Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 12:53:52 PM IST
 

“તમને... તમને કેવી રીતે ખબર?” (ચહેરા પાછળનો ચહેરો)

Mar 31, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 4062
Rate: 4.9
Rating:
Bookmark The Article

ચહેર પાછળનો ચહેરો - કાજલ ઓજા વૈધ  -પ્રકરણ ૧૧

વહી ગયેલી વાર્તા

એક જમાનાના સુપરસ્ટાર રઘુબીર કશ્યપનું મોત ભેદી સંજોગોમાં થયું હોય છે. અમદાવાદી યુવાન સિદ્ધાર્થ રઘુબીર પર પીએચડી કરવા મુંબઈ આવે છે, જ્યાં તેને સામિયા નામની કોલગર્લ મળે છે. સામિયા રઘુબીરના ખાસ દોસ્ત એવા કાસ્ટિંગ ડિરેક્ટર વિકી તનેજા પર દબાણ કરીને સિદ્ધાર્થને પ્રખ્યાત એક્ટ્રેસ બની ગયેલી રઘુબીરની દીકરી સુગંધા સાથે મુલાકાત ગોઠવી આપો. વિકીએ સુગંધાને સમજાવ્યું હોય છે કે સિદ્ધાર્થને હેલ્પ કર, એ બહાને કદાચ તને તારા ભાઈ સુશાંત પાસેથી રઘુબીરના બંગલાની ચાવી મળી જાય. ચાવીની જીદ કરતાં સુગંધા ચાવી તો મેળવે છે, સાથે તેને ખ્યાલ આવે છે કે તેની માતા માનસી અને ભાઈ સુશાંત કંઈક છુપાવી રહ્યાં છે. સુગંધાના ગયા પછી માનસી અને સુશાંત ચિંતામાં સરી જાય છે. સિદ્ધાર્થે પીએચડી સંદર્ભે ‘મુંબઈ ટાઇમ્સ’ના પત્રકાર અલકેશ યાજ્ઞિકનો સંપર્ક સાધ્યો હોય છે, જેણે મોરેશિયસ જઈને રઘુબીરના મોત અંગે સંવેદનશીલ માહિતી મેળવી હોય છે. અલકેશે સંવેદનશીલ વિગતો માનસીને આપી હોય છે, પણ પરિણામ ઊલટું આવેલું, તેણે પોતાના દીકરાને અપહરણકારોથી છોડાવવા માટે મુંબઈ છોડીને કાનપુર શિફ્ટ થવું પડયું છે. પ્રારંભિક ખચકાટ પછી અલકેશ સિદ્ધાર્થને રઘુબીર વિશે કેટલીક વિગતો આપે છે અને રહસ્યસ્ફોટ કરે છે કે બેનઝીરે રઘુબીરને છેતર્યો. બેનઝીર ખરેખર તો રઘુબીરની નહીં પણ કોઈ બીજાની ગર્લફ્રેન્ડ હતી. સુગંધા રઘુબીરના બંગલે જાય છે અને સિદ્ધાર્થને પણ ત્યાં જ બોલાવી લે છે. સિદ્ધાર્થનું વર્તન સુગંધાને ચોંકાવી દે છે.

સુશાંત પોતાના રૂમમાં જઈને ઉશ્કેરાયેલી હાલતમાં આંટા મારતો હતો. સુગંધાને એ ઘરમાં જતી સુશાંત કોઈ રીતે રોકી શકે એમ નહોતો. બીજી તરફથી એને ભય હતો કે સુગંધા કોઈક રીતે ભાળ મેળવીને જો રઘુબીર કશ્યપના સંતાડેલા રૂપિયા શોધી કાઢશે તો બન્ને ભાઈઓ સાથે વહેંચવા જેટલી સારાઈ એનામાં નહોતી એની સુશાંતને ખબર હતી...

ખાસ્સી વાર સુધી વિચાર્યા પછી એણે બંગલે ફોન લગાડયો, “સુંદરચાચા...”

હા બેટા.” હવે આ બંગલામાં ફક્ત સુશાંતના ફોન આવતા. કોઈ વાર સુંદરના ગામથી કોઈ ખબર પૂછવા ફોન કરતું. એ સિવાય રઘુબીર કશ્યપના આ નંબર ઉપર ભાગ્યે જ રિંગ વાગતી, “શું વાત છે?”

