- કવર સ્ટોરી
દેવી મહાલક્ષ્મી સંપૂર્ણ ઐશ્વર્ય, ચલ-અચલ સંપત્તિ, ધન, યશ, કીર્તિ તથા સકળ સુખ વૈભવને આપનાર સાક્ષાત્ જગત્ માતા નારાયણી છે. શ્રી ગણેશજી સમસ્ત વિઘ્નોને હરનાર, અમંગલને દૂર રાખનાર, સદ્વિદ્યા તથા બુદ્ધિના દાતા છે. કારતક માસની અમાસ અર્થાત્ દીપાવલીના દિવસે તેમની સંયુક્ત પૂજા, અર્ચના કરવાથી કુટુંબ, પરિવારમાં ધન-સંપત્તિનું સુખ ચિરકાળ સુધી જળવાઈ રહે છે
દિવાળીના દિવસે જો કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં વિધિપૂર્વક લક્ષ્મી-ગણેશની મૂર્તિ તથા યંત્રની મંત્રો દ્વારા સમ્યક પ્રાણપ્રતિષ્ઠા કરીને પૂજા કરે તો તેના જીવનમાં શ્રી મહાલક્ષ્મી તથા ગણેશજીની કૃપાથી ક્યારેય ધનનો અભાવ રહેતો નથી. દિવાળીમાં અનેક શુભ વસ્તુઓ છે જેના ઉપયોગ થકી પ્રાર્થના કરવામાં આવે તો સુખ-સૌભાગ્ય, ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. જેમ કે પારદ ધાતુમાંથી બનેલી લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ, શ્રીમહાલક્ષ્મી યંત્ર, સ્ફટિક શ્રી યંત્ર, કુબેર મૂર્તિ, લક્ષ્મી જપ માટે કમળ ગટ્ટાની માળા, લઘુ નારિયેળ, ગોમતી ચક્ર, કોડી, સિંદૂર વગેરે વધારે શુભ ફળદાયી માનવામાં આવે છે. લક્ષ્મી જપ માટે ખાસ કરીને દિવાળીના દિવસે કમળગટ્ટાની માળા અથવા સ્ફટિકની માળા વડે જપ કરવાથી શીઘ્ર મનોવાંછિત ફળ મળે છે. આ સિવાય દિવાળીના દિવસે ધનાધ્યક્ષ કુબેર મૂર્તિનું પૂજન કરવાથી ધન-પ્રાપ્તિના નવીન સ્ત્રોત ઊભા થાય છે.
પારદ લક્ષ્મી-ગણેશ
દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં આ બંનેની યુગલ પૂજા કરવાથી વિઘ્નો અને અંતરાયોનું સંપૂર્ણ નિરાકરણ આવે છે. વ્યાપાર તથા નોકરીમાં સારી પ્રગતિ થાય છે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ તથા મંગળ થાય છે.મંત્રઃ ૐ ગં ગણપતયે નમઃ
લઘુ નારિયેળ
લઘુ (નાનું) નારિયેળને દિવાળીના શુભ અવસર પર ભક્તિ ભાવથી નાડાછડી બાંધીને ધૂપ, અક્ષતથી પૂજન કરીને લક્ષ્મીજીને ચઢાવો. તેના પ્રભાવથી લક્ષ્મીજી શીઘ્ર પ્રસન્ન થાય છે અને ધન-ધાન્યનાં દ્વાર ખોલે છે.
ગોમતી ચક્ર, કોડી તથા સિંદૂર
દિવાળીના કોઈ પણ શુભ મુહૂર્તમાં ગોમતી ચક્રને શુદ્ધ ગંગાજળ, પંચામૃતથી શુદ્ધ કરીને ગંધ, અક્ષતથી પૂજન કરીને મંદિર કે પૂજા સ્થાન પર તેની સ્થાપના કરો. તેના પ્રભાવથી ઝડપથી ધનાગમન તથા બરકત રહે છે. કોડીઓને શુદ્ધ ગંગાજળથી પવિત્ર કરીને પૂજા સ્થાનમાં સ્થાપના કરો. કોડીઓનું પૂજન સ્થાપન ખૂબ જ શુભ માનવામાં આવે છે. સિંદૂર લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. તેને ભક્તિભાવથી લક્ષ્મીજીને અર્પણ કરો.
