મનોવૃત્તિ - રચના કોઠારી
પોતાના ઉપર થયેલા આક્ષેપોથી સહુ ડોક્ટરો તો નવાઈ જ પામી ગયા. તેમણે સૌ પ્રથમ તો સૂર્યકાન્તને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ વ્યર્થ. સૂર્યકાન્તે ઊલટા વધારે આક્ષેપો કર્યા અને પોતાની શારીરિક ખોડખાંપણો માટે ડોક્ટરોને જ જવાબદાર ઠરાવ્યા.
વાત કંઈક આવી હતી. રેલવે ક્રોસિંગ ઉપર પંદરેક વર્ષથી નોકરી કરતા સૂર્યકાન્તને એક દિવસ લોખંડ વાગવાથી સાધારણ, નજીવી ઈજા થઈ. સૂર્યકાન્તે એને બહુ ગણકારી નહીં અને મામૂલી પાટાપિંડી કરાવી નોકરી ઉપર જવાનું ચાલુ રાખ્યું. સૂર્યકાન્ત સીધો, સરળ, ફરજપરસ્ત માણસ હતો. તેનું કૌટુંબિક જીવન અલબત્ત, જવાબદારીઓથી ભરેલું હતું છતાં એ અંગે પહેલાં કશી ફરિયાદ કરી નહોતી.
હવે બન્યું એવું કે બે મહિના નાનામોટા ઘરેલુ ઉપચાર બાદ સૂર્યકાન્તને પોતાના ઈજાગ્રસ્ત ઘૂંટણમાં રાહત ન જણાતાં તેણે મોટી હોસ્પિટલમાં હાડકાંના નિષ્ણાત સર્જ્યનને બતાવવાનું નક્કી કર્યું. તેની પૂરેપૂરી ચકાસણી અને નિદાન કરવામાં આવ્યું. જેમાં એવું જણાયું કે તેના ડાબા પગના ઘૂંટણની અંદર આવેલ ‘મેનિસ્ક્સ’ નામની પેશીમાં ઈજા થઈ હતી. ડોક્ટરોએ ઈજાને ઓપરેશન કરીને દુરસ્ત કરવાની સલાહ આપી. જેને પરિણામે સૂર્યકાન્તના ઘૂંટણ ઉપર સર્જરી કરવામાં આવી અને ઘૂંટણ થોડા સમયમાં સારો થઈ ગયો. સૂર્યકાન્તે હોસ્પિટલમાંથી રજા લીધા બાદ થોડો સમય આરામ કર્યો અને છેવટે ‘ફિટનેસ’ ર્સિટફિકેટ આપીને ફરીથી નોકરી ઉપર હાજર થઈ શકાશે એમ પ્રમાણિત કરવામાં આવ્યો.
પરંતુ, આ ઘટનાના થોડા સમયમાં જ સૂર્યકાન્તને નવી તકલીફ ઊભી થઈ. તેને સાથળ અને કમરમાં દુખાવાઓ શરૂ થયા. સાથે ધ્રુજારી, અશક્તિ વગેરે પણ જણાવા માંડયા. જે ઘૂંટણે ઓપરેશન થયું હતું તે પગની પાનીમાં વારંવાર ખાલી ચડી જવા માંડી. તેને પગનો અંગૂઠો ખેંચાતો હોય એમ લાગ્યા કરતું અને ક્યારેક ચાલવામાં પણ તકલીફ જણાતી. એટલું જ નહીં તેની એ તકલીફો એટલી વધી ગઈ કે થોડા જ દિવસ બાદ ફરી નોકરીએ જવાનું બંધ કરી દીધું.
રેલવે સત્તાવાળાઓએ ફરીથી તેને હાડકાંના ડોક્ટરો પાસે પરીક્ષણ અંગે મોકલ્યો, પરંતુ ડોક્ટરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે સૂર્યકાન્તના ઘૂંટણમાં બાકીનાં હાડકાંઓમાં કે શરીરના એકેય ભાગમાં સહેજ પણ ખામી કે ખોડખાંપણ હોવાનો કોઈ પુરાવો નથી અને ડોક્ટરોના રિપોર્ટ પછી તરત જ એક પછી એક મુશ્કેલીઓ સર્જાવાનું શરૂ થયું. રેલવે અધિકારીઓએ સૂર્યકાન્તને જો હાડકાંની તકલીફ ન હોય તો પછી શેની તકલીફ છે જેને કારણે તે નોકરી ઉપર નથી ચડી શકતો, તે જાણવાની પૃચ્છા કરી. જેના જવાબમાં ડોક્ટરોએ ‘માનસિક બીમારી હોઈ શકે’ એવું મંતવ્ય દર્શાવ્યું અને સાઇકિયાટ્રિસ્ટની સલાહ લેવાનું સૂચન કર્યું.
આમાં પહેલાં અવરોધ એ આવ્યો કે સૂર્યકાન્ત પોતે મનોચિકિત્સક પાસે જવા તૈયાર જ ન થયો.”શું હું તમને ગાંડો લાગું છું? મને સાચેસાચ દુખાવો થાય છે. તેને તમે માનસિક કહો છો? એનો અર્થ એ કે હું જૂઠું બોલં?” વગેરે શબ્દો દ્વારા તેણે આક્રોશ ઠાલવ્યો. એટલું ઓછું હોય તેમ હાડકાંના ડોક્ટરોને નામે ગમે તેમ બોલવાનું શરૂ કર્યું, “તેઓએ જ મારો કેસ બગાડી નાખ્યો છે. એક તો બરાબર ઓપરેશન કર્યું નથી અને હવે કહે છે કે તમને કંઈ નથી. પોતાની મનોવૃત્તિ ભૂલ શોધવાને બદલે મને ગાંડો ઠરાવવા નીકળ્યો છે. મારું જીવન હરામ કરી નાખ્યું.”
