રાજકોટ તા.૩૦ :
એક્સાઈઝમાં વિરોધમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જુદા જુદા શહેરોમાં આજે સોની સમુદાયે રેલી કાઢી હતી. આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા. આજે જસદણે સંપૂર્ણ બંધ પાળ્યો હતો. રેલી અને ધરણા જેવા કાર્યક્રમો યોજાયા હતા. ધોરાજીમાં મશાલ રેલી કાઢવામાં આવી હતી. કાલે શનિવારે ગોંડલ બંધનું એલાન અપાયુ છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, ડાયમન્ડ એસો.અનાજ કરિયાણાના વેપારીઓ, પાનબીડી હોલસેલ સહિતના તમામ હોલસેલ અને રીટેલ વેપારીઓ જોડાઈ ધંધા રોજગાર બંધ રાખશે.
- ધોરાજીમાં મશાલ રેલી, જામનગરમાં પૂતળા દહન : ગોંડલ આજે બંધ
વેરાવળ : વેરાવળમાં સોમનાથ સુવર્ણકાર મંડળ તથા ગોલ્ડ એન્ડ સીલ્વર એસોસિએશન દ્વારા બંધ પાળી અને વિવિધ આંદોલનો કર્યા છે.આજે સોની મહાજનો દ્વારા બસ સ્ટેન્ડ નજીક રસ્તા રોકો આંદોલન કરી રસ્તા વચ્ચે બેસી તેમજ સાંકળ રચી લગભગ ૩૦ મીનીટ સુધી ચક્કાજામ સર્જી દીધો હતો. ત્યારે સરકાર સામે ૧૪ દિવસથી ધંધા બંધ છે તેની કોઇ ચિંતા છે ? બંધના એલાનમાં નાના કારીગરોને ભુખમરો ભોગવવાનો વારો આવ્યો છે તેની કોઇં ચિંતા છે ? તેવા પ્રાણપ્રશ્ન સુર્વણકારો કરી રહૃ છે.