TOP 10 ROBBERY - રશ્મિન શાહ
કેન્ટ ફંડ ડેપોના મેનેજરનું ફેમિલી કબજામાં લઈને ચલાવી લૂંટ
છેલ્લા દશકાની સૌથી મોટી એવી આ ૭૮ મિલિયન યુરો (અંદાજિત ૯૨.૫ મિલિયન ડોલર)ની લૂંટમાં ચોરાયેલા યુરો પાછા મળ્યા નહીં હોવાથી એ બધી કરન્સી નોટના સિરિયલ નંબર યુરોપિયન દેશોએ રદ કરેલા
૨૨મી ફેબ્રુઆરી, ૨૦૦૬ના દિવસે થયેલી આ લૂંટ ઇંગ્લેન્ડની છેલ્લા દશકાની સૌથી મોટી લૂંટ તો છે જ પણ સાથોસાથ ઇંગ્લેન્ડમાં થયેલી છેલ્લાં સો વર્ષની લૂંટમાં પણ આ સૌથી મોટી લૂંટ છે કે જેમાં ફક્ત કેશ કરન્સી જ લૂંટવામાં આવી હોય. લૂંટનું પ્લાનિંગ જડબેસાલક હતું. આ પ્લાનિંગને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડના ડિટેક્ટિવ વોલ્ગા ડિકોને એક આખી નોવેલ લખી, જે નોવેલના રાઇટ્સ ફોક્સ પિક્ચર્સે ખરીદ્યા અને હવે એ નોવેલ પરથી જ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ૭૮ મિલિયન યુરો એટલે કે ૯૨.૫ મિલિયન ડોલરની આ લૂંટનું પ્લાનિંગ છેક સપ્ટેમ્બર, ૨૦૦૫થી ચાલી રહ્યું હતું.
તૈયાર થયો માસ્ટરપ્લાન
બ્રિટિશ પોલીસનું માનવું છે કે આ આખી લૂંટનો પ્લાન કાઝી મુસ્તાક, ડિનો કેપ્રિઆનો અને જ્યોર્જ વિલ્ટોફ નામના કોલેજિયનોએ બનાવ્યો હતો. આ પ્લાન બનાવવાની જવાબદારી અને ટીમના લીડ બનવાની તૈયારી કાઝી મુસ્તાકે દેખાડી હોય એવા પુરાવા પણ પોલીસને મળ્યા છે. છેલ્લી ત્રણ પેઢીથી બ્રિટનમાં સેટલ થયેલો કાઝી મુસ્તાક ઓક્સફર્ડ યુનિર્વિસટીમાં ભણ્યો હતો. ઓક્સફર્ડમાં જ કાઝી ડિનો અને જ્યોર્જને મળ્યો અને ત્યાં જ કેન્ટ ફંડ ડેપો લૂંટવાનો પ્લાન બનાવવામાં આવ્યો. લૂંટનો પ્લાન કેવી રીતે બન્યો એ પહેલાં આ કેન્ટ ડેપો શું છે એ જાણવું જરૂરી છે.
કેન્ટ ફંડ ડેપો એ બ્રિટિશ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ છે, જ્યાં બ્રિટિશ ગવર્નમેન્ટની કેશ પડી રહેતી હોય છે. આ જ ફંડ ડેપોમાંથી કેન્ટ રેન્જમાં આવતી બેન્કોને કેશ ડિલિવરી કરવામાં આવતી હોય છે. કાઝી મુસ્તાકને આ વાતની ખબર હતી અને એ જ કારણે તેણે બેન્ક લૂંટવાને બદલે ડેપો લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનમાં ડિનો અને જ્યોર્જ જોડાયા એટલે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું કે ડેપોના મેનેજરના ફેમિલી મેમ્બર્સને કબજે લઈને આ આખી લૂંટ કરવી. ફંડ ડેપોમાંથી કરન્સી બહાર લઈ જવાનો ઓર્ડર આપવાના પાવર ફક્ત મેનેજર પાસે હોવાથી મેનેજરને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું. મેનેજર કોલિન ડિક્સનના ઓર્ડર પરથી ફંડ બહાર આવતું હોવાથી એવું પણ નક્કી થયું કે જ્યાં સુધી બધી કરન્સી બહાર ન આવી જાય ત્યાં સુધી કોલિનને પણ કબજામાં રાખવો. લૂંટ કઈ રીતે થશે અને લૂંટ પછી કેવી રીતે રવાના થવામાં આવશે એ નક્કી કરવામાં અને સાથીઓને ટ્રેનિંગ આપવામાં ચાર મહિના નીકળી ગયા. ચાર મહિનાની ટ્રેનિંગ પછી ફાઇનલી લૂંટની તારીખ નક્કી કરી. ૨૧મી ફેબ્રુઆરીએ સાંજે એક્ઝેક્ટ સાડા છ વાગ્યે કાઝી અને ડિનો કેન્ટ ફંડ ડેપોની બહાર પહોંચી ગયા.
