Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 06:17:07 PM IST
 

એક અધૂરી કથા (કેલિડોસ્કોપ)

Mar 31, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 3827
Rate: 2.8
Rating:
Bookmark The Article

કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ

પેલી સ્ત્રી એકદમ અસ્વસ્થતાથી બોલી, “વાતો કરવાની મજા આવી, નહીં? ચાલો, આપણે બંધ કરીએ, ગુડ નાઈટ.એ પછીનો મિલ્નેનો દિવસ આનંદમાં વીત્યો. આખો દિવસ એના કાનમાં પેલી સ્ત્રીના શબ્દો ગુંજતા રહ્યા.

ગયા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર જેમ્સ મિલ્ને નામના સૈનિક અફસરે પોતાના જીવનના એક રોમાંચક અને હૃદયસ્પર્શી પ્રસંગની વાત લખી છે. લંડન ઉપર થયેલ બોમ્બમારામાં ઘવાઈને હોસ્પિટલમાં દાખલ થયેલ મિલ્નેએ ૧૯૪૧ના સપ્ટેમ્બર મહિનામાં જ્યારે હોસ્પિટલ છોડી ત્યારે પણ તે શારીરિક અને માનસિક રીતે પૂરો સ્વસ્થ નહોતો. માનસિક રીતે તો તે તદ્દન અસ્વસ્થ હતો. એ વખતે એની જિંદગીમાં એક અદ્ભુત બનાવ બન્યો.

એક રાત્રે મિલ્નેએ પોતાના મિત્રને ફોન જોડવા પ્રયત્ન કર્યો. મોડી રાતનો સમય હતો. પોતાના મનનો ભાર હળવો કરવા મિત્ર સાથે સુખ-દુઃખની બે વાત કરવાની તેને ઇચ્છા હતી, પરંતુ અચાનક એ વખતે એને એક નવા જ મિત્રનો, હમદર્દનો ભેટો થઈ ગયો. મિલ્ને મિત્રને ફોન જોડતો હતો ત્યારે અકસ્માતે બીજા કોઈ સાથે એનો ફોન જોડાઈ ગયો. સામેથી કોઈક ફોન ઓપરેટરને કહી રહ્યું હતું, “મારો નંબર ગ્રાસવેનર ૮૮૨૯ છે. મારે હેમ્પસ્ટીડનો નંબર જોઈએ છે. એના બદલે મને ચેલ્સીનો નંબર મળે છે. સામે કોઈ છે એની મને દયા આવે છે. આટલી મોડી રાત્રે મારા જેવી અજાણી વ્યક્તિ સાથે વાત કરીને કોઈ પોતાનો સમય શા માટે બગાડે?”

કોઈક સ્ત્રી બોલી રહી હતી. મિલ્નેએ તરત જ કહ્યું, “હું વાત કરવા તૈયાર છું. એથી મારો સમય બગડવાનો નથી.

પેલી સ્ત્રી હસી પડી. મિલ્નેએ જોયું કે તે ફોનની ગરબડ ઉપર નારાજ થવાને બદલે હસી રહી હતી. બે-ચાર વધારે શબ્દોની આપ-લે કરીને બન્નેએ પોતાની વાત પૂરી કરી. ફોન મૂક્યા પછી મિલ્નેને કોઈક એવી લાગણી થઈ આવી કે પોતાની જાતને રોકી શક્યો નહીં. ફરીથી એણે પેલી સ્ત્રીને ફોન કર્યો. એ હજી ફોન પાસે જ હતી. પૂરી વીસ મિનિટ બન્ને વચ્ચે વાતચીત થઈ.

મિલ્નેએ પૂછયું, “આટલી મોડી રાત્રે તમે કોને ફોન કરતાં હતાં?”

મારી મા વૃદ્ધ છે. તેને અનિદ્રાનો રોગ છે. ઘણી વાર મોડી રાત્રે હું તેની સાથે ફોન પર વાત કરું છું.

વાત પૂરી થઈ ત્યારે મિલ્નેએ કહ્યું, “વર્ષોથી આવી મીઠી વાતો મેં કોઈ સાથે કરી નથી.” પેલી સ્ત્રી એકદમ અસ્વસ્થતાથી બોલી, “વાતો કરવાની મજા આવી, નહીં? ચાલો, આપણે બંધ કરીએ, ગુડ નાઈટ.” એ પછીનો મિલ્નેનો દિવસ આનંદમાં વીત્યો. આખો દિવસ એના કાનમાં પેલી સ્ત્રીના શબ્દો ગુંજતા રહ્યા. એનો અવાજ સ્પષ્ટ અને વિશિષ્ટ હતો. મધુર અને સંગીતમય હતો. એમાં અલિપ્તતા અને આકર્ષણનું અજબ મિશ્રણ હતું. સાંજ પડી રાત પસાર થવા લાગી. મિલ્નેનું મન મધરાતની રાહ જોવા લાગ્યું. વારંવાર તેને ગ્રાસનવેર ૮૮૨૯ નંબર યાદ આવવા લાગ્યો. આખરે તેની ધીરજ ખૂટી. ફોન નજીક ખેંચીને તેણે નંબર જોડયો. થોડી વાર પછી સામેથી રણકતો અવાજ સંભળાયો, “હલ્લો!”

