નવી દિલ્હી 30, માર્ચ
એર ઇન્ડિયાના ૮ કર્મચારી સંગઠનોએ 'નો પે, નો વર્ક' હેઠળ સોમવારથી હડતાળ પર જવાની ધમકી પાછી ખેંચી છે. નાણાભીડમાં સપડાયેલ નેશનલ કેરિયરે જૂન સુધીમાં કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થાં ચૂકવવા 'સ્પષ્ટ' કાર્યક્રમ ઘડી કાઢવા ખાતરી આપ્યા બાદ સંગઠનોએ હડતાળ પાછી ખેંચી હતી. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ બાલચંદ્ર મુંગેકરની મધ્યસ્થીથી બે દિવસની વાટાઘાટો બાદ ૨૮,૦૦૦ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા કર્મચારી સંગઠનોએ કંપની મેનેજમેન્ટની ખાતરી બાદ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.