સુરત, તા. ૩૦
બીઆરટીએસ કોરિડોર માટે ડુંભાલમાં અંદાજે ૧૫૦૦ લોકોને રાતોરાત રસ્તા પર આવતા અટકાવવા ભાજપના કોર્પોરેટર પીવીએસ શર્માએ સામાન્ય સભામાં માગણી કરી હતી. સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા માનવીય અભિગય અપનાવી સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર અમલમાં મૂકવામાં આવ્યું છે ત્યારે વીસ વર્ષ પહેલાં પ્લાન મંજૂર કરાવી કાયદેસરનો વસવાટ કરતા ૧૫૦૦ લોકોને એક ઝાટકે રસ્તા પર લાવી દેવામાં ક્યાંનો ન્યાય છે એ સવાલ ઉઠાવી પીવીએસ શર્માએ મધ્યમવર્ગીય પરિવારોને રસ્તા પર લાવવાને બદલે વચલો રસ્તો કાઢવા પાલિકાના ભાજપ શાસકોને વિનંતી કરી હતી.
- બીઆરટીએસ માટે ડુંભાલમાં પંદરથી વીસ સોસાયટીના ડિમોલિશન સામે રજૂઆત
- ભાજપના કોર્પોરેટર પીવીએસ શર્માએ લોકોને બેઘર બનતા અટકાવવા રજૂઆત કરી
પાલિકાની સામાન્ય સભામાં ઝીરોઅવર્સ દરમિયાન પીવીએસ શર્માએ રજૂઆત કરી હતી કે બીઆરટીએસ રુટ વિકસાવવા માટે ડુંભાલમાં ૧૫ થી ૨૦ સોસાયટીઓના કાયદેસરના મકાનો ડિમોલિશન કરવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટીપી સ્કીમ નં ૬૫નો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. બીઆરટીએસ રુટની અસરમાં અંદાજે રૂ.૫૦ કરોડની કિમતના રહેણાક મકાનો અને દુકાનો આવે છે. આ લોકોએ વીસ વર્ષ પહેલા કાયદેસર પ્લાન મંજૂર કરાવી બાંધકામો કર્યા છે. સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો સાથે રહેવાની ભાજપની પરંપરા છે. આ પરંપરાને અનુસરી ડુંભાલના ૧૫૦૦ જેટલા અસરગ્રસ્તોને ન્યાય આપવામાં આવે. આ લોકોના મકાનો અને દુકાનો બચાવવા માટે નવી નીતિ બનાવવામાં આવે. આ લોકો બીઆરટીએસ પ્રોજેકટનો વિરોધ કરતા નથી. હયાત રસ્તાનો ઉપયોગ કરી બીઆરટીએસ કોરિડોરની કામગીરી પૂરી કરવા લોકોની માગણી છે. આ રહીશોના મકાનો અને દુકાનો તોડયા વગર જ બીઆરટીએસનો રુટ તૈયાર થઇ શકે એમ છે ત્યારે માનવીય અભિગમ અપનાવી લોકોને રાહત આપવામાં આવે.
સામાન્ય સભામાં કોંગ્રેસની વરવી જૂથબંધી
પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસની વરવી જૂથબંધી ફરી બહાર આવી ગઇ હતી. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભાની કાર્યવાહી ચાલવા દેતા નથી જ્યારે બીજી તરફ આજે પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા ભૂપેન્દ્ર સોલંકીને કોંગ્રેસના જ કોર્પોરેટરોએ એકલા પાડી દીધા હતા. ગેરકાયદે બાંધકામના મુદ્દે ભૂપેન્દ્ર સોલંકી તંત્ર પર આકરાં પ્રહારો કરતા હતા ત્યારે મેયર રાજુ દેસાઇએ તેમને ચર્ચામાં ભાગ લેતા અટકાવી દીધા હતા. ભૂપેન્દ્ર સોલંકી એજન્ડાના કામ પર ચર્ચામાં ભાગ લેતા હતા ત્યારે તેમને અટકાવી દેવાતા તેઓ છંછેડાયા હતા, પરંતુ ભાજપના સભ્યોએ બહુમતિના જોરે વિપક્ષી સભ્યનો અવાજ દબાવી દીધો હતો જેના વિરોધમાં ભૂપેન્દ્ર સોલંકીએ સભાત્યાગની જાહેરાત કરી હતી. સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યનું અપમાન થતું હોવા છતાં વિપક્ષી નેતા બાબુ રાયકા ચુપચાપ તમાશો જોતા રહ્યા, એટલું જ નહી ભૂપેન્દ્ર સોલંકીના વોકઆઉટમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર જોડાયા નહીં. કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ ભાજપને સાથ આપી ભાજપ કોંગ્રેસ ભાઇ ભાઇના સૂત્રને સાર્થક કરી બતાવ્યું. ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ ભાજપ સામે એક જૂટ થઇ ઉગ્ર લડત આપી રહ્યા છે ત્યારે સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપના ખોળે બેસી ગયા હોવાનું આજે વધુ એક વખત પુરવાર થયું હતું.
