિર્વિસટી ખાતે બહારગામથી આવતા વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલની સવલત ઉપલબ્ધ છે. જેમાં હવે એસ.ટી.માં આવતી વિદ્યાર્થિનીઓ માટે બે કરોડના ખર્ચે હોસ્ટેલનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે એક કરોડના ખર્ચે સાયન્સ બિલ્ડીંગનું નવીનીકરણ તથા નર્મદ ભવનનું એક્સટેન્શન કરવામાં આવશે. જ્યારે યુનિર્વિસટી ખાતે વિવેકાનંદ ધ્યાન કેન્દ્ર અને સરસ્વતી મંદિર બાંધવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વિકાર કરવામાં આવ્યો હતો. આમ, ગુરુવારે મળેલી સિન્ડિકેટ બેઠકમાં ઉપરોક્ત મહત્વના નિર્ણયો લેવાયા હતા.