Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:52:58 PM IST
 

આવતાં ૧૦ વર્ષમાં બીજી પૃથ્વી? : કેપ્લર મિશન (રેડ રોઝ)

Mar 31, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 7110
Rate: 3.3
Rating:
Bookmark The Article

સન્ડે સ્પેશિયલ - દેવેન્દ્ર પટેલ

માર્ચ ૨૦૧૧માં નાસાના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે ૧.૪થી ૨.૭ ટકા તારાઓ એવા છે, જે પૃથ્વી જેવા ગ્રહો ધરાવે છે અને તે પણ વસવાટલાયક ઝોનમાં. એનો અર્થ એ થયો કે આપણી આકાશગંગામાં જ બીજી પૃથ્વી મળી આવવાની શક્યતાઓ છે. બસ, વસવાટલાયક બીજી પૃથ્વી માટે બીજાં ૧૦ વર્ષ ઈન્તઝાર કરો

સદીઓથી પૃથ્વીવાસીઓને બે જિજ્ઞાસાઓ રહી છે. એક તો બીજા ગ્રહ પર કોઈ પરગ્રહવાસીઓ રહે છે કે કેમ? અને પૃથ્વી જેવો વસવાટ કરી શકાય તેવો બીજો કોઈ ગ્રહ છે કે કેમ? એલિયન્સની તો ખબર નથી. પરંતુ ‘અર્થ-૨’ એટલે કે પૃથ્વી જેવા વસવાટને લાયક બીજો ગ્રહ છે કે કેમ તે ખોજનો અંત આગામી ૧૦ વર્ષમાં આવી જશે. આવો ગ્રહ સૂર્ય પરિવારની પાડોશમાં ક્યાંક હોવાની શક્યતાની નજીક વિજ્ઞાનીઓ પહોંચી ગયા છે.

કેપ્લર મિશન

પૃથ્વી જેવા જ વસવાટને લાયક ગ્રહની શોધ નાસાનું કેપ્લર નામનું અંતરીક્ષ યાન ચલાવી રહ્યું છે. નાસાના વિજ્ઞાનીઓ કેપ્લર અંતરીક્ષ યાન દ્વારા મોકલવામાં આવતી માહિતીના આધારે બીજા કોઈ તારાની ભ્રમણકક્ષામાં પૃથ્વી જેવું વાતાવરણ ધરાવતા અન્ય કોઈ ગ્રહની તપાસ કરી રહ્યા છે. કેપ્લર મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં ૨૩૨૬ જેટલા ગ્રહો શોધ્યા છે. તેમાંથી ૧૨૩૫ પ્લેનેટર્સને ઓળખી શકાયા છે. તેમાંથી ૫૪ જેટલા બહારી ગ્રહો પર પાણી અને જીવન હોવાની શક્યતા છે એમ વિજ્ઞાનીઓ માની રહ્યા છે. કેપ્લર સ્પેસ ક્રાફટે શોધેલા ગ્રહો પૈકી ૨૦૭ ગ્રહો પૃથ્વી જેવડા છે. ૬૮૦ ગ્રહો પૃથ્વી કરતાં મોટા છે. ૧૧૮૧ ગ્રહો નેપ્ચૂનની સાઈઝના છે. ૫૫ ગ્રહો જ્યુપિટરથી મોટા છે. કેપ્લરે તાજેતરમાં જ પૃથ્વી જેવો એક ગ્રહ શોધ્યો છે જે જીજે-૬૬૭૬૦ તરીકે ઓળખાય છે અને પૃથ્વીવાસીઓ નજીકના ભવિષ્યમાં તેની મુલાકાત લેશે તેવી ધારણા છે. આ ગ્રહનો ભ્રમણ સમય ૨૮ દિવસનો છે તે પૃથ્વી કરતાં ૪.૫ ગણો મોટો છે. આ ગ્રહ નથી તો વધુ ઉષ્ણ કે નથી તો વધુ ઠંડો. પ્રવાહી સ્વરૂપે તેની પર પાણી હોવાની શક્યતા છે.

