બાયોગ્રાફી
આખું નામઃ જેમ્સ ફ્રાન્સિસ કેમેરોન
જન્મ તારીખઃ ૧૬ ઓગસ્ટ, ૧૯૫૪
‘ટાઇટેનિક’થી પોપ્યુલર થયેલા ડિરેક્ટર હવે ટાઈટેનિક ડુબી ગયાની સોમી વરસીએ ટાઈટેનિકને થ્રીડીમાં રજૂ કરવાના છે. દરમિયાન તેઓ દુનિયાની સૌથી ઊંડી જગ્યા મારીઆના ખાઈમાં ડૂબકી લગાવીને દુનિયાભરના મીડિયામાં ચમક્યા છે. ૧૧ ટન વજનની ખાસ પ્રકારની સબમરીનમાં બેસીને તેમણે પ્રશાંત મહાસાગરમાં આવેલી મારીઆના ખાઈની મુલાકાત લીધી. એ સ્થળ પૃથ્વી સપાટીથી ૧૧ કિલોમીટર કરતાં વધારે ઊંડુ છે અને છેલ્લા ૫૦ વર્ષમાં ત્યાં કોઈ માણસ ગયો નથી. એ પહેલા બે સાહસિકોએ મારીઆના ખાઈની સફર કરેલી. કેમેરોન આ પરાક્રમ નોંધાવનારા ત્રીજા પૃથ્વીવાસી છે. કેમરોને ‘ધ ર્ટિમનેટર’, ‘એલિયન્સ’, ‘ધ જજમેન્ટ ડે’, ‘અવતાર’ વગેરે સફળ ફિલ્મો આપી છે. ફિલ્મને પણ ટક્કર આપે તેવી તેમની જિંદગી છે.
જેમ્સ કેમેરોનની રેકર્ડબ્રેક વિગતો
* કેનેડાના ઓન્ટારિયોમાં તેમનો જન્મ થયેલો. પિતાનું નામ - ફિલીપ કેમેરોન. માતાનું નામ શિર્લી હતું, જે આર્ટિસ્ટ અને નર્સ હતાં.
* કેમેરોનની ઊંચાઈ ૬ ફીટ ૨ ઇંચ છે અને ડિરેક્ટર તરીકે તો તેમની ઊંચાઈ ક્યાંય વધારે છે.
* સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમણે પોસ્ટર પેઇન્ટિંગ સહિતની અનેક નોકરીઓ કરી હતી. છેલ્લે ટ્ર્ક ડાઇવર્સ હતા ત્યારે ૧૯૭૭માં તેમણે સાયન્સ ફિક્શન ફિલ્મ ‘સ્ટાર ટ્રેક’ જોઈ અને પછી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.
* તેમણે કુલ પાંચ વખત લગ્ન કર્યાં છે. તેમની પત્નીઓઃ શેરોન વિલિયમ્સ (૧૯૭૮-૧૯૮૪), ગાલે એન હર્ડ (૧૯૮૫-૧૯૮૯) કેથરિન બિગેલો (૧૯૮૯-૧૯૯૧), લિન્ડા હેમિલ્ટન (૧૯૯૭-૧૯૯૯) અને છેલ્લે ૨૦૦૦માં તેઓ સુઝી એમિસને પરણ્યા છે. પહેલી વાઇફ શેરોન વિલિયમ્સ સાથે છૂટાછેડા થયા ત્યારે કેમેરોને સેટલમેન્ટ માટે માત્ર ૧,૨૦૦ ડોલરની રકમ ચૂકવેલી!
* કેમેરોનની સૌથી સફળ પૈકી એક ફિલ્મ ‘ટાઇટેનિકે’ ૧૧ ઓસ્કર જીતેલા છે. તેમાંથી ૩ એવોર્ડ તો કેમેરોનને જ મળેલા.
* પાણી સંકળાયેલું હોય એવી તેમણે પાંચ ફિલ્મો બનાવી છેઃ ‘ધ એબેસી’ (૧૯૮૯), ‘ટાઇટેનિક’ (૧૯૯૭), ‘એક્સપિડિશન-બિસ્માર્ક’ (૨૦૦૨), ‘ઘોસ્ટ ઓફ ધ એબેસી’ (૨૦૦૩) અને ‘સેંકટમ’ (૨૦૧૧).
* એમણે સ્પાઇડર મેનની સ્ક્રિપ્ટ લખેલી, પરંતુ એમાં ભરપૂર માત્રામાં હિંસા હોવાથી સ્ટુડિયોએ ન પાડી દીધેલી.
* સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવવી એ તેમનું પેશન છે, પણ એ માત્ર ફિલ્મ જ નથી બનાવી જાણતા, પ્રેક્ટિકલી પણ ફિલ્મ વિજ્ઞાની છે. એમણે આધુનિક ટેક્નોલોજી સાથેના સ્ટિરિયો કેમેરા ડેવલપ કર્યા છે જે ‘ધ ફ્યુઝન કેમેરા’ તરીકે ઓળખાય છે. એ પહેલાં ‘ધ એબેસી’ માટે તેમણે પાંચ સાધનો શોધેલાં અને તેની પેટન્ટ પણ મેળવી છે.
* તેમણે લાઇટસ્ટોર્મ એન્ટરટેઇન્મેન્ટ નામે પ્રોડક્શન કંપની સ્થાપી છે. તો વળી વિઝ્યુઅલ ઇફેક્ટ કંપની ડિજિટલ ડોમેઇનના એ સ્થાપક છે.
* સ્કુબા ડાઇવિંગ પર તેમણે ‘સેંકટમ’ ફિલ્મ બનાવી છે, પણ તેઓ પર્સનલી સ્કુબા ડાઇવિંગના શોખીન છે.
* કેમેરોન હોલિવુડમાં મિ. પરફેક્ટનિસ્ટ તરીકે પંકાયેલા છે. ‘ટાઇટેનિક’ને થ્રીડીમાં બનાવતાં પહેલાં તેમણે ગયા વર્ષે જ પોતાની બીજી એક ફિલ્મ ‘સેંકટમ’ થ્રીડીમાં બનાવીને નેટ પ્રેક્ટિસ કરી હતી.
* ‘ર્ટિમનેટર-૨’માં જેમ્સનો જર્મન શેફર્ડ કૂતરો એક દૃશ્યમાં આવે છે, જેનું નામ ટેસ્ટ હોય છે.
* તેઓ નાસાની એડવાઇઝરી કમિટીના સભ્ય છે અને માર્સ મિશન પર કામ કરી રહ્યા છે.