Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 11:20:31 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

અલકાપુરીમાંથી બોગસ વિઝા કૌભાંડ ઝડપાયું

Mar 31, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1950
Rate: 1.0
Rating:
Bookmark The Article

વડોદરા,તા. ૩૦

શહેરના અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર વૃંદ કોમ્પલેક્ષમાં આવેલી ધ વર્લ્ડ એમ્પલોયમેન્ટ વિઝા કન્સલટન્ટ નામની ઓફિસમાં દરોડો પાડીને બોગસ વિઝાથી વિદેશ મોકલવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. આ ઓફિસની તપાસ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનના પાસપોર્ટની ઝેરોક્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઓફિસની વધુ તલાશી દરમિયાન એમ.એસ. યુનિર્વિસટીની તથા કર્ણાટક અને દિલ્હીની લગભગ અડધો ડઝન જેટલી કોલેજોની બોગસ માર્કશીટો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની જાલી માર્કશીટો, નકલી ડ્રાઈવિંગ લાઈસન્સ, એલ.સી., મેરેજ ર્સિટફિકેટ જેવા સંખ્યાબંધ નકલી દસ્તાવેજો મળી આવ્યા હતા.પોલીસે ૧૧ ઓરિજિનલ પાસપોર્ટ પણ ઓફિસમાંથી કબજે કર્યા હતા. પોલીસે વિઝા કૌભાંડના મુખ્ય સૂત્રધાર તુષાર મોદી સહિત ચારની ધરપકડ કરી છે. છેલ્લા દોઢ વર્ષમાં ૩૩ જણાને ઓસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર અને મલેશિયામાં વિઝિટર વિઝા તથા વર્ક પરમિટ વિઝા ઉપર મોકલ્યા હોવાની વિગતો ભેજાબાજોની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે. મુખ્ય સૂત્રધાર તુષારના ઘરે કરવામાં આવેલી જડતીમાં કેનેડા, થાઈલેન્ડ અને તૂર્કીના વિઝા ટિકિટ મળી આવ્યા હોવાનું પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું છે.

  • ઐશ્વર્યા રાય બચ્ચનના પાસપોર્ટની ઝેરોક્સ પણ મળી
  • બોગસ વિઝાથી દોઢ વર્ષમાં ૩૩ જણાં વિદેશ ઉપડી ગયા હોવાનો પર્દાફાશ

સતિષ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રોડક્ટિવિટી રોડ પર વૃંદ કોમ્પલેક્ષની એક ઓફિસમાંથી બોગસ વિઝા ઉપર લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલતું હોવાની સ્પેશિયલ ઓપરેશન ગૃપને માહિતી સાંપડી હતી. જેના આધારે ગઈકાલે મોડી સાંજે ઉપરોકત ઓફિસમાં છાપો મારવામાં આવ્યો હતો. ઓફિસમાંથી નકલી માર્કશીટો, ૧૧ વ્યકિતઓના પાસપોર્ટ તથા ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પાસપોર્ટની ઝેરોક્સ કોપી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ઓફિસના સંચાલક તુષાર ચિમનભાઈ મોદી (રહે, ન્યુ નારાયણ સોસાયટી, વાસણા રોડ) તથા પ્રેમચંદ ઉર્ફે પ્રેમ દિનેશચંદ્ર ખંડેલવાલ (રહે, સાંઈનાથ પાર્ક, વાસણારોડ), શકીલ શેફુદ્દિન સૈયદ (રહે, મહાબલીપુરમ, તાંદલજા) તથા અનસ ઐયુબ પટેલ (રહે, સહકાર નગર, બેસીલ સ્કૂલ પાસે, તાંદલજા)ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ઐશ્વર્યા રાય બચ્ચનના પાસપોર્ટની ઝેરોક્ષ સૂત્રધાર તુષાર મોદીના હાથમાં કેવી રીતે આવી તે બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

વિદેશ વાંચ્છુઓને નકલી વિઝા ઉપર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. જે લોકો પાસપોર્ટ પ્રાપ્ત કરવા માટે એલિજિબલ નથી એવા વ્યકિતઓ નકલી દસ્તાવેજો તૈયાર કરાવડાવીને ભેજાબાજ પાસેથી પાસપોર્ટ કઢાવતા હોવાની એક થીયરી ઉપર પણ પોલીસની સમાંતર તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં સામેલ બીજા લોકોની પણ પોલીસે શોધખોળ આરંભી છે. ચારે આરોપીઓને આજે ફોજદારી કોર્ટમાં રજૂ કરીને એસઓજી પી.આઈ. ચૌધરીએ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ જે.ટી. વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીઓને ૬ દિવસ રિમાન્ડ પર રાખવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com