પ્લાનનો અમલ
ચોવીસ કલાક ચાલુ રહેતા કેન્ટ ફંડ ડેપોમાંથી કોલિન ડિક્સનની ડયુટી પૂરી થઈ એટલે કોલિન પોતાની કારમાં બહાર આવ્યો અને કારને સ્ટોકબરી એરિયાની દિશા આપી. હજુ તો કાર માંડ ચારેક માઈલ ચાલી હશે ત્યાં એક પોલીસ વેન કોલિનની કારની આડે આવીને ઊભી રહી ગઈ. વેનમાં બ્રિટિશ પોલીસમેનને જોઈને કોલિને કોઈ વિરોધ વિના કાર ઊભી રાખી દીધી. બ્રિટિશ પોલીસમેન પાસે ફંડ ટ્રાન્સફરનો ઓર્ડર હતો. કોલિને પોતાના સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું કે, “રાતે દોઢ વાગ્યે અમારે ૭૮ મિલિયન યુરો સ્ટેટ બેન્કની સાત બ્રાન્ચને આપવાના હતા, એ જ કેશ ભરવાનો ઓર્ડર એમની પાસે હતો. ફરક માત્ર એટલો હતો કે કેશ અમારે એક કલાક પહેલાં આપી દેવાની હતી. ઓબ્વિશયલી, મને કોઈ વાંધો નહોતો એટલે હું તેમની સાથે ફરીથી ફંડ ડેપો ગયો.”
પોલીસ બનીને જે આવ્યા હતા એ કાઝી અને ડિનો હતા. કાઝી અને ડિનોનું ફંડ ભરાવવું શરૂ થયું. એ દરમિયાન કોલિને પોતાના ઘરે ફોન કર્યો જ્યાં તેને ખબર પડી કે ઘરે એની વાઇફ અને એના સાડા ચાર વર્ષના દીકરા પાસે પોલીસ પહોંચી છે. જોકે આ પ્રોસિજર પણ કોલિન માટે કોઈ નવી નહોતી. ફંડ ડેપોની સિનિયર પોસ્ટ પર કામ કરતા ઓફિસરના ઘરે અવારનવાર આવું ચેકિંગ થતું રહેતું હોય છે એટલે કોલિને ઘરને બદલે પોતાના કામ પર ધ્યાન આપ્યું. હકીકત એ હતી કે કોલિનના ઘરે કાઝી અને ડિનોનો જ ત્રીજો સાથીદાર જ્યોર્જ અને આ જ ટીમના બીજા ગુંડાઓ પહોંચી ગયા હતા. પ્લાન મુજબ જો કોલિન કોઈ વિરોધ કરે તો એ બધાને મારી નાખવાનો આર્ડર પણ ઓલરેડી પહેલેથી આપી દેવામાં આવ્યો હતો. અલબત્ત, એવું કંઈ ન થયું અને કોલિન પહેલેથી આ બધાને સાચા પોલીસમેન માનીને કામે લાગી ગયો હતો.
ભાંડો ફૂટયો
લૂંટનો આખો ભાંડો ત્યારે ફૂટયો જ્યારે રાતના દોઢ વાગ્યે રિયલ પોલીસ ફંડ લેવા માટે આવી ગઈ, પણ મજાની વાત એ છે કે આવેલી એ રિયલ પોલીસ પણ પોતાના કામ માટે બિલકુલ બેજવાબદાર થઈને વર્તી હતી.
કેશ ફંડ લેવા માટે એકસાથે છ પોલીસકર્મીઓએ ફંડ ડેપોમાં આવવાનું એવો નિયમ છે, પણ ક્યારેય કોઈએ ફંડ ડેપોને લૂંટવાની હિંમત કરી નહીં હોવાથી પોલીસની માનસિકતા પણ ધીમે ધીમે કટાઈ ગઈ હતી અને એ જ કારણે ક્યારેય બધા પોલીસમેન એકસાથે અંદર આવતા નહોતા. એ રાતે પણ વેનમાંથી એક પોલીસમેન ફંડ ડેપોની ઓફિસમાં દાખલ થયો અને તેણે જોયું કે તેની પહેલાં ઓલરેડી પોલીસમેન પહોંચી ચૂક્યા છે. આ શું ચાલી રહ્યું છે એ સમજવામાં પોલીસમેનને સહેજ વાર લાગી. એવી જ વાર કોલિનને પણ લાગી. એ બંને હજુ કંઈ કહે એ પહેલાં તો કાઝી અને ડિનો બંને બહાર કોણ આવ્યું છે એ જોવા માટે રવાના થયા અને પછી એક્ઝિટ ગેટમાંથી કેશ ભરેલી વેન સાથે ભાગી ગયા.
