અમદાવાદ,તા.૩૦
રાજ્યમાં કુલ ૧૯ હજારથી વધુ લિફ્ટો ફ્લેટો અને બહુમાળી બિલ્ડિંગોમાં કાર્યરત છે.ગુજરાત લિફ્ટ અને એક્સેલેટર,૨૦૦૧, નિયમ અન્વયે, લિફ્ટ ઓપરેટરે લાઈસન્સ લેવું ફરજિયાત છે સાથે સાથે નિયત સમયમર્યાદામાં લાઈસન્સ રિન્યુ કરવું પણ જરૂરી છે.
- ગુજરાતમાં કુલ ૧૯ હજારથી વધુ લિફ્ટો
- મોટાભાગના લિફ્ટ ઓપરેટરો લાઈસન્સ જ રિન્યુ કરાવતાં નથી
કેગના રિપોર્ટમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે
કે, લિફ્ટના લાઈસન્સ સમાપ્ત થઇ ગયાં હોવા છતાંયે રિન્યુ કરાયાં ન હતાં આમ છતાંયે લિફ્ટો ચાલુ રહી હતી. વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૧૦ સુધીમાં લાઈસન્સ ન હોય છતાંયે ફ્લેટો અને બિલ્ડિંગોમાં લિફ્ટો ચાલુ હોય તેની ટકાવારી ૫૩થી માંડીને ૭૩ ટકા સુધીની રહી હતી.આ સમયગાળા દરમિયાન કુલ ૬૯૫૯ ઓપરેટરોએ રિન્યુ માટે અરજી કરી પણ વિભાગ પાસે કોઇ વ્યવસ્થા તંત્ર જ ન હતું. વિભાગ દ્વારા એટલી હદે બેપરવાહી દાખવવામાં આવી કે,લાઈસન્સ વિના ચલાવતાં લિફ્ટ ઓપરટેરો સામે કોઇ કાર્યવાહી પણ કરાઇ નહી. લિફ્ટના રિન્યુઅલ માટે તંત્ર દ્વારા કોઇપણ સ્તરે દેખરેખ કે મોનિટરિંગ કરવામાં આવતું જ નથી. આ કારણોસર લિફ્ટ બંધ પડી જવા અથવા તો લિફ્ટમાં ફસાઇ જવાના કિસ્સા પણ દિનપ્રતિદિન વધી રહ્યાં છે.