નવી દિલ્હી, તા. 31
સરકારના જણાવ્યા પ્રમાણે બીટી કપાસના બીજનો ઉપયોગ કર્યા પછી દેશમાં કપાસનું ઉત્પાદન બેગણાથી વધુ થયું છે. કૃષિ મંત્રી શરદ પવારે રાજયસભામાં પ્રશ્નોતરી સમયે જણાવ્યું કે વર્ષ 2004-05માં દેશમાં કપાસનું ઉત્પાદન 164 લાખ ગાંસડી હતું જે વર્ષ 2011-12માં વધીને 340 લાખ ગાંસડી થઈ ગયું છે.
તેમને પૂરક પ્રશ્નોના જવામાં કહ્યું હતું કે આ સાફ સંકેત છે કે બીટી કપાસની બીજોનો ઉપયોગ કર્યા પછી કપાસની પેદાશમાં વૃદ્ધિ થઈ છે. પવારે કહ્યું હતું તેમ મહારાષ્ટ્રના ધૂલે જિલ્લા અને મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં ખેડૂતોએ બેયર બાયો સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ઉત્પાદિત કપાસના સંકર બીજોના લીધે પાકોના નુકસાનની ફરિયાદ કરી હતી. તપાસ પછી જાણવા મળ્યું કે ખેડૂતોને 44, 77,672 રૂપિયાનું નુકસાન થયું છે. કૃષિમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને 44, 77,672 રૂપિયાનું વળતર પેઠે આપવા માટે નિર્દેશ કર્યો હતો. જો કે કંપનીના હુકમને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર અપાયો છે. તેમને સત્યવ્રત ચતુર્વેદીના પૂરક પ્રશ્નોમાં આ માહિતી આપી હતી.