મહાલક્ષ્મી યંત્ર
મહાલક્ષ્મી યંત્રની વિધિવત્ પૂજા કરવાથી ભગવતી લક્ષ્મીની કૃપાથી અપ્રાપ્ત લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા પ્રાપ્ત લક્ષ્મીનું ચિરકાળ સુધી રક્ષણ થાય છે. લક્ષ્મી ઘરમાં સ્થિર થાય તેના માટે આ યંત્રનું પૂજન કરવામાં આવે છે.
લક્ષ્મીજીનો લઘુ બીજ મંત્ર
ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મૈ નમઃ ।।
કમળ ગટ્ટાની માળા
આ માળા લક્ષ્મીજીને સૌથી વધારે પ્રિય એવા કમળ પુષ્પના બીજમાંથી બનાવવામાં આવે છે. લક્ષ્મીજીને કમળ પ્રિય હોવાને કારણે તેમનું નામ પદ્મા, કમલા, પદ્મહસ્તા પડયું છે. આ માળા વડે લક્ષ્મી મંત્રનો જપ કરવાથી સાધકને શીઘ્ર મનોવાંછિત સફળતા મળે છે.
મંત્ર :ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મૈ નમઃ ।।
સ્ફટિક શ્રી યંત્ર
યંત્રરાજ શ્રી યંત્રની જેટલી પ્રસંશા કરવામાં આવે તેટલી ઓછી છે. જો તે સ્ફટિકમાંથી બનેલ હોય તો તેમના મહિમામાં ઓર વધારો થાય છે. શ્રી યંત્રનાં દર્શન માત્રથી જ મનુષ્ય ધન્ય થઈ જાય છે. આ યંત્રની પૂજા, સાધના કરવાથી સાધકની સમસ્ત મનોકામનાઓ વર્તમાન જન્મમાં જ પૂર્ણ થઈ જાય છે. ધનની સાથે યશ-કીર્તિ પણ વધે છે.
વૈભવ ચોકી
આ ચોકી (એક પ્રકારનો પાટલો) પારદ ધાતુમાંથી બનાવેલી હોય છે, તેના ઉપરના ભાગ પર અષ્ટ લક્ષ્મીઓના ચિત્ર અંકિત હોય છે તથા આસન પર યંત્રરાજ શ્રી યંત્ર બનાવેલું હોય છે. તેથી આ ચોકીનું મહત્ત્વ વધી જાય છે. આ ચોકી પર યંત્ર, મૂર્તિ વગેરેની સ્થાપનાથી તે હંમેશાં જાગૃત રહે છે. જેનાથી સાધકને વધારે શુભત્વની પ્રાપ્તિ થાય છે.
આ બધી શુભ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ઘર, ઓફિસ, ફેક્ટરી વગેરે જગ્યાએ પૂજન કરી શકો છો. તેના પ્રભાવથી ઘર, પરિવારમાં સુખ, સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ધનની બરકત થાય છે. અટવાઈ પડેલું ધન પાછું મળે છે. નોકરી કે વ્યવસાયમાં ઉન્નતિ થાય છે તથા જીવનમાં સુખ આનંદનો પ્રવાહ સતત વહેતો રહે છે. પૂજામાં લક્ષ્મી મંત્રોની ઓછામાં ઓછી એક માળા અથવા ૩, ૫, ૭, ૧૧, ૨૧ પ્રમાણેની સંખ્યામાં શક્તિ તથા સામર્થ્ય અનુસાર કરવી જોઈએ. શ્રી સૂક્ત તથા લક્ષ્મી સૂક્તનો પાઠ કરવો જોઈએ.