આયુર્વેદ - વૈદ્ય મનુભાઈ ગૌદાની
અમારા વૈદ્યકીય વ્યવસાયના કેટલાંક પ્રિય ઔષધોમાંથી એકનું નામ છે - ‘કુંવારપાઠું’. ગૃહકન્યા, કુમારી, ગૃહકુમારી વગેરે તેનાં સંસ્કૃત નામ છે. ‘કુંવાર’નું સ્થાન ઘરમાં કન્યાનું જે સ્થાન છે, તે વનસ્પતિ ઔષધના ઉદ્યાનમાં છે. સામાન્ય વ્યવહારમાં કુંવારપાઠાને ‘કુંવાર’ કહેવામાં આવે છે અને વીરમગામ બાજુના લોકો કુંવારને ‘લાબરું’ પણ કહે છે. આવા આ ખૂબ જ જાણીતા ઔષધનો આ વખતે પરિચય કરાવવાનો ઉપક્રમ છે. કુંવાર આર્તવપ્રદ છે. આર્તવ એટલે સ્ત્રીઓમાં દર મહિને પ્રવૃત્ત થતું રક્ત. આર્તવપ્રદ, રજપ્રવર્તક, શીતપિત્ત, કફ, જ્વર, શીરોરૂજા, પ્લીહાવૃદ્ધિ, કમળો, મંદાગ્નિ વગેરેમાં હિતાવહ છે. કુંવાર પિચ્છિલ, સ્નિગ્ધ-ચીકણું, કડવું, શીતળ, ત્વચાના રોગો, ઉદાવર્ત, જળોદર, વાયુને જીતનાર, નેત્ર માટે હિતાવહ, વૃષ્ય, રસાયની, બળ આપનાર, પ્લીહા અને લિવરના રોગો, અગ્નિદગ્ધ, વિસ્ફોટક, રક્તપિત્ત વગેરે અનેક રોગોમાં તેનો ઉપયોગ થાય છે.
કુંવાર સમગ્ર ગુજરાતમાં થાય છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્રતટની અને રેતાળ ભૂમિમાં તે ખૂબ થાય છે. મહુવા, ઊના, જાફરાબાદ, રાજુલા, કોડીનાર, માંડવી, વીરમગામ, મુંદ્રા તથા ભાવનગર બાજુની પડતર અને થોડી રેતાળ જમીનમાં તેનાં ઝૂંડ ઊગી નીકળે છે. તેનાં પર્ણો જાડાં, દળદાર અને એક એક કિલો વજન સુધીનાં થાય છે. પાન ઉપરથી ખૂબ સુંવાળાં, લીલાં અને લાંબાં હોય છે. પર્ણની બંને ધારે નાના નાના કાંટા હોય છે. પર્ણના બે પડ વચ્ચે ગર્ભ રહેલો હોય છે. ઔષધોમાં આ ચીકણો ગર્ભ-માવો જ વપરાય છે. જે શીતળ ને કડવો હોય છે.
કુંવારના રસમાંથી એળિયો બનાવાય છે. આ એળિયામાં ‘એલોઇન’ નામનું એક તત્ત્વ પદાર્થ હોય છે. જેને લીધે એળિયો રેચક કાર્ય કરે છે. કુંવારપાઠાના આ રેચક ગુણને લીધે જ તે પાચનતંત્રની ઘણી વ્યાધિઓમાં હિતાવહ બને છે. એળિયો જો થોડી માત્રામાં પ્રયોજાય, તો તે ભૂખ લગાડનાર, આહારનું પાચન કરનાર અને બળ વધારે છે. મોટી માત્રામાં તે રેચક, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, સોજા ઉતારનાર, માસિક વધારનાર અને પેટના કૃમિઓનો નાશ કરનાર છે. એળિયાનો લેપ સોજા અને દુખાવો મટાડે છે. તથા વ્રણની રૂઝ લાવે છે.
કમળામાં અને બરોળ મોટી થઈ હોય તો એક ચમચી જેટલા કુંવાર-લાબરાના ગર-રસ સાથે અડધી ચમચી હળદર મિશ્ર કરી સવારે અને રાત્રે આપવાથી સારું પરિણામ મળે છે. પેટમાં આફરો અને ગેસ રહેતાં હોય તો કુંવારના એક ચમચી રસમાં બે ચમચી ઘી મિશ્ર કરી જમ્યા પછી લેવું. જેથી આહાર સરળતાથી પચી જશે અને ગેસ તથા આફરો થશે નહીં. જન્મતાં જ બાળક ગુજરી ગયું હોય અથવા ધાવણું બાળક ગુજરી જાય ત્યારે સ્તનમાં ખૂબ જ ધાવણ ભરાઈ આવે છે અને ગૂમડું પાકતું હોય એવી ખૂબ જ વેદના થાય છે. એ વખતે કુંવારના મૂળ અને હળદરનો લેપ કરવાથી ધાવણ ઓછું થઈ જાય છે. વેદના મટી જાય છે.
કુંવાર વિશે લેખ લખીએ ત્યારે તેમાંથી બનતા ઔષધ યોગને કેમ ભૂલી શકાય? કુંવારના આવા ઔષધ યોગોનાં નામ એળિયો, કુમાર્યાસવ, કુમારી લવણ, રજઃપ્રવર્તનીવટી, કન્યા લોહાદિવટી અને કુમારી ધૃત છે.
જે સ્ત્રીઓને માસિક અથવા આર્તવ ખૂબ જ મોડું અનિયમિત અને ઓછું આવતું હોય તથા ખૂબ જ દુખાવા સાથે આવતું હોય, તેવી સ્ત્રીઓએ કુમાર્યાસવનો ઉપયોગ કરવો જોઈએ.
ચારથી છ ચમચી અથવા નાની સાઇઝના અડધા કપ જેટલો કુમાર્યાસવ લેવો. તેમાં તેટલું જ પાણી ઉમેરી જમ્યા પછી અડધા કલાકે બપોરે અને રાત્રે પીવો. ત્રણેક મહિના પીવાથી ક્ષીણ આર્તવ ફરી યોગ્ય માત્રામાં અને નિયમિત આવવા લાગે છે.
કુમારીધૃત લોહીની શુદ્ધિ કરનાર હોવાથી ચામડીના રોગોમાં ઉત્તમ રિઝલ્ટ આપે છે. જેમને મેલેરિયા પછી કે બીજા કોઈ પણ કારણને લીધે જો બરોળ વધી ગઈ હોય, પેટમાં કૃમિઓ હોય, શરીરે ગડગૂમડ વારંવાર થતાં હોય, તેમણે ‘કુમારીધૃત’નો ઉપયોગ કરવો જોઈએ અને તે સાથે વાયુપિત્તાદિ દોષને ધ્યાનમાં રાખીને જરૂરી પરેજી પણ પાળવી જોઈએ. કુમારીધૃત એકથી બે ચમચીની માત્રામાં જમ્યા પહેલાં ચાટી જવું. બપોરે અને રાત્રે એમ બે વાર લેવું જોઈએ.