મેનેજમેન્ટ - ડો. એ.સી. બ્રહ્મભટ્ટ
કોઈ પણ સંસ્થા, વ્યાપારી કંપની કે પ્રતિષ્ઠાનનું પોતાનું આગવું એક ધ્યેયવિધાન (Mission Statement) હોય છે. ધ્યેયવિધાન એટલે સંસ્થા કે કંપનીના અસ્તિત્વનો મૂળ હેતુ, એ વિધાન એટલું સ્પષ્ટ હોવું જોઈએ કે જે સંસ્થા કે કંપનીને તેના ઉદ્દેશની રજૂઆત કરવામાં, તેને તેના લક્ષ્ય તરફ લઈ જવા પથપ્રદર્શક બનવામાં અને તેની નિર્ણયપ્રક્રિયામાં ખૂબ મદદરૂપ બને. આ વિધાન કંપનીને તેના વ્યૂહ ઘડવા માટે એક આધારભૂત માળખું અને સંદર્ભ પૂરાં પાડે છે. કંપનીઓનાં ધ્યેયવિધાનોમાં ઘણી વખત નીચેની બાબતો સમાવિષ્ટ થતી હોય છે.
(૧) કંપની કે સંસ્થાના હેતુ અને ઉદ્દેશો
(૨) કંપની તેની સાથે સંકળાયેલા હિતધારકો, જેમાં મુખ્યત્વે ગ્રાહકો ઉપરાંત, વિતરકો, કર્મચારીઓ, સંચાલકો, માલના પ્રેષકો સાથે જોડાયેલી બેન્કો, બિન-સરકારી સંસ્થાઓ ઈત્યાદિ સૌને વિશિષ્ટ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી કેવી રીતે મૂલ્યવૃદ્ધિ કરે છે.
(૩) કંપનીની ફિલસૂફી, આકાંક્ષાઓ, લક્ષ્યની દિશામાં ભરાતું પ્રત્યેક સોપાન.
(૪) કંપનીની નીતિમત્તાનું સ્તર, સમાજમાં તેની છબી.
(૫) કંપનીનું ભૌગોલિક કાર્યક્ષેત્ર
(૬) કંપનીની ઉત્તરોત્તર પ્રગતિની અને સિદ્ધિઓની અપેક્ષાઓ ઈત્યાદિ.
ધ્યેયવિધાન તેના કર્મચારીઓને કંપનીનું અસ્તિત્વ શું હાંસલ કરવા માટે છે? તેની અને તેના આદ્ય સ્થાપકો પોતાની દૂરંદેશિતાથી તેમનાં સ્વપ્નો સાકાર કરવાં માટે તન-મન-ધનથી કેવી રીતે ન્યોછાવર થઈ ગયા, તેની સતત યાદ અપાવતું રહે છે.
ધ્યેયવિધાન તેના હિતધારકો પ્રત્યેની અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું નિરૂપણ કરતું હોય છે.
ધ્યેયવિધાન કંપની માટે એક ધ્રુવતારક સમાન છે. સ્પષ્ટ ધ્યેયવિધાન સિવાય કંપની કે સંસ્થા વાણિજ્ય જગતની જટિલતામાં ગુમરાહ થઈ જવાનું મોટું જોખમ રહેલું છે. ધ્યેયવિધાન સિવાય તમે યોગ્ય પથ ઉપર યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો કે કેમ તેની પણ ખબર પડતી નથી.
બાર્ટ નામના સંચાલન ક્ષેત્રના એક તજ્જ્ઞો તેના એક સંશોધનપત્રમાં (૧૯૯૭) ધ્યેયવિધાનમાં નીચેના ત્રણ ઘટકો હોવા જોઈએ એવી વાત કરી.
(૧) તમારું મુખ્ય બજાર કયું? અર્થાત્ તમારા મુખ્ય ગ્રાહકો કોણ?
(૨) તમારું યોગદાન કેટલું? અર્થાત્ આ ગ્રાહકોને તમે ક્યાં, કેવી ચીજવસ્તુઓ-સેવાઓ પૂરી પાડો છો?
(૩) તમારી લાક્ષણિકતા કઈ? તમારી ચીજવસ્તુઓ કે સેવાઓ અન્ય હરીફોથી કઈ રીતે વિશિષ્ટ છે?
ફાસ્ટફૂડની એક મલ્ટિનેશનલ કંપનીનું ઉદાહરણ લઈએ તો આ ત્રણ ઘટકો અનુસાર તેમનું મુખ્ય બજાર એટલે વિશ્વ સમસ્તમાં વસતા ફાસ્ટફૂડના રસિયા એવા ગ્રાહકો, તેમનું યોગદાન એટલે કે ઉચ્ચ ગુણવત્તાને લક્ષ્યમાં રાખી તૈયાર કરાયેલી અને કિફાયતી ભાવે પ્રાપ્ત થતી તેમની ફાસ્ટફૂડની વિવિધ વાનગીઓ અને તેમની લાક્ષણિકતા એટલે વિશ્વ સમસ્તમાં આવેલી તેમની સાદી સજાવટ અને મૈત્રીપૂર્ણ પરિસરથી ઓપતી ને એકધારી ઉમદા સેવાઓ પૂરી પાડતી તેમની રેસ્ટોરાંઓ.
વળી સંસ્થા કે કંપનીનું ધ્યેયવિધાન તેની પ્રવર્તમાન પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી શકાય અને સૌ સમજી શકે એટલું સ્પષ્ટ અને સરળ હોવું જોઈએ.
