એપ્રિલ ફૂલ સ્પેશિયલ - લલિત ખંભાયતા
એપ્રિલ ફૂલ દિવસ શા માટે મનાવાય છે અને એ દિવસે લાગતા-વળગતાઓને ઉલ્લુ બનાવાય છે એ વાત હવે જાણીતી છે. આપણે એ ઇતિહાસમાં બહુ પડયા વગર ફૂલ (મુરખ) બનાવવાના કેટલાક ક્લાસિક કિસ્સાઓની વાત કરવી છે. એ કિસ્સાઓ જાણ્યા પછી આપણને એમ થશે કે ફૂલ બનનારા (ગાંડા)ઓનાં ગામ તો શું શહેર પણ હોય!
સ્પેગેટી ઝાડ પર ઊગે?
આપણે ત્યાં ‘ચણાના ઝાડ પર ચડાવ્યો’ એવા મતલબની કહેવત છે. કહેવત જોકે સત્યથી વેગળી છે, કેમ કે ચણાનાં ઝાડ હોતાં જ નથી! એટલે કોઈ એમ કહે કે આજે તો ચણાના ઝાડ પર ચડીને ૨૪ કિલો ચણા ઉતાર્યા તો આપણે સમજી લઈએ કે ભાઈનું ઠેકાણે નથી. જોકે વિશ્વવિખ્યાત સમાચાર ચેનલ બીબીસીએ પોતાના દર્શકોને આ રીતે ઉલ્લુ બનાવેલા.
૧૯૫૭માં ૩ મિનિટની એક ડોક્યુમેન્ટરી ચેનલ પર પ્રસારિત થઈ. એમાં એવું બતાવાયેલું કે સ્વિત્ઝરલેન્ડમાં એક સ્થળે સ્પેગેટીની ખેતી થાય છે (સ્પેગેટી એક પશ્ચિમી ખાદ્ય વાનગી છે અને એ રસોડામાં બને) ત્યારે ઇટાલિયન વાનગી સ્પેગેટી બ્રિટિશ માર્કેટમાં નવી નવી હતી એટલે મોટો વર્ગ એમ માની બેઠો કે હા ખરેખર વૃક્ષો પર સ્પેગેટીની લાંબી સેરો થાય છે. બીબીસીએ વળી દર્શકોને પૂરેપૂરા ઉલ્લુ બનાવવા એક મહિલા વૃક્ષ પરથી સ્પેગેટી ઉતારતી હોય એવું દૃશ્ય સામેલ કરેલું! જોકે કેટલાકે એવા ફોન પણ બીબીસીને કરેલા કે અમારા માનવામાં આવતું નથી. તો કેટલાકે વળી સ્પેગેટી વિશે આ વાત તો આપણને ખબર જ ન હતી એમ માનીને એન્સાઇક્લોપીડિયાનાં પાનાં ઊથલાવ્યાં. જોકે રમૂજ ત્યારે સર્જાઈ જ્યારે બીબીસીને ફોન આવવા માંડયા કે અમારે પણ સ્પેગેટી ઉગાડવી છે. અમને શિખવાડો તેની ખેતી કેમ થાય!
તમારું ટીવી કલર કેમ બનાવશો?
સ્વિડનમાં ૧૯૬૨માં એક જ ટીવી ચેનલ આવતી અને એ પણ બ્લેક એન્ડ વ્હાઈટ. પહેલી એપ્રિલે સમાચાર સાથે એનાઉન્સરે જાહેરાત કરી કે આજથી તમે તમારા જૂના બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીને કલરમાં ફેરવી શકશો. શરૂઆતમાં તેણે જાતજાતની ટેક્નિકલ વાતો સમજાવી. પછી છેલ્લે કહ્યું કે તમારે ટીવી રંગીન બનાવવા એક ઘરેલુ નુસખો અજમાવવા જેવો છે. એ માટે એક કપડું ટીવી પર ઢાંકી ટીવી સામે અમુક ચોક્કસ અંતરે બેસવાનું રહેશે. બેઠા પછી તમારે માથું બહુ હલાવવાનું નથી. વગેરે વગેરે સૂચનાઓ આપી તો લોકોએ તેનો અમલ પણ કરેલો!
બાદમાં ૧૯૭૦માં સ્વિડનમાં કલર પ્રસારણ ચાલુ થયું પણ પેલો કિસ્સો લોકમાનસમાં બરાબર જડાઈ ગયો છે.
પાઈનું મૂલ્ય વધુ સરળ!
ગાણિતિક સંજ્ઞા પાઈનું મૂલ્ય ૩.૧૪ તરીકે આખા જગતમાં વપરાય છે. ૧૯૯૮માં ‘ન્યૂ મેક્સિકન ફોર સાયન્સ એન્ડ રિઝન્સ’ નામના સામયિકમાં છપાયું કે આલબામા રાજ્યની સેનેટે પાઈનું મૂલ્ય બદલી નાખ્યું છે. સંસદમાં વોટિંગ કરી પાઈનું મૂલ્ય ૩.૧૪ને બદલે ૩ કરી નાખવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ જાહેર ઉપયોગમાં આવશે. ઇન્ટરનેટ પર પણ પાઈના મૂલ્યમાં એ રીતે ફેરફાર કરી નંખાશે. પરિણામે બધી બાજુ હો-હા મચી ગઈ, કેમ કે પાઈના મૂલ્યમાં ફેરફાર થાય તો તો ગણિતનાં કેટલાંય પ્રકરણો બદલવાં પડે. સંખ્યાબંધ લોકોએ આલબામાના સેનેટરોને ફોન કરીને ખખડાવ્યા કે તમને આવા ધંધા કરવા અમે સેનેટમાં મોકલ્યા છે! બાદમાં જોકે સાચી વાત બહાર આવતા લોકો શાંત થયા.
ડાબોડીઓ માટે બર્ગર
એકવાર પહેલી એપ્રિલે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ‘યુએસએ ટુડે’માં જાહેરખબર આવી કે ફાસ્ટ ફૂડ બનાવતી કંપની બર્ગર કિંગે ૩૨ લાખ જેટલા અમેરિકન ડાબોડીઓને ધ્યાનમાં રાખીને લેફ્ટ હેન્ડેડ સ્પેશિયલ સેન્ડવિચ, બર્ગર, હેમ્બર્ગર વગેરે બનાવવાનો આરંભ કર્યો છે. આજથી એ સ્ટોરમાં મળી શકશે. તો લોકો ઉમટી પડયા અને કહેવા માંડયા કે મને ડાબોડી બર્ગર આપજો! તો વળી જૂના ગ્રાહકો કહેતાં કે હું તો રાઈટી છું એટલે મને પહેલાંની જેમ રાઈટ હેન્ડવાળાઓ માટે બનેલું વર્ઝન આપજો! જોકે બીજા દિવસે કંપનીએ જાહેરાત કરી ત્યારે ખબર પડી કે આ તો ઉલ્લુ બનાવવાના ધંધા હતા!
lalitgajjer@gmail.com