મૂવિ મસાલા - એ. ટી.
સફળતા માટે તો આગવું તેજ ને વ્યક્તિત્વ જોઈએ. ઘણી વાર તો સફળ વ્યક્તિનાં સંતાનોની સરખામણી તેમના વડીલો સાથે થાય છે અને સંતાનો ઊણાં ઊતરે છે. જોકે આમાં કોઈ નીતિનિયમો નથી હોતાં
વેપારીનો દીકરો વેપાર કરે, પ્રધાનનો દીકરો પ્રધાન થાય, કલાકારનાં સંતાનો કલાકાર થાય, પણ સફળતા માટે તો આગવું તેજ ને વ્યક્તિત્વ જોઈએ. ઘણી વાર તો સફળ વ્યક્તિનાં સંતાનોની સરખામણી તેમના વડીલો સાથે થાય છે અને સંતાનો ઊણાં ઊતરે છે. જોકે આમાં કોઈ નીતિનિયમો નથી હોતાં.
પૃથ્વીરાજ કપૂરનું પડછંદ વ્યક્તિત્વ અને ભવ્ય કારકિર્દી પછી તેમના એક નહીં, બે નહીં, પણ ત્રણેત્રણ પુત્રો ફિલ્મક્ષેત્રે પોતપોતાની રીતે સફળ થયા અને નામ કમાયા. રાજ કપૂરનો પુત્ર ઋષિ કપૂર રોમેન્ટિક હીરો તરીકે દર્શકોનો લાડીલો બની ગયો, પણ એ જ ઋષિ કપૂરનો નાનો ભાઈ રાજીવ કપૂર અચ્છા ડિલડોલ અને દેખાવ હોવા છતાં ન ચાલ્યો તે ન જ ચાલ્યો. શશી કપૂરના પુત્રો કુણાલ અને કરણને હીરો તરીકે મેદાનમાં છોડવામાં આવ્યા, પણ કંઈ વળ્યું નહીં. ફિલ્મસર્જક અને અભિનેતા તરીકે લોકપ્રિયતાનાં શિખરો સર કરનાર દેવ આનંદનો પુત્ર સુનીલ આનંદ પિતાની એક ટકો સફળતા પણ પામી ન શક્યો. સદાબહાર અભિનેતા અશોક કુમારનો પુત્ર અરૂપ કુમાર બહુ જલદી સમજી ગયો કે આ લાઇનમાં તેનું કામ નથી. સિલ્વર જ્યુબિલી કુમાર તરીકે જાણીતા થયેલા રાજેન્દ્ર કુમારનો પુત્ર કુમાર ગૌરવ પ્રારંભિક સફળતા પછી સાવ હવાઈ ગયો. ભારત તરીકે ખ્યાતિ મેળવનાર મનોજ કુમારે પુત્ર કુણાલને સફળ કરવા તેની સામે ટોચની હિરોઇનો ગોઠવી પણ કંઈ વળ્યું નહીં.
ગઈકાલ હોય કે આજ હોય, પ્રચારનાં પડઘમ વગાડવામાં આવે કે કરોડોનું રોકાણ કરવામાં આવે, સફળતા તો ચોક્કસ નસીબદારોનાં જ કદમ ચૂમે છે. શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સલમાન ખાન સામે ચમકીને પહેલી જ ફિલ્મમાં હિટ થઈ ગઈ, પણ તેનો પુત્ર લવ સિંહા પ્રથમ ફિલ્મમાં જ દેખાયો ન દેખાયો ત્યાં ખોવાઈ ગયો. સંવાદોના શહેનશાહ અને ભલભલા ટોચના કલાકરોને ધ્રુજાવનાર રાજ કુમારનો પુત્ર પુરુ રાજ કુમાર ન જ ચાલ્યો. આપબળે આગળ આવનાર અને શ્યામ ત્વચા ધરાવનાર મિથુન ચક્રવર્તી ડિસ્કો ડાન્સર બની ગયો, પણ પુત્ર મીમોને હીરો બનાવવા જતાં તેના પગે પાણી ઊતરી ગયાં.
‘રામરાજ્ય’ની સીતા શોભના સમર્થનો જમાનો હતો. તેની બન્ને પુત્રીઓ નૂતન અને તનૂજા પોતપોતાની રીતે સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓ તરીકે જાણીતી થઈ, પણ ત્રીજી પુત્રી ચતુરા ન ચાલી. તનૂજાની એક દીકરી કાજોલની અભિનેત્રી તરીકે બોલબોલા રહી, પણ બીજી દીકરી તનીષા ખોટો રૂપિયો જ પુરવાર થઈ. બંગાળી અભિનેત્રી સુચિત્રા સેન અભિનયની મહારાણી કહેવાતી, પણ તેની પુત્રી મુનમુન સેનના અભિનયમાં કોઈ ઠેકાણાં નહોતાં. રાજ કપૂરથી મનોજ કુમાર સુધીના હીરો સામે સફળ જોડી જમાવનાર અભિનેત્રી માલા સિંહાની પુત્રી પ્રતિભા સિંહા માલા સિંહાની નાની આવૃત્તિ જેવી લાગતી હોવા છતાં કંઈ ઉકાળી શકી નહીં.
જોય મુખરજીનો પુત્ર બોય મુખરજી, પ્રેમનાથનો પુત્ર પ્રેમકિશન, જયરાજનો પુત્ર દિલીપરાજ, અમજદ ખાનનો પુત્ર શાદાબ ખાન, નાસિર ખાન અને બેગમ પારાનો પુત્ર અયુબ ખાન, સંજય ખાનનો પુત્ર ઝાયદ ખાન વગેરે કોઈ ચાલ્યા નહીં. અનિલ ધવનનો ચોકલેટી પુત્ર પણ ન ચાલ્યો અને અજિતનો ભરાવદાર બોડી ધરાવનાર પુત્ર પણ ન ચાલ્યો. પ્રાણનો પુત્ર સુનીલ સિકંદ મનમોહન દેસાઈનો સહાયક રહ્યો, સ્વતંત્ર નિર્દેશક બન્યો પણ સફળ ન થયો. મદન પુરીનો પુત્ર રમનેશ પુરી પણ નિર્દેશક તરીકે સફળ ન થયો. જોની વોકરનો પુત્ર નસિર અભિનયના આડાઅવળા ચમકારા કરીને ગાયબ થઈ ગયો. કિશોર કુમારનો પુત્ર અમિત કુમાર અભિનેતા તરીકે ભલે ન ચાલ્યો પણ ગાયક તરીકે તેણે બહુ સરસ ગીતો ગાયાં અને છતાં એ પોતે જ ગાવાની ઓફરો ટાળે છે.
‘મોગલે-આઝમ’માં શિલ્પીની ભૂમિકા કરનાર અને પડદા ઉપર ‘અય મહોબ્બત ઝિંદાબાદ...’ ગાનાર અભિનેતા કુમારનો પુત્ર હૈદરઅલી અભિનય ક્ષેત્રે સફળ ન થયો, પણ ફિલ્મ ‘જોધા - અકબર’ લખીને તેણે અન્ય ક્ષેત્રે નામ રોશન કર્યું. સંગીતકાર નૌશાદના પુત્રને નિર્દેશક બનવું હતું, પણ તે ન ચાલ્યો. સુનીલ દત્તે અભિનય ઉપરાંત નિર્માણ, નિર્દેશન કર્યાં, પણ તેનો ભાઈ સોમદત્ત કંઈ ન કરીશક્યો. અંજના મુમતાઝ અને તબસ્સુમ જેવી અભિનેત્રીઓ પોતાના પુત્રને હીરો તરીકે સફળ નથી બનાવી શકી. અનુપમ ખેર અને કિરણ ખેરનો પુત્ર સિકંદર ખેર અભિનેતા તરીકે પગ નથી જમાવી શક્યો. ફિરોઝ ખાને બેંગલુરુથી આવીને સંઘર્ષ કર્યો અને માત્ર અભિનેતા જ નહીં, ફિલ્મસર્જક તરીકે નામના મેળવી ત્યારે તેનો પુત્ર ફરદીન ખાન સાધારણથી આગળની કક્ષામાં જાય તેવું લાગતું નથી.
અને છેલ્લે
કલા કે અભિનય ઉપર કોઈનો ઈજારો હોતો નથી. નસિરુદ્દીન શાહ, ઓમ પુરી, શાહરૂખ ખાન, અનુપમ ખેર, સતીશ કૌશિક, ધર્મેન્દ્ર, મનોજ કુમાર અરે, પાપા પૃથ્વીરાજ કપૂર પણ એક દિવસ બહારથી જ મુંબઈ શહેરમાં પોતાની પ્રતિભાના જોરે આવ્યા હતા અને આ કલાનગરીએ તેમને યોગ્ય વળતર આપ્યું. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટાર સામે ટ્વિંકલ તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર જ રહેવાની!
atshah13@gmail.com