ગેરકાયદે બાંધકામો તોડવામાં વહાલા દવલાની નીતિ
અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઇએ રજૂઆત કરી હતી કે ઉધના ઝોનમાં ચારે બાજુ ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે અને ઝોનલ ઓફિસર ડી.સી.ગાંધી ગેરકાયદે બાંધકામો સામે પગલાં ભરવામાં વહાલા દવલાની નીતિ અપનાવી રહ્યા છે. ઉધના ઝોન કચેરી પર દરરોજ લુખ્ખા તત્ત્વો અડ્ડો જમાવીને બેસે છે. ઉધના ઝોનમાં ગેરકાયદે બાંધકામોની ચોક્કસ ફરિયાદમાં પગલાં ભરવામાં આવે છે જ્યારે સેટિંગ થઇ ગયા હોય તેવી ફરિયાદોમાં કોઇ પગલાં ભરવામાં આવતા નથી. કોર્પોરેટરો તરફથી આ અંગે વખતોવખત ફરિયાદ થઇ છે, પરંતુ કોર્પોરેટરોની ફરિયાદને ખોટી ઠરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંગે ઉધના ઝોનના અધિકારીઓ ત્વરીત કાર્યવાહી નહીં કરે તો આકરાં પગલાં ભરવામાં આવશે.
સામાન્ય સભામાં કોણે શું રજૂઆત કરી ?
મોબાઇલ ફોન અટકાવો : અપક્ષ પ્રકાશ દેસાઇએ રજૂઆત કરી હતી કે ગુજરાત વિધાનસભામાં જે ઘટના બની તેના પરથી સુરત મહાનગર પાલિકાએ બોધપાઠ લેવાની જરુર છે. રાજ્યમાં સુરત શહેર બદનામ નહીં થાય તે માટે પાલિકાની સામાન્ય સભામાં મોબાઇલ, ટેબલેટ કે લેપટોપ જેવા ઉપકરણોનો પ્રવેશ અટકાવો.
નીતાબેનની તકતી ફરી લગાવો : કોર્પોરેટર હિતેશ પટેલે રજૂઆત કરી હતી કે નીતાબેન સાતભાયા ચોક પર સ્વર્ગસ્થ કોર્પોરેટરના નામની તકતી નીકળી ગઇ છે. નીતાબેને આપેલું બલિદાન યાદ રહે તે માટે તેમના નામની તકતી મૂકવામાં આવી છે. આ તકતી નીકળી ગઇ હોવાની વખતોવખત રજુઆત કરી છે જે ધ્યાને લેવા વિનંતી.
ડભોલીથી મોટી વેડનો રસ્તો પુરી લંબાઈમાં બનાવો કોર્પોરેટર વિનોદ મોરડીયાએ રજુઆત કરી હતી કે ડભોલીથી મોટી વેડ સુધીનો અડધો રસ્તો ખુલ્લો છે જ્યારે અડધો રસ્તો હજુ બાકી છે. આ વિસ્તારમાં જે લોકો નવા વસવાટ કરશે તેમને પ્રાથમિક સુવિધાની આવશ્યકતા રહેશે. ટીપી ૫૧ અને ૫૨માં પાણીની લાઇનો નાખ્યા બાદ રસ્તા બનાવો,
બ્રિજના કામ પહેલા રસ્તો પહોળો કરો : કોર્પોરેટર પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે સવજી કોરાટ જંકશન પર ફલાય ઓવર બ્રિજનું કામ મંજૂર થતા લોકોની વર્ષો જૂની માગણી સંતોષાઇ છે. આ ફલાય ઓવર બ્રિજ ૧૨૦૦ મીટર લંબાઇનો બનશે. બ્રિજનું કામ શરુ કરતા પહેલા રસ્તો પહોળો કરવાની કામગીરી પૂરી કરી લેવી જોઇએ.
ડોર ટુ ડોરની કામગીરી સામે કચવાટ : કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીએ રજૂઆત કરી હતી કે ડોર ટુ ડોર અને સ્ક્રેપિંગ અને બ્રસિંગની કામગીરી સામે લોકોને સંતોષ નથી. આ બે કામગીરી પાછળ પાલિકા વર્ષે દહાડે કરોડોનો ખર્ચ કરતી હોવા છતાં પૈસાનું પાણી થાય છે. કાગળ પર કામગીરી કરતા ઇજારદારને બ્લેક લિસ્ટ કરો. ડોર ટુ ડોરમાં ઈજારદારને જંગી પેનલ્ટી કરવા છતાં કેટલાક ઝોનમાં કામગીરી સુધરી નથી. જેને પગલે ઈજારદારો પર સતત વોચ રાખવા તેમણે માગણી કરી હતી.
ઊનને પ્રાથમિક સુવિધા કયારે ? : ભેસ્તાન ઊન વિસ્તારના કોર્પોરેટર મુસ્તાક સોનીએ ઊન વિસ્તારને પ્રાથમિક સુવિધા પૂરી પાડવારજૂઆત કરી હતી. સુરતની હદમાં સામેલ થયા બાદ ઊનમાં કોઇ સુવિધા નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું.