મેલબોર્ન, તા. ૩૦
બેઠાડુ જીવન પદ્ધતિથી એટેક સહિતની બીમારીઓનું જોખમ
મોર્નિંગવોક અને જિમ જવાની સલાહ
આપણી આધુનિક જીવનપદ્ધતિ બેઠાડુ પ્રકારની બની રહી છે ત્યારે દૈનિક ધોરણે ૧૧ કલાક અથવા તેનાથી વધુ સમય સુધી બેસી રહેવું જોખમી બની શકે છે તેમ ઓસ્ટ્રેલિયન અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. આ અભ્યાસ અનુસાર લાંબા કલાકો સુધી બેસી રહેવાથી વ્યક્તિ મૃત્યુને આમંત્રણ આપી શકે છે. આ અભ્યાસમાં દાવો કરાયો છે કે ટેલિવિઝન અથવા ડેસ્ક પર લાંબો સમય બેસી રહેનાર લોકો પર થોડોક જ સમય બેસી રહેનાર લોકો કરતાં મૃત્યુનું જોખમ વધુ હોય છે.
ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન મૃત્યુ દરનો અભ્યાસ કરનાર સંશોધક વાન ડેર પ્લોએગ અને તેમની ટીમે જણાવ્યું હતું કે વધુ પડતો સમય બેસી રહેવા અને તેમનું ટૂંકું જીવન એકબીજા સાથે જોડાયેલી બાબતો છે. યુનિર્વિસટી ઓફ સિડની દ્વારા કરાયેલા ચેતવણીજનક અભ્યાસમાં જણાવાયું છે કે વ્યક્તિ શારીરિક પ્રવૃત્તિ કરે કે ન કરે, પરંતુ ૧૧ કલાકથી વધુ સમય સુધી બેસી રહેવાની બાબત જોખમી છે. ૧૨ કલાક અથવા તેનાથી વધુ સમય સુધી બેસી રહેનાર વ્યક્તિના મૃત્યુનું જોખમ ૪૦ ટકા વધી જાય છે. તેને પરીણામે હૃદયરોગ સહિતની ઘાતક બીમારીઓનું જોખમ વધે છે.
સિડની યુનિર્વિસટીના સંશોધકોએ અભ્યાસના ભાગરૂપે ૪૫ અને તેથી વધુ વયના અંદાજે ૨,૦૦,૦૦૦થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. આ અભ્યાસમાં ભાગ લેનારમાંથી મોટાભાગના લોકોનું કહેવું હતું કે તેઓ ૧૧થી વધુ ક્લાક સુધી બેસી રહે છે. જોકે, આ સંશોધનમાં જણાવાયું હતું કે માત્ર બેસી રહેવાથી જ વ્યક્તિનું જીવન ઘટી જતું હોવાનું સાબિત થતું નથી. આ ટીમે વર્ષ ૨૦૦૬થી ૨૦૦૮ વચ્ચે ન્યૂ સાઉથ વેલ્સમાં ૨,૨૦,૦૦૦ લોકોને સામાન્ય સ્વાસ્થ્ત્, ધૂમ્રપાન સહિતની તેમની ટેવો અને દૈનિક તેઓ કેટલો સમય કસરત કરે છે તથા બેસી રહે છે તેવા પ્રશ્નો પૂછયા હતા.
આ સર્વેનાં તારણ જાહેર આરોગ્ય માટે લાલ બત્તી સમાન છે. અહેવાલમાં મોર્નિંગ વોક અથવા જિમમાં જવાની બાબત ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવાયું છે. જોકે, માત્ર સપ્તાહમાં પાંચ દિવસ અડધો ક્લાક શારીરિક પ્રવૃત્તિથી ગંભીર બિમારીઓથી છુટકો મેળવી શકાતો નથી. આ અહેવાલમાં લાંબા સમય સુધી બેસી રહેવાની બાબતને ટાળવા પર વિશેષ ભાર મૂકાયો છે. અભ્યાસનાં તારણો સૂચન કરે છે કે ઘરમાં, નોકરીની જગ્યા પર અથવા ટ્રાફિકમાં વધુ સમય પસાર થાય છે. શારીરિક પ્રવૃત્તિ વધારવામાં આવે તે પણ જરૂરી છે.