કેપ્લર કોણ હતા?

નાસાના જે અંતરીક્ષ યાનને કેપ્લર નામ આપવામાં આવ્યું છે તે જોહાનેસ કેપ્લર એક જર્મન ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ તા. ૨૭મી ડિસેમ્બર, ૧૫૭૧ના રોજ જર્મનીમાં વિલ ડર સ્ટેડ ખાતે થયો હતો. તેઓ બચપણથી જ બીમાર રહેતા હતા અને તેમનાં માતા-પિતા અત્યંત ગરીબ હતાં, પરંતુ બાળક બુદ્ધિશાળી હોઈ તેમને યુનિર્વિસટી ઓફ તિબીન્જન તરફથી સ્કોલરશિપ પ્રાપ્ત થઈ હતી. કોપરનિક્સના વિચારોથી તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે પહેલી જ વાર કોર્પિનકમ સિસ્ટમનો બચાવ કરતો લેખ લખવાની હિંમત કરી હતી. લ્યુથરન ચર્ચના વિચારોથી તેઓ વિરોધી વૈજ્ઞાનિક વાત કહી રહ્યા હતા. એ વખતે જર્મનીમાં હોલી રોમન સામ્રાજ્ય હતું. લ્યુથરન ચર્ચે તેમને અવગત કરી દીધા બાદ તેમણે કેથલિક બનવાનો પણ ઈન્કાર કરી દેતાં તેઓ આ બન્ને સમુદાયોથી અળગા થઈ ગયા હતા. કેપ્લરને શિક્ષકનું પદ ગુમાવવું પડયું હતું. તે પછી તેઓ ડેનીશ ખગોળશાસ્ત્રી ટાયકો બ્રાહ સાથે કામ કરવા પ્રાગ જતા રહ્યા હતા. ટાયકોના મૃત્યુ બાદ તેઓ રોયલ મેથેમેટિશિયન બન્યા હતા. ટાયકોએ એકત્ર કરેલી માહિતીના આધારે પોતાનાં સંશોધનો આગળ વધાર્યાં હતાં અને મંગળની ભ્રમણકક્ષા લંબગોળ હોવાનું શોધી કાઢયું હતું. ૧૬૦૯ની સાલમાં ‘એસ્ટ્રોનોમિયા નોવા’ નામનો મહાનિબંધ લખી તેમણે આ સંશોધન જાહેર કર્યું હતું. ૧૬૧૨ની સાલમાં લ્યુથરન્સને પ્રાગની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ હુકમના ભોગ કેપ્લર પણ બન્યા હતા. તેથી કેપ્લર લીંઝ ચાલ્યા ગયા હતા. તેમને સતત આર્થિક તંગી રહેતી. તેમની બે નાનકડી દીકરીઓ બચપણમાં જ મૃત્યુ પામતાં ફરી તેઓ જર્મનીમાં તેમના મૂળ વતન ખાતે પાછા ફર્યા હતા. લોકોએ તેમની માતા ડાકણ હોવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ કેપ્લરે સફળતાપૂર્વક માતા પરના એ આરોપનો બચાવ કર્યો હતો. ૧૬૧૯માં તેમણે ‘હાર્મોનિક્સ મંડી’ પ્રગટ કર્યું જે તેમના ‘થર્ડ લો’ તરીકે જાણીતું છે. ગ્રહોની સ્થિતિ જાણવા માટે તેમણે લોગરિધમની ગણતરી પદ્ધતિનો ઉપયોગ વિકસાવ્યો. ૧૬૩૦માં તેમનું મૃત્યુ થયું. ૩૦ વર્ષના યુદ્ધ દરમિયાન તેમના મૃત્યુનાં બે વર્ષ બાદ જ તેમની કબર ખોદી કાઢવામાં આવી હતી.

