Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 08:36:38 PM IST
 

વિશિષ્ટ ખાન-પાન અને નાચ-ગાનથી જાણીતો દેશ મેક્સિકો (વિવિધ સંસ્કૃતિ)

Mar 31, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 759
Rate: 0
Rating:
Bookmark The Article

વિવિધ સંસ્કૃતિ - સુકુમાર એમ. ત્રિવેદી

સત્તાવાર નામઃ યુનાઇટેડ મેક્સિકન સ્ટેટ્સ સ્થાનઃ ઉત્તર અમેરિકા વસતી : ૧૧,૨૩,૨૨,૭૫૭ કુલ વિસ્તારઃ ૧૯,૭૨,૫૫૦ ચો.કિમી. રાજધાનીઃ મેક્સિકો સિટી મોટાં શહેરઃ તિજુઆના, પ્યુબેલા, લેઓન, મેક્સિકાલી, ભાષાઃ સ્પેનિશ ધર્મઃ મુખ્યત્વે રોમન કેથલિક

અમેરિકા ખંડમાં યુરોપિયનો આવ્યા તે પહેલાં અત્યારના મેક્સિકોમાં એઝટેક અને મય નામની સંસ્કૃતિઓનું પ્રચલન હતું અને આ જાતિના લોકોએ લશ્કરી વ્યૂહરચના, સ્થાપત્ય, ગણિત અને કૃષિના ક્ષેત્રે ઘણી પ્રગતિ હાંસલ કરી હતી. ૧૫૨૧માં સ્પેનના હેનોન કોર્ટેસ અને મેક્સિકોના એઝટેક લોકો વચ્ચે પહેલું યુદ્ધ થયું હતું અને તેમાં વિજય મળતાં કોર્ટેસે મેક્સિકો પર સ્પેનનું આધિપત્ય પ્રસ્થાપિત કર્યું હતું. સ્પેનિશ વર્ચસ્વના ચાર સૈકા પછી મેક્સિકોના સ્થાનિક લોકોએ ૧૯૨૧માં મેક્સિકોની સ્વતંત્રતાની હાકલ કરી હતી. આ સ્વતંત્રતાની અનેક લડાઈઓ પછી સ્પેનિયાર્ડોને લોકોની લડત સામે ઝૂકવું પડયું હતું. અત્યારે મેક્સિકોમાં સમવાયતંત્રી બંધારણીય લોકશાહી શાસન છે.

અર્થતંત્ર

એશિયા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોની જેમ મેક્સિકોનું અર્થતંત્ર ઝડપથી ઊભરતું અર્થતંત્ર બન્યું છે. મેક્સિકોની કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી) એક ટ્રિલિયન અમેરિકન ડોલર કરતાં વધારે છે. અમેરિકા અને કેનેડા તેના મુખ્ય વેપારી ભાગીદારો છે અને તે બંનેના કરતાં મેક્સિકોનો સરેરાશ વૃદ્ધિદર ઊંચો છે. મેક્સિકો મોટા પ્રમાણમાં ઓઇલની નિકાસ કરે છે. મેક્સિકોનું અર્થતંત્ર અમેરિકામાં થતી નિકાસ પર આધારિત છે. પોતાની કુલ નિકાસના ૮૨ જેટલી નિકાસ મેક્સિકો અમેરિકામાં કરે છે. આમ છતાં, મેક્સિકોના અર્થતંત્રનું મુખ્ય ચાલકબળ જેની ઓઇલની નિકાસ છે. મેક્સિકોમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની ઓઇલ કંપનીઓ છે અને સરકારની અડધા કરતાં વધારે આવક ઓઇલમાંથી થાય છે. ૨૦૦૭માં મેક્સિકન ટેલિકમ્યુનિકેશનના મોટા વેપારી અને ઉત્પાદક કાર્લોસ હેલુ દુનિયાની સૌથી ધનાઢય વ્યક્તિ હતી.

સંસ્કૃતિ

મેક્સિકન સંસ્કૃતિ કદાચ દુનિયામાં સૌથી વધુ રસપ્રદ સંસ્કૃતિઓમાંની એક છે. તેમાં સ્પેનિયાર્ડો આવ્યા તે પહેલાંની જાતિઓની કથાવાર્તાઓ, કલાત્મક અભિવ્યક્તિ તેમજ તે પછી આવેલા સ્પેનિશ લોકોની સંસ્કૃતિનાં તત્ત્વોનો ઉમેરો થતાં આ સંસ્કૃતિ ખાસ્સી વિવિધરંગી છે. મેક્સિકન લોકોને તેમના આ વારસાનો ગર્વ છે અને તેથી તેમણે આજના આધુનિક સમયમાં પણ ઘણી પરંપરાઓ અને રીતરિવાજો ચાલુ રાખ્યા છે. આમાંની ઘણી પરંપરાઓ મેક્સિકન સંગીતમાં જોવા મળે છે. જેનાં મૂળ એઝટેક લોકોનાં પરંપરાગત ગીતો અને વિવિધ પ્રકારના લયમાં રહેલાં છે. માયન સંસ્કૃતિની સૌથી વધુ અસર મેક્સિકન ચિત્રકલામાં જોવા મળે છે. સ્પેનિશ મેક્સિકોની રાષ્ટ્રભાષા તેમજ સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભાષા છે અને આમ છતાં સ્પેનિયાર્ડો આવ્યા તે પહેલાં આ પ્રદેશના મૂળ વતનીઓની લગભગ ૬૨ જુદી જુદી બોલીઓ પણ મેક્સિકોના લોકો બોલે છે. ધર્મની બાબતમાં મેક્સિકન લોકોનાં વિચારો અને વલણ ઘણાં મક્કમ છે. મોટા ભાગના લોકો રોમન કેથલિક ધર્મ પાળે છે. આમ છતાં તેઓ પોતાના માયન અને એઝટેકને ભૂલ્યા નથી અને તેથી તેમણે કેથોલિઝિયમમાં આ સંસ્કૃતિઓનાં પ્રાચીન દેવદેવીઓ અને ધાર્મિક વિધિઓનો સમાવેશ પણ કર્યો છે.