છેવટે ઘણી પૂછપરછ બાદ સૂર્યકાન્ત પાસેથી એક એવી માહિતી કઢાવવામાં આવી જેનાથી સૂર્યકાન્તનો રોગ એક પ્રકારનો માનસિક રોગ હતો એવું પુરવાર થઈ શક્યું. સાઇકિયાટ્રિસ્ટોના રિપોર્ટથી રેલવે ઉપરીઓ પામી ગયા. તેઓનો પ્રશ્ન એ હતો કે,”માણસોને આવું પણ થઈ શકે છે?” “જી, હા.” માનસશાસ્ત્રીઓનો જવાબ હતો.
પણ આ પહેલાં તો આવું કદી સાંભળ્યું જ નથી. અમે તો એવું માનતા હતા કે આવા લોકો ઢોંગી જ હોય છે અને છેતરપિંડી દ્વારા પૈસા બનાવવા માગતા હોય છે. અધિકારીઓના પ્રશ્નનો ઉત્તર આપતાં સાઇકિયાટ્રિસ્ટોએ વિગતે જે જણાવ્યું હતું તે આ હતું.
“ના, સૂર્યકાન્ત ઢોંગી નથી. તે કહે છે કે તેને દુખાવો થાય છે એનો અર્થ એ કે તેને દુખાવો સાચે જ થાય છે. તેના શરીરની પીડાઓ તેના મનને કારણે છે, જેની તેને પોતાને પણ ખબર નથી. તેને થયેલો આ રોગ પશ્ચિમના દેશોમાં ઘણા મોટા પ્રમાણમાં જોવા મળતો હતો. ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ રોગ ભાગ્યે જ થતો જોવા મળે છે. ભારતમાં તો કદાચ આજ સુધીમાં એકાદ બે કેસ જ નોંધાયા છે.”
આ રોગનું નામ ‘કમ્પેનસેશન ન્યુરોસિસ’ છે. સૂર્યકાન્તના કિસ્સામાં એ કઈ રીતે આકાર પામ્યો તે જાણવું રસપ્રદ છે. સૂર્યકાન્તને ઘૂંટણમાં ઈજા ખરેખર થઈ હતી. પણ તેણે ભૂલ એ કરી કે પહેલા બે’ક મહિના સુધી કોઈ પ્રકારની સારવાર જ ન લીધી. અલબત્ત, ત્યારબાદ જ્યારે તેણે ઓર્થોપેડિક સારવાર લીધી ત્યારે તેનો ઘૂંટણ ફરીથી સાજો પણ થઈ ગયો હતો.
પરંતુ ખરી તકલીફ ત્યારબાદ શરૂ થઈ, સૂર્યકાન્તે જ્યારે પોતાની આ ઈજા, કામ કરવાની અશક્તિ અને સર્જરી તથા સારવાર ખર્ચ પેટે રેલવે સત્તાવાળાઓ સમક્ષ જે કાંઈ વળતરની માગણી કરી તેને મંજૂર ન કરવામાં આવી, કેમ કે સૂર્યકાન્તને ભલે ઈજા નોકરીના સમય દરમિયાન અને ફરજના સ્થળે, ફરજ બજાવતા થઈ હતી પણ તેણે તત્કાળ તે રિપોર્ટ નહોતો કર્યો અને કશી સારવાર પણ લીધી નહોતી. આ વસ્તુ તેને કાયદા મુજબ વળતર મેળવવામાં બાધારૂપ નીવડી, સૂર્યકાન્તને જ્યારે ખબર પડી કે પોતે પોતાની જ સમયસર સારવાર ન લેવાની ભૂલને કારણે વળતર (કમ્પેનસેશન) મેળવવાને પાત્ર નથી રહ્યો ત્યારે તે ખૂબ જ વ્યગ્ર થઈ ગયો. એક તરફ તેને આર્થિક વળતર મળી શકે એમ નથી એવું નક્કી થયું અને બીજી તરફ સક્ષમ છે એમ જણાવ્યું.
આથી સૂર્યકાન્ત લાચાર પરિસ્થિતિમાં મુકાઈ ગયો. તે પોતાની આવી સ્થિતિ માટે ડોક્ટરોને જવાબદાર ગણવા માંડયો અને ફરી અનેક પ્રકારની નવી જ શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ. જે તેના જ અજાગ્રત મનની ઊપજ હતી. તેના આ નવાં શારીરિક લક્ષણોનું અર્થઘટન એવું થાય કે તેનું અજાગ્રત મન હજુય વળતર મેળવવા માટે ઝઝૂમી રહ્યું છે અને એટલે જ સૂર્યકાન્તને અશક્ત બનાવી કામ નથી કરવા દેતું. જેથી ડોક્ટરના ધ્યાનમાં આવે, સૂર્યકાન્તને ‘અનફિટ’ જાહેર કરાય અને સૂર્યકાન્ત વળતર મેળવવાને પાત્ર બની શકે.
આ વાત આમ તો ધારણા જ લાગે પરંતુ તે સાબિત ત્યારે થઈ કે જ્યારે રેલવે સત્તાવાળાઓએ અપવાદરૂપ કિસ્સો ગણી સૂર્યકાન્તને કમ્પેનસેશન આપવાનું નક્કી કર્યું અને ડોક્ટરોની ધારણા મુજબ જ બન્યું. સૂર્યકાન્તનાં બધાં જ લક્ષણો વળતર મેળવવાની જાહેરાત બાદ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયાં હતાં.