કેપ્લર સ્પેસક્રાફ્ટ

કેપ્લર અંતરીક્ષ યાન એ અમેરિકન સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. અંતરીક્ષમાં રહેલા અબજો તારાઓની ભ્રમણકક્ષામાં પૃથ્વી જેવો કોઈ ગ્રહ છે કે કેમ તેની ખોજ માટે આ યાન તા. ૭મી માર્ચ, ૨૦૦૯ના રોજ ફલોરિડાના કેપ કેનેરવલ એરફોર્સ સ્ટેશનથી ડેલ્ટા-૨ રોકેટ દ્વારા અંતરીક્ષમાં છોડવામાં આવ્યું હતું. આ અંતરીક્ષ યાન બોલ એરોસ્પેસ એન્ડ ટેક્નોલોજીસ કોર્પોરેશને નાસાની જેટ પ્રોપલઝન લેબોરેટરી માટે તૈયાર કર્યું હતું. તેની કામ કરવાની આવરદા સાડા ત્રણ વર્ષની છે. આ અંતરીક્ષ યાનનું કુલ વજન ૧૦૩૯ કિલોગ્રામ છે.

કેપ્લર અંતરીક્ષ યાન સાથે શક્તિશાળી ટેલિસ્કોપ લગાડેલો છે. તે જે કાંઈ ડેટા મેળવે છે તે પૃથ્વી પર મોકલી આપે છે. તેના કેમેરા અત્યાર સુધીમાં પૃથ્વીની બહારના વાતાવરણમાં મોકલવામાં આવેલા તમામ કેમેરા કરતાં સહુથી મોટા છે. તેનું કુલ રિઝોલ્યુશન ૯૫ મેગા પિકસલનું છે. આખાયે કેપ્લર મિશન માટે કુલ ખર્ચ ૬૦૦ મિલિયન ડોલર થવા સંભવ છે. આમ તો કેપ્લર અંતરીક્ષ યાનને ૨૦૦૬ની સાલમાં અંતરીક્ષમાં મોકલવાનું હતું, પરંતુ બજેટમાં કાપ આવતાં તેમાં વિલંબ થયો હતો.

વારંવાર નાણાકીય કાપ આવતાં તેના હાઈગેઈન એન્ટેનાને બદલીને ખર્ચ ઓછું થાય તે પ્રમાણે તેની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

તા. ૭મી માર્ચ, ૨૦૦૯ના રોજ ડેલ્ટા-૨ રોકેટ દ્વારા અંતરીક્ષમાં મોકલવામાં આવેલા કેપ્લર અંતરીક્ષ યાનનો ટેલિસ્કોપ બીજા દિવસે જ ખોલી નાંખવામાં આવ્યો હતો અને તે જ કારણથી તેણે લાઈટ ઈમેજીસ મોકલવાની શરૂઆત કરી હતી. તા. ૧૨મી માર્ચથી આ અંતરીક્ષ યાને પોતાનું કામ શરૂ કરી દીધું હતું. તા. ૧૯મી જૂન, ૨૦૦૯ના રોજ એણે પોતાનો પ્રથમ સાયન્ટિફિક ડેટા પૃથ્વીને મોકલી આપ્યો હતો. તા. ૨૨-૨૩ નવેમ્બર, ૨૦૧૦ સુધીમાં કેપ્લર અંતરીક્ષ યાને નાસાના ભૂમિમથકને પ્રતિમાસ ૯૦-૧૦૦ ગિગાબાઈટસ જેટલો સાયન્ટિફિક ડેટા મોકલી રહ્યો છે. કેપ્લરનું કામ નવા ગ્રહો શોધવાનું છે અને તેના કોઈ ફોલ્સ ઇમેજ આવે તો તે જ નક્કી કરી નાંખે છે કે તેણે ઝડપેલી ઇમેજ સાચી છે કે ખોટી? આને ફોટોમેટ્રિક્સ પરર્ફોર્મન્સ કહે છે.

