Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 04:15:13 PM IST
 

કન્યાવિદાય હમ આજ અપની મોત કા સામાન લે ચલે (વાતનું વતેસર)

Mar 31, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1013
Rate: 5.0
Rating:
Bookmark The Article

વાતનું વતેસર - ડો. રઈશ મનીઆર

અમારા પાડોશી હસુભાઈના સુપુત્ર હેમિશ માટે બે વરસથી કન્યાની શોધ ચાલતી હતી. હસુભાઈ કહેતા એને કોણ આપશે?’’ હેમાબહેન કહેતાં, “તમને મળી ને!’’ પછી ફિલસૂફની અદાથી કહેતા, “ભગવાને દરેક પગ માટે એક સેન્ડલ અને દરેક નંગ માટે એક સેમ્પલની રચના કરેલી જ હોય છે. વર અને કન્યાની જોડી સ્વર્ગમાં નક્કી થાય છે. (જો કે પછી બાકીનું બધું નરક જેવું હોય છે) એટલે હેમાબહેનને વિશ્વાસ હતો કોઈ ને કોઈ સુ-કન્યા તો હશે જ એમના સુ-વર માટે. એ જ અમર આશાથી એ પુત્રવધૂ શોધી રહ્યા હતા.

એક દિવસ હેમિશ દુઃખી થઈને મને કહે, “અંકલ! હું જે જે છોકરી પસંદ કરું એમાં કંઈ ને કંઈ વાંધાવચકા નીકળે છે.

આ મુદ્દે મારે કંઈ બોલવા જેવું નહોતું છતાં મેં રસ લીધો, “બેટા, તને કેવી છોકરી જોઈએ?”

હેમિશ બોલ્યો, “રોમેન્ટિક!”

જરા પુનર્વિચાર કરી જો” મેં કહ્યું, “લગન પહેલાં અને શરૂઆતના દિવસોમાં જે પ્રેમિકા ખૂબ રોમેન્ટિક લાગતી હોય છે, લગ્નનાં દસ જ વર્ષમાં એનું રોમ રોમ એન્ટિક લાગવા માંડે છે.

કંઈ વાંધો નહીં પણ આઈ વોન્ટ એમ્યુઝમેન્ટ ઇન મેરેજ લાઈફ.

બેટા, લગન વખતે તો બધાને જ જિંદગી એમ્યુઝમેન્ટ જેવી લાગતી હોય છે. લગ્ન પછી થોડાં જ વર્ષમાં મ્યુઝિયમ જેવી લાગવા માંડે છે. બેચાર બાળકો થાય પછી લાઇફ ગ્રેટ ઇંડિયન સરકસ જેવી થઈ જતી હોય છે.

એટલે શું? જે મળે તેની સાથે પરણી જવાનું? પાટલો જોઈને બેસી જવાનું? ગાળિયો જોઈને લટકી જવાનું? માણસની ચોઈસ હોય કે નહીં?” હેમિશે આક્રોશ ઠાલવ્યો.

મેં એને ઠંડો પાડતાં કહ્યું, “તારા પપ્પાને પૂછજે.”

અરે, મારા પપ્પાની તો કોઈ ચોઈસ નથી.

મને મનગમતું કામ મળી ગયું ઇતિહાસ ઉખેળવાનું, “હોય, તારા પપ્પા હસુભાઈ જ્યારે કુંવારા હતા ત્યારે કહેતાં કે મને તો સુંદર, બુદ્ધિશાળી અને કામગરી છોકરી જોઈએ.

મેં કહેલું, “જો આ જ ક્રાઈટેરિયા અડગ હોય તો એક નહીં ત્રણ-ત્રણ લગ્ન કરવાં પડશે. સુંદર, બુદ્ધિશાળી અને કામગરી! ભગવાને આવા “થ્રી ઈન વન પીસ બનાવવાના બંધ કરી દીધા છે.”

હેમિશને રસ પડયો, “પછી શું થયું?”

પછી તો તારા પપ્પાની બદલી થઈ ગઈ. એટલે હું છેક લગ્નનાં દસેક વર્ષ પછી જ એમને મળ્યો.

મેં એમના પત્ની અંગેના માપદંડો (સુંદર, બુદ્ધિશાળી અને કામગરી) યાદ અપાવી પૂછયું, “હસુભાઈ, લગ્નજીવનમાં સુખ અને સંતોષ છે ને?”

