Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 11:59:37 AM IST
 

અશ્વ સ્પર્ધા યોજનારા સામે ગુનો દાખલ

Oct 05, 2011 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 296
Rate: 0
Rating:
Bookmark The Article

વલસાડ, તા. ૪

વલસાડના ધરમપુરરોડ પર ગત રવિવારે પોલીસે પરવાનગી ન આપવા છતાં ઘોડાની રેસનું ગેરકાયદે આયોજન કરીને, જાહેર માર્ગ પર રીતસર ભયજનક વાતાવરણ ઊભું કરવાની ઘટના અંગે મંગળવારે સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ડી.એસ.પી.ની કડક સૂચનાથી ખુદ વલસાડ રૂરલ પોલીસે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રેસના આયોજકો તથા તેમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ ગુનો નોંધી, કસૂરવારોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા સનસનાટી મચી ગઇ છે.

  • કાઝી બંધુઓ તથા રાબડાનો એક ઇસમ તથા સ્પર્ધામાં ભાગ લેનારાઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ
  • સંદેશના અહેવાલથી ચોંકી ઊઠેલા ડી.એસ.પી.એ બેઠક બોલાવી રૂરુલ પોલીસને આડેહાથ લીધી

ચણવઇના કાઝીબંધુઓ તથા કમલભાઇ પટેલ (રહે. રાબડા, તા. વલસાડ) દ્વારા ગત તા. ૨ને રવિવારના રોજ ધરમપુરરોડ પર વલંડી મંદિર પાસેથી જુજવા સુધીની ૧૨ કિ.મી. લાંબી ઘોડાની રેસનું આયોજન કરાયું હતું. આ પૂર્વે સ્થાનિકોની વાંધાઅરજીને પગલે ડી.એસ.પી. ડી.બી. વાઘેલાની સૂચનાથી રૂરલ પોલીસે રેસના આયોજન માટે પરવાનગી આપવા ના પાડી દીધી હતી, તેમ છતાં રવિવારે બપોરે ૩.૩૦ કલાકે વલંડીથી જ ધરાર રેસ યોજાઇ હતી.

આ ઘટનાનો અહેવાલ આજે સંદેશમાં પ્રસિદ્ધ થતાં જ ડી.એસ.પી. ડી.બી.વાઘેલા ચોંકી ઊઠયા હતા. તેમણે તેમના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં વલસાડ રૂરલ પી.એસ.આઇ. એન.એમ. પ્રજાપતિને આડેહાથ લઇ, પરવાનગી ન આપવા છતાં રેસ કેવી રીતે યોજાઇ ગઇ તેનો ખુલાસો માંગ્યો હતો. ડી.એસ.પી. વાઘેલાએ જવાબદારોને કાયદો અને પોલીસની તાકાતનું ભાન કરાવવાના હેતુથી કસૂરવારો વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ વલસાડ રૂરલ પોલીસના જમાદાર નરેશ કરસનભાઇને ફરિયાદી બનાવીને, ઘોડાની રેસનું આયોજન કરનાર કમલ શાન્તીલાલ પટેલ (રહે. રાબડા, તા.વલસાડ), વસીમુદ્દીન કાઝી (રહે. ચણવઇ), કાઝી બંધુઓ (રહે. ચણવઇ) અને ઘોડાની રેસમાં ભાગ લેનાર તમામ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ આખી રેસ સુરતથી વલસાડ સુધીના સટ્ટાબાજોને ઇશારે અથવા તેમને લાભ કરાવવા જ યોજાઇ હોવાની ચર્ચા ઊઠવા પામી છે, જેનું મુખ્ય કારણ એ છે કે, સામાન્ય રીતે ૨૦ થી ૨૫ ઘોડેસવારો ભાગ લે તેને સાચા અર્થમાં રેસ કહી શકાય પરંતુ પ્રસ્તુત રેસમાં માત્ર બે જ સ્પર્ધકોએ ભાગ શા માટે લીધો અને તેની પાછળ તેમનો શું મકસદ હતો તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. વધુમાં ઘોડાની રેસ દરમિયાન કોઈને હેરાનગતિ થઇ હોય અથવા કોઇને નુકસાન થયું હોય કે તેઓને તે સમયે રસ્તે જવામાં અડચણ થઈ હોય તો તેને તપાસ અધિકારીને મળી કેફિયત રજૂ કરવા ડી.એસ.પી. વાઘેલાએ જાહેર જનતાને આહ્વાન કર્યું હતું.

વલસાડ રૂરલ જમાદારોએ પીએસઆઈને ઊઠાં ભણાવ્યા

આ સમગ્ર પ્રકરણમાં વિવાદમાં આવી ગયેલા વલસાડ રૂરલ પીએસઆઇ એન.એમ. પ્રજાપતિને તેમના જ બે જમાદારો નરેશ કરસનભાઇ અને જયરામભાઇએ ઉઠાં ભણાવ્યા હોવાની હકીકત જાણવા મળી છે. આયોજકો રેસ ન યોજે તે હેતુથી પીએસઆઇએ એ.એસ.આઇ.ને રેસનો પ્રારંભ જ્યાંથી થવાનો હતો તે વલંડી મંદિર પાસે અને એએસઆઇ જયરામભાઇને રેસ સમાપ્ત થનાર હતી તે જુજવા ગામે તૈનાત કરી દીધા હતા. પીએસઆઇ પ્રજાપતિના જણાવ્યાનુસાર, તેમના બંને જમાદારોએ ફોન પર રેસનું કોઇ આયોજન નથી અને અહીં કોઇ દેખાતું નથી તેમ જણાવતા તેઓ નચિંત થઇ ગયાં હતા. એએસઆઇ નરેશભાઇએ તો એક આયોજક સાથે પીએસઆઇની ફોન પર વાત પણ કરાવી હતી. જેમાં એ આયોજકે રેસ યોજવાના ન હોવાનું જણાવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com