નાસાના વિજ્ઞાનીઓ કહે છે કે કેપ્લર અંતરીક્ષ યાન અત્યારે બરાબર કામ કરી રહ્યું છે. આ અંતરીક્ષ યાનની આયુ મર્યાદા સાડા ત્રણ વર્ષ સુધી કામ કરે તે મુજબની છે, પરંતુ તે બહારના પૃથ્વી જેવા ઉપગ્રહો શોધવા માટે કુલ ૭થી ૮ વર્ષની જરૂર છે. કેપ્લર સ્પેસક્રાફટ પાસે બળતણ પૂરતું છે, પરંતુ અમેરિકા પાસે નાણાં નથી.

કેપ્લર સ્પેસ યાન હેલિયોસેન્ટ્રિક ભ્રમણકક્ષામાં છે અને તે સતત તેનું નિરીક્ષણ ચાલુ રાખે છે. પૃથ્વીનો કોઈ પણ પ્રકાશ કે ઇમેજ તેને અવરોધરૂપ ન બને તે રીતે તેને ગોઠવવામાં આવ્યું છે. તેના ફોટોમીટર પર પણ સૂર્યપ્રકાશ ન પડે તે રીતે તેને ગોઠવવામાં આવ્યું છે.

કેપ્લરનું સંચાલન

કેપ્લરનું સંચાલન કોલોરાડો ખાતે આવેલી લેબોરેટરી ફોર એટમોસ્ફેરિક એન્ડ સ્પેસ ફિઝિક્સ દ્વારા થાય છે. કેપ્લરની સૂર્ય પેનલ સૂરજ સામે રહે તે રીતે ગોઠવવામાં આવેલી છે. જે યાનનાં રેડિયેટર્સ ગરમ રાખે છે. મિશન ઓપરેશન સેન્ટર યુનિર્વિસટી ઓફ કોલોરાડોના રિસર્ચ કેમ્પસમાં આવેલું છે. નાસા એક્સ બેન્ડ કોમ્યુનિકેશન લિંક દ્વારા આ અંતરીક્ષ યાનનો અઠવાડિયામાં બે વાર સંપર્ક કરી તેના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી લે છે. જે કોઈ વૈજ્ઞાનિક ડેટા પૃથ્વી પર આવે છે તેને પ્રોસેસ કરવા બાલ્ટીમોર ખાતે આવેલી જોહનસ હોપકીન્સ યુનિર્વિસટીમાં ઊભી કરાયેલી સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઈન્સ્ટિટયૂટને મોકલવામાં આવે છે. અહીં આવતી માહિતી ડીકોડ કરવામાં આવે છે. તે વિગતો ફરી નાસાને મોકલી આપવામાં આવે છે. આ બધું અત્યંત જટિલ છે.

કેપ્લર અંતરીક્ષ ઓબ્ઝર્વેટરીએ આપેલી માહિતીના આધારે ખગોળશાસ્ત્રી સેઠ શોસ્તીક નામના ખગોળશાસ્ત્રીનું કહેવું છે કે પૃથ્વીથી હજાર પ્રકાશવર્ષના અંતરમાં પૃથ્વી જેવા વસવાટલાયક બીજા ૩૦ હજાર ગ્રહો હોવા જોઈએ. આકાશગંગામાં કુલ ૫૦ બિલિયન નાનામોટા ગ્રહો છે તેમાંથી ૫૦૦ મિલિયન હેબીટેબલ ઝોનમાં આવે છે. માર્ચ ૨૦૧૧માં નાસાના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે ૧.૪ થી ૨.૭ ટકા તારાઓ એવા છે, જે પૃથ્વી જેવા ગ્રહો ધરાવે છે અને તે પણ વસવાટલાયક ઝોનમાં. એનો અર્થ એ થયો કે આપણી આકાશગંગામાં જ બીજી પૃથ્વી મળી આવવાની શક્યતાઓ છે.

બસ, વસવાટલાયક બીજી પૃથ્વી માટે બીજાં ૧૦ વર્ષ ઈન્તઝાર કરો.

www.devendrapatel.in
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com