સુગંધા હમણાં ત્યાં આવશે.”
અરે વાહ! “

હરખપદુડા થવાની જરૂર નથી. મારી વાત સાંભળી લો. ડેડના પર્સનલ રૂમ કે સ્ટડીરૂમ ખોલવાની માગણી કરે તો એને કહી દેજો કે તમારી પાસે ચાવી નથી.

મગર...”
દલીલ નથી જોઈતી મારે. હું કહું એટલું કરો.”

અચ્છા બેટા.” સુંદરે ફોન મૂકી દીધો. એનું મગજ પણ વિચારે ચડી ગયું. આ બંગલામાં એવું શું હતું કે કોઈ શાંતિથી રહી શક્યું નહીં. રઘુબીર કશ્યપ અને માનસી કશ્યપ તો સુખથી ન જ જીવી શક્યાં, પરંતુ એમનાં સંતાનો પણ આ ઘરમાં રહેવા પામ્યાં નહીં. હવે સુશાંત આ ઘર પર સાપ થઈને બેઠો છે. બિચારી સુગંધા આજે કેટલા દિવસે બાપને ઘરે આવતી હતી. એને પ્રેમથી આવકારવાને બદલે પોતે જુઠ્ઠું બોલવું પડશે એ વિચારમાત્રથી સુંદરને અકળામણ થવા માંડી, પરંતુ એ સુશાંતને ઓળખતો હતો. સનકી અને વિચિત્ર મગજના સુશાંતને નારાજ કરવાને બદલે એણે સુશાંત જેમ કહે એમ કરવાનું મનોમન નક્કી કરી લીધું.

***

સિદ્ધાર્થના આવ્યા પછી સુંદર સુગંધા માટે કંઈક બનાવવાનો વિચાર કરતો હતો ત્યાં જ બંગલાના ગેટ પર હોર્ન વાગ્યો. એણે દોડીને દરવાજો ખોલ્યો.

સુગંધાએ દાખલ થઈને જોયું કે એના પિતા રઘુબીર કશ્યપ જે રીતે બેસતા એ જ રીતે બેસીને સિદ્ધાર્થ એમનું જ ગમતું ગીત ગણગણી રહ્યો હતો. બંગલાની લોનમાં સિમેન્ટ અને અનપોલિશ્ડ જેસલમેર પથ્થરોને મેળવીને બનાવાયેલી ગુફા જેવી નાનકડી બેઠકમાં એસી પણ હતું. અહીં મ્યુઝિક સિસ્ટમ હતી અને એક નાનકડો પ્રાઈવેટ બાર બનાવવામાં આવ્યો હતો. રઘુબીર કશ્યપની આ ફેવરિટ જગ્યા હતી. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં એને અહીં બેસવું બહુ ગમતું. ગુફાની છત ટફન્ડ ગ્લાસમાંથી બનાવવામાં આવી હતી એટલે વરસતો વરસાદ જાણે સીધો અંદર બેઠેલા માણસની ઉપર પડવાનો હોય એવું લાગતું... એસી ચાલુ કર્યા પછી ચોમાસાની મજા અહીં કંઈક અદ્ભુત જ હતી...

સિદ્ધાર્થ પગ લંબાવીને, આંખો મીંચીને ગણગણી રહ્યો હતો. સુગંધાએ ત્યાં પહોંચીને એનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો, “હેલો...” સિદ્ધાર્થની આંખો ખૂલી. સામે ઊભેલી સુગંધાને જોઈને એ ક્ષણવાર માટે ડઘાઈ ગયો. બ્લૂ ડેનિમની શોર્ટ્સ, પગમાં સ્લિપર, ગ્રે કલરના ઇનરની સાથે પિન્ક અને ગ્રે ચેક્સનું હાફ સ્લીવ શર્ટ પહેરીને સુગંધા ઊભી હતી. શર્ટનાં બટન ખુલ્લાં હતાં. એના શરીરના વળાંકો સાથે ચપોચપ ચીપકી ગયેલું ઇનર કોઈ પણ પુરુષની આંખોને બાંધી લેવા માટે સક્ષમ હતું. બ્લૂ ડેનિમના શોર્ટ્સમાંથી દેખાતા એના સીધા, લાંબા, તાજા વેક્સ કરેલા પગ કોઈ ચીકણા આરસપહાણમાંથી ઘડયા હોય એવા પરફેક્ટ હતા. એના ચહેરા પર બિલકુલ મેકઅપ નહોતો. કોરી ત્વચા અને કુદરતી રીતે જ ગુલાબી હોઠ એના ચહેરાને વિચિત્ર પ્રકારની નિર્દોષતા આપતા હતા. એ સ્ક્રીન કરતાં ઘણી નાની દેખાઈ રહી હતી.

હેલો... હેલો... હેલો...” સિદ્ધાર્થ ચોંકીને ઊભો થઈ ગયો. એના ઊભા થવાના ગભરાટમાં એનાથી સામે પડેલી ગ્લાસ ટોપની નાનકડી ટિપોઈને લાત વાગી ગઈ. ટિપોઈ પડી અને એનો ગ્લાસ તૂટી ગયો. સિદ્ધાર્થ ખરેખર ડરી ગયો. એને કલ્પના પણ નહોતી કે એ સુગંધાને આવી રીતે મળશે. એણે તો મનોમન કેટલાંય રિહર્સલ કરી રાખેલાં. એ કઈ રીતે બોલશે, શું કહેશે ને કઈ રીતે વર્તશે, એ વિશેની એની બધી કલ્પનાઓ ચકનાચૂર થઈ ગઈ. ઊલટાનો એ બાઘાની જેમ સુગંધા સામે ઊભો હતો.

ગ્લાસ તૂટયો એટલે એક ક્ષણ માટે સુગંધા પણ ડઘાઈ ગઈ. પછી એને હસવું આવી ગયું. સિદ્ધાર્થનો ચહેરો જોઈને એ ખાસ્સી વાર સુધી હસતી રહી... એને હસતી જોઈને સિદ્ધાર્થને પણ હસવું આવી ગયું. પછી સુગંધાએ ઇશારો કરીને એને નજીક બોલાવ્યો. બન્ને જણા બંગલામાં દાખલ થયાં. ત્રણ પગથિયાં ચડીને કાળા ગ્રેનાઈટની પોર્ચમાં બન્ને ઊભાં રહ્યાં ત્યારે સિદ્ધાર્થને યાદ આવ્યું કે ઇનસાઈડ-આઉટસાઈડ’ મેગેઝિનમાં એણે આ પોર્ચમાં ઊભા રહીને પોતાના ડોગ સાથે રમતા રઘુબીરના ફોટા જોયા હતા. કાળા ગ્રેનાઈટની પોર્ચમાં સફેદ અને કાળા ચોકઠાવાળા થાંભલા હતા. થાંભલા પર વિપિંગ વેલ લટકતી હતી. આગળ વધીને એક નાનકડો ફોર્મલ સીટિંગ એરિયા આવ્યો. કેનના સોફા મૂકેલો આ એરિયા સાવ બહારના કે અજાણ્યા માણસો માટે હતો. અહીં બેસવાથી કશું જ જોઈ શકાતું નહીં. મુખ્ય ઘરને ફ્રોસ્ટેડ કાચના સ્લાઈડિંગ ડોરથી આ રૂમ કરતાં અલગ કરી દેવાયું હતું. ગ્લાસનો દરવાજો ખોલીને સુગંધા ડ્રોઈંગરૂમમાં દાખલ થઈ કે એની આંખોમાં આંસુ આવી ગયાં. છ બાય ત્રણની સાઈઝના ત્રણ મોટા ઊભા ફોટોગ્રાફ્સ બિલકુલ સામેની દીવાલ પર લાગેલા હતા. રઘુબીર કશ્યપના આ ત્રણ ફોટોગ્રાફ્સ એક્ચ્યુઅલ લાઈફ સાઈઝ કરતાં મોટા હતા. જાણે હમણાં ફોટામાંથી બહાર નીકળીને રઘુબીર બોલવા લાગશે એવી ફીલિંગ એ ફોટા જોઈને સિદ્ધાર્થને થઈ. સુગંધાએ ફોટા પાસે જઈને એના કાચને મમતાથી હાથ લગાડયો. એની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં. અત્યાર સુધી એની પાછળ પાછળ ફરી રહેલા સુંદરે ધીમેથી એના ખભે હાથ મૂક્યો. સુગંધાએ આંખો લૂછી નાખી.

એણે ફરીને સિદ્ધાર્થ તરફ જોયું, “બેસો.” એણે ઈશારો કર્યો. બ્લેક કલરના ઇટાલિયન ર્ફિનશિંગના સોફા અને એની સાથે મુકાયેલા રિયલ ફરના સિંગલ સીટર્સ એકદમ ભવ્ય દેખાતા હતા. સિલ્વર પ્લેટેડ ટિપોઈ અને બે પગથિયાં ચડીને સહેજ ઉપર જતા બનાવવામાં આવેલો અખરોટના લાકડાનો બાર ઇટાલિયન માર્બલથી સજાવાયો હતો. સિદ્ધાર્થ મોઢું ફાડીને આ ઘરની ભવ્યતાને નિહાળી રહ્યો હતો. દરેક નાની નાની વસ્તુમાં રઘુબીર કશ્યપનો ટેસ્ટ દેખાતો હતો. પાંચ-પાંચ ફૂટના જાપાનીઝ વાઝની અંદર રિયલ બામ્બુ ઉગાડયા હતા, જે ડબલ એટ્રિયમની હાઈટની છતને કારણે બહુ જ ખૂબસૂરત દેખાતા હતા...

બ્યુટીફૂલ.” એનાથી કહેવાઈ ગયું.

મારા ડેડને સુંદર વસ્તુઓ બહુ ગમતી. એમને પરફેક્શન જોઈતું. નાનામાં નાની વસ્તુમાં એ ક્યારેય સમાધાન કરવામાં નહોતા માનતા. આ જાપાનીઝ વાઝ એ જમાનામાં અહીંયાં લાવવાનો ખર્ચ વાઝની કિંમત કરતાં વધારે થયો હતો.” સુગંધાએ ગૌરવથી કહ્યું.

આની સાથે એક સ્ટેચ્યુ હતું?” સિદ્ધાર્થે પૂછયું. સુગંધા અને સુંદર બન્નેએ ચોંકીને એની સામે જોયું. બન્નેના આશ્ચર્ય અને આઘાતથી બેખબર સિદ્ધાર્થ ટ્રાન્સમાં હોય એમ બોલી રહ્યો હતો, “સફેદ રંગની એ ગેઈશાનું સ્ટેચ્યુ બેડરૂમમાં મૂકવાનું હતું. એને માટે સ્ટેન્ડ પણ બનાવ્યું હતું, પણ સ્ટેચ્યુ તૂટી ગયું, નહીં?” એણે સુગંધાની સામે જોયું.

તમને... તમને કેવી રીતે ખબર?”
શાની?”

ગેઈશાના સ્ટેચ્યુની.” સુગંધાના હોઠ થથરતા હતા. એની આંખોમાં એક વિચિત્ર પ્રકારનો ડર ધસી આવ્યો હતો. સુંદર પણ આ છોકરાને જરા જુદી રીતે જોવા લાગ્યો, “એ સ્ટેચ્યુ વિશે તો...

કોને ખબર? ક્યાંક વાંચ્યું હશે... સિદ્ધાર્થ ફરીથી એટલી જ બેફિકરાઈથી ડ્રોઈંગરૂમમાં આસપાસ જોવા લાગ્યો.

એ અચાનક રઘુબીર કશ્યપના ફોટાની નજીક ગયો. ધ્યાનથી ફોટાને જોઈ રહ્યો હતો ત્યારે સુગંધાએ એની પાસે આવીને કહ્યું, “કેટલા ડેશિંગ લાગે છે નહીં, મારા ડેડ? આ ફોટોશૂટ...”

દુનિયાના સેટ પર કર્યું હતું, હેં ને?” સિદ્ધાર્થની નજર હજુ ફોટો પર જ હતી. એ ધ્યાનથી જેકેટને જોઈ રહ્યો હતો. ટેન કલરનું કાફ લેધરનું જેકેટ રઘુબીર કશ્યપને શોભી રહ્યું હતું. એક ખિસ્સામાં હાથ નાખીને બીજો હાથ પાછળની દીવાલ પર ટેકવીને રઘુબીર આરામથી ઊભો હતો. એના પહોળા ખભા, ચૌડી છાતી અને છાતીના વાળ પણ જેકેટમાંથી દેખાતા હતા, “આ જેકેટ ક્યાં છે?”

એમના વોર્ડરોબમાં જ હશે. એમનું...”

હજી વાક્ય પૂરું થાય એ પહેલાં સિદ્ધાર્થ વચ્ચે જ બોલ્યો, “આ જેકેટના અંદરના ખિસ્સામાં ત્રીસ હજાર ડોલર છે.