હું છું” મિલ્નેએ કહ્યું, “તમને આ રીતે કંટાળો આપીને હેરાન કરવા બદલ દિલગીર છું. પણ જો તમને ખાસ વાંધો ન હોય તો... ગઈ રાતની વાત આપણે આગળ ચલાવીએ.

પેલી સ્ત્રીએ ના કે હા કશું જ કહ્યા વિના, ગઈ રાત્રે બાકી રહી ગયેલી બાલ્ઝાકની નવલકથા ‘કઝીન બેટ્ટી’ વિશેની વાતચીત આગળ ચલાવી. થોડી મિનિટોમાં તો બન્ને જણાં જાણે વર્ષોનાં પરિચિત બની ગયાં. પૂરી પોણીકલાક વાતચીત ચાલી. આખરે મિલ્નેએ સૂચન કર્યું, “આપણે એકબીજાનાં નામ પણ જાણતાં નથી. થોડું જાણી લઈએ તો કેમ?” પણ પેલી સ્ત્રીએ સ્પષ્ટ ના પાડી. એણે માત્ર મિલ્નેનો ફોન નંબર લખી લીધો. પછીના દિવસોમાં બન્ને વચ્ચેની મૈત્રી વધુ ને વધુ ગાઢ

બનતી ગઈ. ટેલીફોન પરની વાતચીત દ્વારા મિલ્નેએ જાણ્યું કે એ સ્ત્રી માત્ર સત્તર વર્ષની ઉંમરે એક કજિયાખોર માણસ સાથે પરણી હતી અને પછી તેનાથી જુદી થઈને રહેતી હતી. તેનો એકનો એક દીકરો અઢાર વર્ષની વયે લડાઈમાં જોડાયો હતો અને વિમાન હોનારતમાં મૃત્યુ પામ્યો હતો. અત્યારે તે છત્રીસ વર્ષની હતી. દીકરા વિશે જ્યારે જ્યારે તે વાત કરતી ત્યારે ભાવવિભોર બની જતી. હજી પણ એ જીવંત હોય એવી રીતે જ વાત કરતી. ગમે તેવી કમનસીબી વચ્ચે પણ પૂરી સ્વસ્થતાથી જીવતી એ સ્ત્રીના આંતરિક સૌંદર્યની ક્યારેય ન ભૂંસી શકાય એવી છબિ મિલ્નેના મન ઉપર અંકાઈ ગઈ. એક વાર મિલ્નેએ કહ્યું, “દિવસભર હું તમારી સુંદર છબિ નજર સામે નિહાળતો રહું છું.”

તરત જ એ હસી પડી, “કેમ જાણ્યું કે હું સુંદર છું?”

મિલ્ને પાસે એનો જવાબ નહોતો.

આમ બે તદ્દન અજાણ્યા માણસો વચ્ચે તદ્દન વિચિત્ર રીતે પ્રેમની ઊંડી લાગણી પાંગરી રહી હતી. જુદા જુદા અનેક વિષયો ઉપર બન્ને ચર્ચા કરતાં. લડાઈ વિશે વાતો કરતાં. પુસ્તકો વિશે ચર્ચા થઈ શકે એટલા માટે બન્ને જણાં એક જ પુસ્તક મેળવીને વાંચતાં. સમય જતાં એમણે જાણ્યું કે, બન્ને જણાં ‘લંડન લાઇબ્રેરી’નાં સભ્ય હતાં, પરંતુ એ સાથે જ બન્ને જણાં એ વાત ઉપર સંમત થયાં કે લાઇબ્રેરીમાંથી કોઈએ એકબીજાનાં નામ જાણવાનો પ્રયત્ન કરવો નહીં.

મિલ્નેએ એક વાર બહુ આગ્રહ કર્યો ત્યારે લડાઈ પૂરી થયા પછી પોતાનું નામ કહેવા માટે એ સ્ત્રી સંમત થઈ.

જોકે, એટલાથી પણ મિલ્નેને અપાર આનંદ થયો. ફોન દ્વારા વ્યક્ત થતો પ્રેમ પણ ઓછો આહ્લાદક નહોતો.

