સજાવટ
દિવાળીનો તહેવાર રંગ વિના અધૂરો જ લાગવાનો, રંગોની છટા ત્યારે વધારે ભવ્ય લાગે છે જ્યારે તેનાથી સરસ મજાની રંગોળી તૈયાર થાય. પહેલાં એક સમય હતો જ્યારે સ્ત્રીઓ રોજ જ આંગણું સાફ કરીને રંગોળી કરતી હતી, દક્ષિણ ભારતમાં હજુ આજેય આ પ્રથા ચાલી રહી છે. હવે તો જોકે એપાર્ટમેન્ટ કલ્ચરમાં આંગણાં તો જોવા જ નથી મળતાં, છતાં દિવાળીમાં તો નાનકડી જગ્યામાં કે ખૂણામાં રંગોળી કરવામાં આવે જ છે. આજે જગ્યાનો પ્રશ્ન મોટો હોવાથી મોટી રંગોળીને બદલે મિની રંગોળી ઘરમાં વધારે સારી લાગે છે તેનાથી તહેવારનું વાતાવરણ પણ જળવાઈ રહે છે અને ઘરની શોભા પણ વધે છે. હવે નવા ટ્રેન્ડમાં રંગોને બદલે તમે અન્ય રીતે પણ આકર્ષક રંગોળી બનાવી શકો છો
સ્ટિકર રંગોળીઃ રંગોળી કરવાનં ભુલાતું જાય છે તેથી મોટા ભાગની સ્ત્રીઓ એવી હશે કે જેમને રંગોળી કરતા નહીં આવડતું હોય , છતાં જો દિવાળીમાં ઘર સજાવવું હોય તો તમે સ્ટિકર રંગોળીનો ઉપયોગ કરી શકો છો.
પોર્ટેબલ રંગોળીઃ નાનું ઘર સજાવવા માટે પોર્ટેબલ રંગોળીનો વિકલ્પ ખૂબ સરસ રહેશે. પોર્ટેબલ રંગોળી માટે મોટી થાળી, એટ્રેક્ટિવ ટ્રે અથવા તો ટેબલ કે ટિપોઈની પસંદગી કરીને તેના પર સ્ટોન, બિડ્સ, અનાજ કે કઠોળ વગેરેની મદદથી આકર્ષક ડિઝાઇન બનાવીને રંગોળી કરી શકો. ઇચ્છો તો આ જગ્યાએ રંગ અને દીવાની મદદથી પણ ડિઝાઇન કરી શકાય
ફૂલની રંગોળીઃ છેલ્લા કેટલાય સમયથી રંગોની સાથે સાથે ફૂલની રંગોળી કરવાનં ચલણ વધતું જાય છે અવનવા રંગના ફૂલ લઇને તમે તમારી જગ્યા પ્રમાણે મોટી કે નાની રંગોળી બનાવી શકો. એ રંગોળી બે દિવસ સુધી તો ખૂબ સરસ રહેશે.
દીવા ને ફૂલની રંગોળીઃ મોટા કાંસાના, પિત્તળના કે માટીના પાત્રમાં પાણી ભરી, ગલગોટા, કાર્નેસન, ઓર્િકડ, બારમાસી, ગુલાબ કે સફેદ ચંપો જેવાં સિઝનલ ફૂલ લઇને તમે પાણી પર તેની રંગોળી બનાવી શકો.
પાણી અને રંગની રંગોળીઃ કેટલાય પ્રોફેશનલ આર્ટિસ્ટ મોટા પાત્રની અંદર પાણી પર વિશિષ્ટ રીતે રંગ પાથરીને રંગોળી બનાવે છે. પાણી ભરેલું પાત્ર ગમે તેટલું હલાવો તો પણ આ રંગોળીની ડિઝાઇન જરાય બગડતી નથી. તમે ઇચ્છો તો પ્રોફેશનલ આર્ટિસ્ટ પાસે આવી રંગોળી બનાવી શકો.
આર્ટિફિશિયલ ફૂલઃ શહેરમાં એવા નિષ્ણાત છે જે આર્ટિફિશિયલ ફૂલને પ્લાસ્ટિક પર ચોંટાડીને મનમોહક રંગોળી તૈયાર કરે છે. જેને તમારે ઘરમાં ફક્ત સરસ રીતે લગાવી જ દેવાની હોય છે. આ રંગોળીની વિશેષતા એ છે કે તહેવાર પૂરો થયા બાદ તમે તેને સાચવીને મૂકી દો તો એ તમને આગલા વર્ષે પણ કામ લાગે છે.
રંગોળીની સાથે સાથે તોરણથી ઘરનું પ્રવેશદ્વાર શોભી ઊઠે છે. આસોપાલવ, આંબાના પાનના તોરણની સાથે સાથે હવે ગૂંથેલાં ભાતીગળ તોરણોનો સજાવટમાં ખૂબ ઉપયોગ થાય છે. બાંધણીના અથવા તો લાલ, પીળા, લીલા જેવા ભાતીગળ રંગોમાં તોરણ તૈયાર કરી તેને ઘંટડી અને નાની ઘૂઘરી લગાવવાથી તોરણ ખૂબ સરસ લાગે છે
આ વખતે કળશ લગાવેલાં તેમ જ પેસ્ટલ કલરનાં તોરણ તથા લટકણ વધારે પસંદ કરવામાં આવી રહ્યાં છે.