નવી દિલ્હી, તા. ૩૦
ક્લિયરન્સની પુનઃ સમીક્ષા અને ચોક્કસ શરતો લાદવા ટ્રિબ્યુલના નિર્દેશ
ગ્રીન ટ્રિબ્યુનલે આજે ઓરિસ્સામાં દક્ષિણ કોરિયન કંપની પોસ્કોના સૂચિત મેગા સ્ટીલ પ્રોજેક્ટને અપાયેલી પર્યાવરણની મંજૂરી રદ કરી હતી. પરિણામે દેશના સૌથી મોટા સીધા વિદેશી રોકાણ સાહસને મોટો ફટકો પડયો છે. ટ્રિબ્યુનલે કેન્દ્રીય પર્યાવરણ અને વન્યમંત્રાલયને લાંબા સમયથી વિલંબમાં મુકાયેલા પ્રોજેક્ટ માટે ક્લિયરન્સની પુનઃ સમીક્ષા કરવા અને ચોક્કસ શરતો લાદવા નિર્દેશો આપ્યા હતા. ટ્રિબ્યુનલે તેના આદેશમાં જણાવ્યું હતું કે પોસ્કોએ ચોક્કસ સમયમર્યાદામાં આ શરતોને અનુસરવી પડશે.
મંત્રાલય દ્વારા પોસ્કોના પ્રોજેક્ટને ગયા વર્ષે ૩૧મી જાન્યુઆરીએ મંજૂરી અપાઈ હતી, પરંતુ મંત્રાલય દ્વારા તેની પુનઃ સમીક્ષા અને મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તે રદ ગણાશે તેમ ન્યાયાધીશો સી. વી. રામુલુ અને દેવેન્દ્રકુમાર અગ્રવાલને સમાવતી ટ્રિબ્યુનલ ખંડપીઠે જણાવ્યું હતું. વડાપ્રધાન મનમોહનસિંહે દક્ષિણ કોરિયન પ્રમુખ લી યંગ-બેકને સેઉલમાં ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ અમલીકરણની પ્રક્રિયા હેઠળ છે. તેમના આ ખાતરીના કેટલાક જ દિવસમાં ટ્રિબ્યુનલનો આ ચુકાદો ઘણો જ સૂચક છે.
જોકે, પર્યાવરણપ્રધાન જયંતી નટરાજન ટ્રિબ્યુનલના ચુકાદાને પ્રોજેક્ટ માટે પીછેહઠ સમાન માનતા નથી. નટરાજને કહ્યું હતું કે તેમના પુરોગામી જયરામ રમેશે પોસ્કોને મંજૂરી આપી હતી. તેઓ અત્યંત આકરી અને પારદર્શી પ્રક્રિયાને અનુસર્યા હતા. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે ઓરિસ્સા સરકાર અને પોસ્કો વચ્ચે થયેલી સમજૂતીમાં ર્વાિષક ૧.૨ કરોડ ટન સ્ટીલ ઉત્પાદન માટે પ્રોજેક્ટની સ્થાપના અંગે જણાવાયું છે, પરંતુ પર્યાવરણ અસર મૂલ્યાંકન (ઈઆઈએ) અહેવાલમાં પ્રથમ તબક્કામાં માત્ર ચાર એમટીપીએસની ભલામણ કરાઈ છે. પર્યાવરણમંત્રાલયના સચિવ તરીકે તેમની કામગીરી દરમિયાન પર્યાવરણ મંજૂરીમાં મીના ગુપ્તાએ જ પોસ્કોને મદદ કરી હોવાથી પર્યાવરણ મંજૂરીની પુનઃ સમીક્ષા માટે સ્થપાયેલ સમિતિના અધ્યક્ષપદે મીના ગુપ્તાની નિમણૂક 'ડિપાર્ટમેન્ટલ બાયસ' દર્શાવતી હોવાનું પણ બેન્ચે નોંધ્યું હતું.