નવી દિલ્હી તા. ૩૦
બંને સભ્યોની ટર્મ પૂરી થઈ, વિદાયવેળાએ રાજ્યસભામાં સર્જાયું ભાવુક વાતાવરણ
બોલિવૂડમાં વર્ષો સુધી ડ્રીમગર્લનું ઉપનામ મેળવનારી રાજ્યસભા સાંસદ હેમા માલિની અને ગૃહના નાયબ અધ્યક્ષ કે. રહેમાનખાન સહિત અન્ય કેટલાકે તેમની ટર્મ પૂરી થતાં રાજ્યસભામાંથી વિદાય લીધી હતી. વિરોધ પક્ષના નેતા એસ. એસ. આહલુવાલિયાએ રાજ્યસભામાં આઠ વર્ષ દરમિયાન જોવા મળેલા ખાનના મિલનસાર સ્વભાવનાં વખાણ કર્યાં હતાં, ઉપરાંત ખાન તેમની રાજકીય કારકિર્દીમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ તેમણે પાઠવી હતી.
ભાજપના નેતા બલબીર પુંજે ખાનને સંબોધીને કહ્યું હતું કે, 'તેમનું સ્મિત કુદરતી છે અને જ્યારે તેઓ ગુસ્સો કરે છે તો તે વાસ્તવિક નથી લાગતો.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી રાજકારણમાં પ્રવેશેલા ખાન ગૃહમાં ફરી વાર ચૂંટાયા હતા, પરંતુ તેઓ નાયબ અધ્યક્ષ નહિ બને. ભાજપના વધુ એક સાંસદે રવિશંકરપ્રસાદે ખાનને કહ્યું હતું કે, 'જો અમારામાંથી કોઈના લીધે તમને ઠેસ પહોંચી હોય તો તે બદલ અમે માફી માગીએ છીએ. તમારા વિનાના ગૃહની કલ્પના ન થઈ શકે.
કાયદાપ્રધાન સલમાન ખુર્શીદે પણ કહ્યું હતું કે, 'તમે જઈ શકો છો, પરંતુ જલદી પાછા ફરજો. અમને એક મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક મળ્યો તે બદલ ગર્વ છે. આ સંસદ અને લોકશાહી માટે અદ્ભુત દિવસ છે. અમે તેમનાં મૂલ્યો અને ગુણોનું પાલન કરીશું.
જ્યારે ખાને પણ તેમના પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યસભામાં પોતાની ચોથી ટર્મમાં ખાને કહ્યું હતું કે, 'હું ગૃહમાંથી પ્રેમ અને સન્માન જેવી ભાવનાઓ સાથે જઈ રહ્યો છું.
એ જ રીતે રાજ્યસભામાંથી વિદાય લેનાર હેમા માલિનીએ રાજ્યસભામાં પોતાની યાદો અને અનુભવોને વાગોળતાં કહ્યું હતું કે, તે રાજ્યસભા સાથે એટલાં સંકળાયેલાં છે કે તેમને અહીંથી જવાનું દુઃખ છે. તેમણે કહ્યું હતું કે, 'ભૂતકાળમાં હું બોલિવૂડની ટોચની અભિનેત્રી હતી, પરંતુ સમય જતાં તમે જોયું હશે કે અન્ય કોઈ અભિનેત્રીએ આ સ્થાન લીધું છે. જીવનમાં કાંઈ પણ કાયમી નથી. મને અહીંથી જવાનું દુઃખ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'હું ગૃહમાં વડીલો પાસેથી ઘણું બધું શીખી છું.