વ્હોટ?” સુગંધાની આંખો પહોળી થઈ ગઈ. સિદ્ધાર્થ ક્યાંક દૂર જોઈને બોલતો હોય એમ કહી રહ્યો હતો, “તમે શું બોલો છો?”

કોને ખબર? મને એવું લાગે છે કે આ જેકેટના ખિસ્સામાં ડોલર છે.

સુંદરચાચા, ડેડીના રૂમની ચાવી આપો.

બેબી, ચાવી તો સુશાંત...” સુંદર અચકાયો. કોઈ કંઈ સમજે તે પહેલાં સિદ્ધાર્થ બાર તરફ પહોંચી ગયો. બારના કાઉન્ટરની પાછળ રહેલું એક ડ્રોઅર ખોલીને એ ડ્રોઅરના એક ખૂણામાં રહેલું એક પાઉચ એણે બહાર કાઢયું. સુંદરની આંખો પહોળી થઈ ગઈ.

ઇસકો તો હમ ઢૂંઢ રહે થે.”

શું છે આ?” ઉપરાઉપરી બની રહેલી આ ઘટનાઓથી સુગંધા ડઘાઈ ગઈ હતી. એને કંઈ સમજાતું નહોતું. આ છોકરો કોણ હતો અને આ બધું કઈ રીતે જાણતો હતો એ સવાલ એને સમજાય એ પહેલાં તો સિદ્ધાર્થ એને આંચકા પર આંચકા આપી રહ્યો હતો.

અરે બીટિયા, ઇસમેં સારીં ડુપ્લિટેક ચાબિયાં હૈં. આ તો સાહેબ બહુ સંભાળીને રાખતા.

એનો અર્થ એમ થાય કે આમાં ડેડના વોર્ડરોબની અને રૂમની ચાવી પણ હશે.

હા... હોવી તો જોઈએ.” હવે સુંદર પાસે કોઈ બહાનું નહોતું.

ચલો, ખોલીને જોઈએ.” સુગંધા એ પાઉચમાંથી નીકળેલો મોટો ગુચ્છો લઈને સિલ્વરની બીડિંગ કરેલી લાકડાની સીડીઓ ચડવા લાગી. સિલ્વરની રેલિંગમાં કરેલી કોતરણી અદ્ભુત હતી. થોડો અચકાઈને સુંદર પણ એની પાછળ સીડી ચડવા લાગ્યો. સિદ્ધાર્થ હજી ત્યાં જ, ફોટાની સામે જ ઊભો હતો, “ચલો...” સુગંધાએ એને પણ કહ્યું.

જી...” સિદ્ધાર્થ લગભગ દોડતો સીડી ચડયો. સુગંધાએ આખો ઝૂડો ઊંચો કર્યો, “હવે આમાંથી બેડરૂમની ચાવી કઈ હશે?”

હમકા દિખાઓ.” સુંદરે ગુચ્છો હાથમાં લીધો, પણ એકસરખી દેખાતી બધી જ ચાવીઓમાંથી બેડરૂમની ચાવીનો નંબર શોધવો અઘરો હતો.

ઝીરો ડબલ વન.” સિદ્ધાર્થે કહ્યું, “ઝીરો ડબલ વન રૂમની ચાવી. ઝીરો વન ટુ વોર્ડરોબની. ઝીરો વન થ્રી વોર્ડરોબ ટુ અને ઝીરો વન ફોર ડ્રેસર...” સુગંધાનું મોઢું પહોળું થઈ ગયું. સુંદરની આંખો વિસ્ફારિત હતી.

સુગંધાએ ઝીરો ડબલ વન શોધીને લેચમાં નાખી, ઘુમાવી, હળવા કિચૂડાટ સાથે રઘુબીર કશ્યપનો અંગત શયનખંડ ઊઘડી ગયો. ત્યાં ઊભેલા સિદ્ધાર્થ સામે આશ્ચર્યચક્તિ નજરે જોઈ રહેલી સુગંધા અને પરસેવો લૂછતા સુંદરને ધકેલીને સિદ્ધાર્થ એ રૂમમાં એવી રીતે દાખલ થયો, જાણે આ પહેલાં અનેક વાર એ આટલી જ સ્વાભાવિકતાથી આ કમરામાં આવી ચૂક્યો હોય. (ક્રમશઃ)

kaajalozavaidya@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com