હસુભાઈ કહે, “પહેલાં એ કહો કે સુખ અને સંતોષની વ્યાખ્યા શી?”

મેં કહ્યું, “જે ગમતું હોય તે મળી જાય તે સુખ અને જે મળી જાય તે ગમતું કરીએ તે સંતોષ.

હસુભાઈ કહે. હું ઘરમાં સંતોષી છું અને બહાર સુખી. મારી પાડોશણ સુંદર છે. રિસેપ્શનિસ્ટ બુદ્ધિશાળી છે અને ઓફિસની કામવાળી કામગરી છે.

હેમિશ કહે, “જાવ જાવ ગપ્પાં ન મારો મારા પપ્પા એવા નથી. એના કરતાં તમારી વાત કરો, તમારાં લગ્ન ક્યાં, ક્યારે અને કેવી રીતે થયેલાં?”

હું ફ્લેશબેકમાં સરી ગયો, “મેં લગ્ન ક્યાં કરેલાં એ બરાબર યાદ છે. મેં લગ્ન ક્યારે કરેલાં એ પણ બરાબર યાદ છે. મેં લગ્ન કેવી રીતે કરેલાં એ પણ બરાબર યાદ છે. મેં લગ્ન કોની સાથે કરેલાં એ પણ ઝાંખું ઝાંખું યાદ છે, પણ મેં લગ્ન શા માટે કરેલાં એ યાદ આવતું નથી.

હેમિશ, “અંકલ યાદ છે, હું નાનો હતો ત્યારે હું તમારા ઘરે રમવા માટે આવતો ત્યારે કાર્ટૂન કે કોમિકની બુક માંગતો ત્યારે તમે તમારાં લગ્નનું આલબમ બતાવતા. અંકલ તમે તમારી કંકોત્રી સાચવી છે?” આમ કંકોતરીની વાત કાઢી એણે મારી દુખતી નસ ખોતરી.

 “સાચવવા જેવી નહોતી.

 “કેમ?”

 “મારાં લગ્નની કંકોત્રી મેં જેની પાસે છપાવી એ ભાઈ કોઈ સામાન્ય માણસ નહોતો, એક ભવિષ્યવેત્તા હતો એવી મને પાછળથી ખબર પડી, કેમ કે એણે કંકોત્રીની ઉપર વિવાહ છાપવાનું હતું ત્યાં છેલ્લો અક્ષર ‘હ’ ને બદલે ‘દ’ છાપી નાખ્યો હતો.”

વિવાહના બદલે વિવાદ છાપ્યું?” હેમિશને મઝા પડી ગઈ.

મેં કહ્યું, “હા, એટલું જ નહીં ફરિયાદ કરવા ગયો તો પાછો એ બેશરમ કહે, એમાં આટલા બાવરા શું કામ થાઓ છો. કઈ મોટી ભૂલ થઈ છે?”

મેં કહ્યું, “વાહ! વિવાહને બદલે વિવાદ છાપે છે ને ઉપરથી કહે છે કે મારી ભૂલ નથી.”

એ કહે, “ બરાબર જ છે, વિવાહ તો એક જ દિવસ છે ને પછી તો કાયમ વિવાદ જ...”

અંકલ, જબરું ભવિષ્ય ભાખ્યું એણે!

અરે, ભવિષ્યની એંધાણી તો મને કન્યાવિદાય વખતે જ મળી ગયેલી.

કેવી રીતે?”

કન્યાવિદાય વખતે કન્યા રડે, એની સખીઓ રડે, એનાં માબાપ રડે પણ વર અને જાનૈયા રડે એવું જોયું છે કોઈ દિવસ?”

ના, હવે તો કન્યાઓ પણ રડતી નથી.

મારાં લગ્નમાં એવું થયું’તું. બેન્ડવાજાંવાળાએ કન્યાવિદાય વખતે ‘બાબુલ કી દુઆએ’ વગાડવાને બદલે કયું ગીત વગાડયું હતું ખબર છે?.... ‘દિલમેં છુપા કે પ્યાર કા તુફાન લે ચલે.’ આટલે સુધી તો વાંધો નહોતો, બધું ઠીક હતું પણ પછી બીજી લાઈન સાંભળી હૈયું બેસી ગયું... ‘હમ આજ અપની મૌત કા સામાન લે ચલે..’

amiraeesh@yahoo.co.in
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com