અમદાવાદ : ૩૧ માર્ચ ૨૦૧૨
પહેલી એપ્રિલ આવતી હોય ત્યારે બધાં એવું વિચારતાં હોઈએ છીએ કે આપણે કોને અને કેવી રીતે એપ્રિલ-ફૂલ બનાવીશું ? ત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે એ દિવસે કોઈ સાચું બોલી રહ્યુ હોય ત્યારે આપણને એવું લાગે છે કે તે એપ્રિલ-ફૂલ બનાવી રહ્યા હશે પણ પછીથી આપણને એવો અફસોસ થાય કે કાશ આપણે તેનો વિશ્વાસ કર્યો હોત તો. આવા સાચા અને ખાટા-મીઠા એપ્રિલ-ફૂલ ડેના અનુભવો સિટીલાઇફે રજૂ કર્યા છે.
પહેલી એપ્રિલે ભાઈનો એક્સિડન્ટ થયો હતો
‘વર્ષ ૨૦૦૮ની પહેલી એપ્રિલે મારો ભાઈ ધીરજ તેના મિત્રો સાથે બાઇક પર ફરવા ગયો હતો ત્યારે બપોરે ૧૧ વાગ્યાની આસપાસ તેનો એક્સિડન્ટ થયો ને ઘણું વાગ્યું હતું હાથે ફ્રેક્ચર થયું હતું. એ સમયે તેમની પાસે પણ મોબાઈલ નહોતો અને ઘરે પણ માત્ર લેન્ડલાઇન હતો એટલે ભાઇના મિત્રે ફોન કર્યો ને મમ્મીએ વાત કરી. મમ્મીએ અમને કહ્યું કે, આવી રીતે ધીરજના મિત્રનો ફોન હતો. અમને થયું ફર્સ્ટ એપ્રિલ છે એટલે ધીરજ એપ્રિલ-ફૂલ બનાવતો હશે, આથી અમે તે વાતને અવોઈડ કરી જ્યારે બીજી તરફ ધીરજના મિત્રો ડરી ગયા હતા, તેમને થયું ઘરેથી બધા બોલશે એટલે તેઓ ભાઈને ઘરે મૂકવા ન આવ્યા. ધીરજ રિક્ષામાં જાતે ઘરે આવ્યો હતો, તેના પગમાં પાટો હતો પછી ખબર પડી કે એક્સિડન્ટ સાચે થયો હતો ત્યારથી જ ભલે કોઈ ખોટું બોલે પણ અમે માની લઈએ ખરાં.’ - રવિ ધાકડ, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
તમારે ત્યાં દીકરો આવ્યો છે
‘મને આજે પણ યાદ છે કે ૨૦૦૯માં ૧ એપ્રિલના અમારા ઘરે દીકરાનો જન્મ થયો હતો ત્યારે સૌથી પહેલાં મારા સસરાએ ફોન કર્યો કે રાજેશકુમાર મારી દીકરીને બાબો આવ્યો છે, ત્યારે મેં, હા સારું કહીને ફોન મૂકી દીધો. મારા સસરાએ પછી મારા પપ્પાને ફોન કર્યો કે, પરસોત્તમભાઈ આપના ઘરે બાબો આવ્યો છે ત્યારે મારા પપ્પાએ પણ તેમને કહ્યં કે, વેવાઈ આજે હું જ મળ્યો તમને ! પછી મારી વાઇફે પણ મને ફોન કર્યો કે પપ્પા સાચું કહે છે. પણ હું ના માન્યો કેમ કે, મારી વાઇફ દર વર્ષે મને એપ્રિલ-ફૂલ બનાવે એટલે સ્વાભાવિક રીતે મને તે દિવસે પણ એમ જ લાગ્યું. કેમ કે ડોક્ટરે અઠવાડિયા પહેલાં ૭ એપ્રિલ ડયૂ ડેટ આપેલી એટલે મેં તો તેને એપ્રિલ-ફૂૂલ જ ગણ્યું હતું પણ મારે કોઈક કામથી સાસરે જવાનું થયુંં એટલે ત્યારે ખબર પડી કે આ લોકો સાચું કહે છે.’ રાજેશ હિંગુ, બિઝનેસ ગાઇડર
મારો એક્સિડન્ટ થયો પણ કોઈ માને જ નહીં !
‘ગયા વર્ષે મારો એક્સિકન્ટ થયો હતો. મને ફ્રેક્ચર થયું હતું ત્યારે મેં મારા મિત્ર રાજેશને ફોન કર્યો પણ તેને એવું લાગ્યું કે હું તેને એપ્રિલ-ફૂલ બનાવું છું, બીજી વખત ફોન કર્યો તો તેણે ઉપાડયો જ નહીં, પછી આસપાસ ઊભેલી વ્યક્તિઓ મને ઘરે મૂકવા આવ્યા, તેના પછી પણ હું તેને કહું છું કે મને ઘરે ખબરઅંતર પૂછવા તો આવો તો પણ તે માનવા તૈયાર જ નહતો. અમારા નિયમ પ્રમાણે અમે બધા સાંજે સાડા સાત વાગ્યે મળતા હોઈએ છીએ એમ તેઓ આવ્યા ત્યારે એમને વિશ્વાસ આવ્યો કે ખરેખર હું સાચું બોલી રહ્યો હતો, પછી એ લોકોએ નક્કી કર્યું કે કંઈ પણ હોય પહેલાં એક વાર ચેક તો કરવાનું જ.’
- હિતેશ સોની, કલર કોન્ટ્રાક્ટર