લોકોની ખાસિયતો

મેક્સિકન લોકોની વસ્ત્રોની ફેશનમાં પણ યુરોપિયન અને મૂળ સંસ્કૃતિના સંયોજનનો જુસ્સો જોવા મળે છે. મેક્સિકન લોકોની સ્વાભાવિક ખાસિયત છે તેમનો ઉત્સવપ્રેમ. દરેક રજાનો દિવસ, રાષ્ટ્રીય, ધાર્મિક કે સ્થાનિક તેની ઉજવણી ઠેકઠેકાણે મોટી સંખ્યાના લોકો દ્વારા આનંદ ઉલ્લાસપૂર્વક થાય છે. મેક્સિકન લોકો અને ભારતીય પ્રજા વચ્ચે આ એક સામ્ય છે. ક્રિસમસના નવ દિવસ પહેલાંનો ઉત્સવ ફિએસ્ટા દ થિન્કો દ જોયો આ બધા ઉત્સવોમાં સૌથી વધુ લોકપ્રિય છે. મેક્સિકન લોકો સંગીતના જબરદસ્ત રસિયા છે અને લગભગ દરેક મેક્સિકન કોઈ ને કોઈ વાજિંત્ર શીખતો હોય છે તેમ કહેવાય છે. સ્પેનની જેમ બુલફાઇટિંગ પણ મેક્સિકોની એક ખાસિયત છે. આખલા અને માણસ વચ્ચેની આ સ્પર્ધા પર ઘણા દેશોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં બુલફાઇટિંગ મેક્સિકોમાં અત્યંત લોકપ્રિય છે અને તેને જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટે છે. બુલફાઇટિંગના જેવી જ પરંતુ મનુષ્ય માટે અત્યંત ઓછી જોખમી એવી કોકફાઇટિંગ કૂકડા લડાવવાની રમત પણ મેક્સિકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

લગ્ન

મેક્સિકન લગ્નમાં એક પતિ-પત્નીની ‘ગોડપેરન્ટ્સ’ તરીકે પસંદગી કરવામાં આવે છે અને તેઓ નવદંપતીનાં લગ્નના પ્રાયોજક અને તેમને માટેના લાભકર્તા બને છે. નવદંપતીને ‘ગોડપેરન્ટ્સ’ એક બાઇબલ અને એક માળા (રોઝરી)ની ભેટ આપે છે. બીજી એક વિધિમાં લગ્ન કરાવનાર પાદરી વરને ૧૩ સોનાના સિક્કા આપે છે જે તે પછી કન્યાને ભેટમાં આપે છે.

વાનગીઓ

મેક્સિકન વાનગીઓ અને સામાન્ય જમણમાં સ્વાદ અને વાનગીઓમાં ખવડાવાતા પદાર્થોનું વિશાળ વૈવિધ્ય છે. સ્પેનિયાર્ડોના આગમન પહેલાં પ્રચલિત એવી અનેક વાનગીઓમાં સ્પેનિશ અને યુરોપિયન શૈલીની વાનગીઓનો ઉમેરો થતાં મેક્સિકોમાં માંસાહારી અને શાકાહારી બંને પ્રકારના ખોરાકમાં વિપુલ પ્રમાણમાં જાતજાતના મરી-મસાલા ઉપયોગમાં લેવાય છે. મેક્સિકન ફૂડ દુનિયાભરમાં પ્રચલિત છે અને ૨૦૧૦ના વર્ષમાં યુનેસ્કોએ મેક્સિકન ફૂડ’નો સમાવેશ વિશ્વના સાંસ્કૃતિક વારસામાં કર્યો હતો. મેક્સિકોમાં જુદા જુદા પ્રદેશમાં જુદાં જુદાં નામથી પ્રચલિત એવી વાનગીઓની સંખ્યા ખૂબ મોટી છે અને આમાંની ઘણી વાનગીઓ દુનિયાના મોટા ભાગના દેશોમાં ‘મેક્સિકન ફૂડ’ તરીકે પીરસાય છે, જેમાં અલામ્બ્રેસ, મેક્સિકન મિટબોલ્સ, આરોઝ કોન પોલો, બાર્બાકોઆ વગેરે નામની વાનગીઓનો સમાવેશ થાય છે.

smt2@rediffmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com