દસ જ મિનિટમાં તપાસ શરૂ
વેન નીકળી ગઈ અને જતાં પહેલાં એક્ઝિટ ગેટ પર ગેટપાસ પણ જમા કરાવતી ગઈ એટલે એ વેનને ત્યાં રોકવામાં ન આવી. કોલિન અને પોલીસમેન હરકતમાં આવ્યા અને બંનેએ બીજા બધાને એલર્ટ કર્યા એટલે ફંડ ડેપોમાં રહેલા ચૌદ કર્મચારી, બહારથી આવેલા પાંચ પોલીસમેન અને એન્ટ્રી-એક્ઝિટ ગેટ પર બેસતા આઠ સિક્યુરિટી ગાર્ડે ભાગાભાગી કરી મૂકી, પણ ત્યાં સુધીમાં તો કાઝી અને ડિનો બંને હવામાં ઓગળી ગયા હતા. તાત્કાલિક પોલીસ ફરિયાદ થઈ અને વધુ પોલીસને કામે લગાડવામાં આવી. હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યા. સવા કલાક પછી કાઝી અને ડિનોની વેન કેન્ટ હાઈવેના એક ફાર્મહાઉસ પાસે રેઢી પડેલી મળી. સ્વાભાવિક રીતે વેન ખાલી હતી. આ ખાલી વેનમાંથી મળેલી ફિંગરપ્રિન્ટનો કોઈ રેકોર્ડ પોલીસ પાસે નહોતો. ઇન્ટરનેશનલ લેવલ પર આ ફિંગરપ્રિન્ટ સાવ નવી હતી. કોલિનની વાતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક એના ઘરે તપાસ કરવામાં આવી, ત્યાંથી પણ જ્યોર્જ અને બીજા બધા નીકળી ગયા હતા. કોલિન અને બીજા સ્ટાફમેમ્બર તથા કોલિનની વાઇફના નેરેશનના આધારે બધાના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા અને ઇંગ્લેન્ડ આખામાં લગાડવામાં આવ્યા. ચાર મહિના પછી કાઝી, જ્યોર્જ અને ડિનોની ઓળખ થઈ. આ ઓળખ પછી તેમનાં ઓરિજિનલ પિક્ચર્સ શોધવામાં આવ્યાં અને ઓફિશિયલ એ લોકોને વોન્ટેડ જાહેર કરાયા, પણ ઓગસ્ટ, ૨૦૦૬ના એક શનિવારે આ મુખ્ય ત્રણેય વોન્ટેડ શખ્સની ડેડબોડી ર્બિંમગહામના એક ગાર્ડનમાંથી મળી આવી હતી.
પોલીસને લૂંટના યુરો પાછા મળ્યા નહીં હોવાથી ૨૦૦૮માં એક સિંગલ ઠરાવ સાથે લૂંટાયેલી રકમના સિરિયલ નંબરને ચલણમાંથી રદ કરી એ કરન્સીને રદ કરી.
માસ્ટર માઇન્ડ કાઝી
કાઝી મુસ્તાક આ આખી લૂંટનો માસ્ટર માઇન્ડ હતો એવું પોલીસનું માનવું છે. કાઝીનો કોઈ ક્રાઇમ રેકર્ડ નથી, પણ બ્રિટિશ પોલીસ માને છે કે કાઝી લશ્કર-એ-તોયબા કે ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હશે અને એ સંસ્થાને આર્થિક સહાય મળી રહે એ માટે તેણે આ લૂંટ કરી હશે. બ્રિટિશ પોલીસ એ પણ માને છે કે લૂંટાયેલા યુરો પોતાના કબજામાં આવી ગયા પછી એ જ આતંકવાદી સંગઠને કાઝી, જ્યોર્જ અને ડિનોને મારી નાખ્યા હશે. બ્રિટિશ પોલીસે કાઝીના ફેમિલી મેમ્બરને શોધવાની બહુ કોશિશ કરી, પણ એ કોઈ ક્યારેય મળ્યા નહીં જ્યારે જ્યોર્જ અને ડિનોના ફેમિલી મેમ્બરને એ લોકોના આ કારસ્તાન વિશે ખબર નહોતી એ પુરવાર થઈ ચૂક્યું છે.
ફેક્ટસ એન્ડ ફિગર્સ
|
લૂંટની રકમ (મિલિયન યુરો)
|
૭૮
|
|
લૂંટમાં સામેલ લોકો(અંદાજે)
|
૯
|
|
લૂંટ બાદ થયેલી ધરપકડ
|
૦
|
|
તપાસની અવધિ (મહિના)
|
૮
|
|
કેટલા દેશોમાં તપાસ
|
૩
|
|
કેટલા શંકાસ્પદ પકડાયા
|
૧૦૪
|
|
વોન્ટેડના મૃતદેહો મળ્યા
|
૩
|
caketalk@gmail.com