બન્ને જણાં લંડનમાં હોય ત્યારે કોઈ રાત વાતચીત વિના પસાર થતી નહીં. જો બહારગામ જવાનું થાય તો ગમે તેટલું મોડું થયું હોય તો પણ ઘરે આવીને પહેલું કામ એ લોકો ફોન જોડવાનું જ કરતાં. એકબીજાંને ફોન પર મળવાનું ન થાય તો તેમને ઊંઘ આવતી નહીં.

ક્યારેક મિલ્ને અકળાઈ જતો. આ રીતે ક્યાં સુધી રાહ જોવાની? વિરહની આ પળોનો અંત ક્યારે?

અત્યારે જ હું ટેક્સી કરીને ત્યાં આવું છું.” મિલ્ને ઉત્તેજિત થઈને કહેતો.

ના.” પેલી ભાર દઈને કહેતી, “એવું ન કરશો. મને ડર લાગે છે કે જો આપણે મળીએ અને મળ્યા પછી કદાચ આપણને એમ લાગે કે આપણે એકબીજાંને ચાહતાં નથી તો... હું જીવી જ નહીં શકું.

કોઈ વાર રાત્રે લંડન ઉપર બોમ્બમારો થાય તો એની ખબર પડતાં જ મિલ્ને ફોન જોડતો. તરત જ એ હસી પડતી. અહીં તો કશું જ નથી.”

પરંતુ, ચેલ્સી ઉપર બોમ્બમારો થયાના ખબર પડે કે તરત જ એ પોતે મિલ્નેને ફોન જોડતી.

પૂરા બાર મહિના આ પ્રેમસંબંધ ચાલ્યો. માણસ ભાગ્યે જ અનુભવી શકે તેવી, આવેગો અને અશુદ્ધિઓથી મુક્ત, વિશુદ્ધ પ્રેમની લાગણીનો મિલ્નેએ એ દિવસોમાં અનુભવ કર્યો. અને એક દિવસ નસીબ પલટાયું. ગામડામાં ગયેલા મિલ્નેએ મોડી રાતે લંડન પાછા આવીને ફોન જોડયો, પરંતુ સામે કોઈએ ઉપાડયો નહીં. કદાચ એ બગડી ગયો હશે. મિલ્ને અકળાઈ ગયો.

બીજો દિવસ તો માંડ માંડ વીત્યો. રાત સિવાય ફોન જોડવાની છૂટ નહોતી. રાત પડતાં જ ફરીથી મિલ્નેએ ફોન જોડયો. પણ એ જ વિચિત્ર અવાજ. ફોન ચોક્કસ બગડી ગયો હતો અથવા તો કપાઈ ગયો હતો.

મિલ્નેએ ફોન ‘ઇન્ક્વાયરી’માં પૂછપરછ કરી. ગ્રાસવેનર ૮૮૨૯ નંબરનું નામ અને એડ્રેસ જાણવા પ્રયત્ન કર્યો, પરંતુ ટેલિફોનવાળો એ કહેવા તૈયાર નહોતો. પોતાના કજિયાખોર પતિથી છુપાઈ રહેવા માટે એ કોઈને નહીં કહેવાની કડક સૂચના ગ્રાહકે આપી હતી. મિલ્ને હતાશ થઈ ગયો.

વારંવાર એ ‘ઈન્ક્વાયરી’ને પૂછતો જ રહ્યો. જેનું નામ આપવા પણ પોતે અશક્ત હતો એવી વ્યક્તિનું એડ્રેસ જાણવાની એની વિનંતીથી ફોનવાળાને નવાઈ લાગતી હતી. આખરે એક સ્ત્રી ઓપરેટરે એની કાકલૂદી સાંભળી. એનું મન પીગળ્યું. એણે કહ્યું, “અમારો કાયદો મના કરે છે, છતાં તમને એ ગ્રાહકનું નામ-સરનામું આપવા હું તૈયાર છું, કારણ કે એમ કરવામાં હવે કોઈ વાંધો નથી. હકીકત એવી છે કે તમે જેનું સરનામું જાણવા માગો છો એ મકાન ઉપર ત્રણ દિવસ પહેલાં ભારે બોમ્બમારો થયો હતો. એમાં એનો સદંતર નાશ થઈ ગયો છે. હવે નામ-સરનામું આપવામાં કાયદાનો કોઈ ભંગ થતો નથી.

ના આપશો” મિલ્નેએ કહ્યું, “હવે મને એ નામ ન આપશો. તમારો ખૂબ ખૂબ આભાર.”

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com