કેટલીક કંપનીઓનાં ધ્યેયવિધાનો આપણે હવે જોઈએ.
તાતા ગ્રૂપ : મોટરગાડીઓના ક્ષેત્રે વિશ્વ કક્ષાએ સર્વશ્રેષ્ઠ અન્વેષક બનવું અને તેનાં તકનીકી જ્ઞાન અને ઈજનેરી કૌશલ્યનો, ટાટા મોટર્સને વિશ્વસ્તરે ઉત્તમ વાહનો ઉત્પાદિત કરવામાં વિનિયોગ કરવો.
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ - ઇન્ડિયા : વિશ્વ સમસ્તના ગ્રાહકોની જીવનશૈલીને બહેતર બનાવવા અમે ઉચ્ચતમ ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડીશું અને અમારા ગ્રાહકો અને અમારા શેરધારકો, અમારા અન્ય હિતધારકો અને લોકોના ભિન્ન ભિન્ન વર્ગો જેની મધ્યે રહી અમે સમૃદ્ધિનાં સોપાન સર કરીએ છીએ, એ સૌ માટે વેચાણ, નફો અને મૂલ્યસર્જનની નવી ઊંચાઈઓ જાણે વળતર સ્વરૂપે આપીએ છીએ.
AT & T : AT & T અને તેના ગ્રાહકોના લાભાર્થે તકનીકી, નાવીન્યતાસભર અદ્યતન પદ્ધતિઓનો અને માળખાનો AT & ની સેવાઓ અને પ્રક્રિયાઓમાં ઈષ્ટતમ ઉપયોગ કરવો.
MIT : વિજ્ઞાન, તકનીકી ક્ષેત્ર અને વિદ્વત્તાનાં અન્ય ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કેળવણીમાં એ રીતે અભિવૃદ્ધિ કરતા જવું જેથી ૨૧મી સદીનાં રાષ્ટ્રો અને વિશ્વની શ્રેષ્ઠતમ સેવા થઈ શકે, પછી તે કેન્સર, ઊર્જા, અર્થશાસ્ત્ર કે સાહિત્ય ગમે તે ક્ષેત્ર હોય.
માઈક્રોસોફ્ટ : વિશ્વસ્તરે લોકોને અને ઉદ્યોગ-ધંધાને તે તેમની ક્ષમતાઓનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકે તે માટે સુયોગ્ય અને સમર્થ બનાવવા.
ડેલ : વિશ્વસ્તરે અમે જે જે બજારોમાં સેવાઓ આપીએ છીએ એ સૌને તેમના ખર્ચાઓ સંબંધી સુખદ અનુભવ થાય એવી સૌથી સફળ કંપની બનવું છે.
ગુગલ : સમગ્ર વિશ્વની માહિતીને સુવ્યવસ્થિત રીતે સંગૃહિત કરી, વિશ્વ સમસ્તને તે સરળ, સુલભ અને ઉપયોગી બને એવા પ્રયાસો કરવા.
અમેરિકન કેન્સર સોસાયટી : તંદુરસ્તી સામેની એક ગંભીર સમસ્યા, કેન્સરને નેસ્તનાબૂદ કરવા, સંશોધન, શિક્ષણ, સલાહ-સૂચન અને સેવાનો સુંદર વિનિયોગ કરી, કેન્સરને રોકવા, લાખ્ખો મનુષ્યોના જીવને ઉગારી લેવા અને કેન્સરમુક્ત દર્દીના દર્દને નહીંવત્ જેવું કરવા સર્મિપત થઈ જવું.
ITC : કોઈ પણ ઔદ્યોગિક સાહસની પ્રવર્તમાન વૈશ્વિક વ્યાપારી માહોલમાં અતિશ્રેષ્ઠ અને પગભરતાપૂર્ણ એવા હિતધારકનું મૂલ્યનું પ્રદાન કરી તેની સંપત્તિ ઉત્પાદન ક્ષમતાને પ્રવેગી બનાવવી.
માત્ર સંસ્થાઓ કે કંપનીઓને જ તેમનાં ધ્યેયવિધાનો હોય એમ નથી. વ્યક્તિનું પોતાનું વૈયક્તિક ધ્યેયવિધાન પણ હોવું જોઈએ. પોતાના જીવનનું - અસ્તિત્વનો હેતુ શું છે, તેનો મર્મ શું છે, હાલ કેવું જીવો છો? આગળ કેવું જીવશો? આવા સુસંગત પ્રશ્નોને સમાવિષ્ટ કરતું જીવન ધ્યેયવિધાન હોવું જોઈએ.
દરેક કુટુંબને પણ પોતાનું ધ્યેયવિધાન હોવું જોઈએ - આંતરસંબંધોથી મઘમઘતું કુટુંબ બનવું, વડીલોનો આદર અને સગીરોની કદરદાની થતાં હોય એવું કુટુંબ બનવું.
દરેક ટીમને પોતાનું ધ્યેયવિધાન હોય છે - ટીમની ભાવના, ખેલદિલી કેવી રીતે કેળવવાં, સ્વની નહીં ટીમની સફળતા હૈયે ધારવી પોતાનું શ્રેષ્ઠ નૂર ન્યોછાવર કરવું ઈત્યાદિ.
ધ્યેયવિધાન વિનાની સંસ્થા કે પ્રતિષ્ઠાન શઢ વિનાના વહાણ જેવી છે.
(લેખક ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા યુનિર્વિસટીમાં પ્રોફેસર છે.)
arvind@imnu.ac.in