મુંબઈ : ૩૧ માર્ચ ૨૦૧૨
ઉત્તરપ્રદેશમાં ધબડકા પછી સોનિયાએ અમિતાભ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો
યુવાનોમાં પ્રિય અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનને કોંગ્રેસ તરફ આકર્ષવા પ્રયાસ
બચ્ચન પરિવારની નવી મહેમાન ‘બેટી બી’ આવતીકાલે ૧૦, જનપથ દિલ્હીની મહેમાન બનશે. ગાંધી પરિવારે ‘બેટી બી’ને રમાડવા માટે રવિવારે લંચનું આયોજન કર્યું છે અને બચ્ચન પરિવાર તેનો સ્વીકાર કર્યો છે. બંને પરિવારો કદાચ પહેલીવાર એકસાથે ભેગા થઇ રહ્યા છે.
ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પછડાટ ખાધા પછી સોનિયા ગાંધી કોંગ્રેસ પક્ષને બેઠો કરવા ‘ડેમેજ કંટ્રોલ’માં વ્યસ્ત છે. બીજી તરફ, બચ્ચન પરિવારમાં ‘બેટી બી’નું આગમન થવાથી ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ અમિતાભ બચ્ચનને ફોન કરીને આમંત્રણ આપતા કહ્યું છે કે, અભિષેક-ઐશ્વર્યાની પુત્રીની ખુશીમાં તમે પરિવાર સાથે અમારી સાથે લન્ચ લો એવી અમારી ઇચ્છા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મસલત કરીને આ નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ઘણી મોટી ખોટ સહન કરવી પડી હોવાથી જ આ નિર્ણય લેવાયો છે. રાહુલ અને પ્રિયંકાએ સોનિયા ગાંધીનો એ વાત તરફ પણ ઇશારો કર્યો હતો કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને કોંગ્રેસ વચ્ચેના સંબંધ બગડયા પછી જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને એવા કેટલાક લોકો આ વાતનો બખૂબી લાભ ઉઠાવી રહ્યા છે. અત્યારે બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે અને હવે ગુજરાતમાં પણ ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણી પછી મોદી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર બની શકે છે. આમ છતાં સોનિયા ગાંધી થોડા મૂંઝવણમાં હતા, તેથી પ્રિયંકાએ કહ્યું હતું કે, “જો તમે મારા પિતાને નુકસાન પહોંચાડનારા લોકોને પણ માફી આપી શકતા હો, તો બચ્ચન પરિવાર સાથે જૂના વેરેઝેર ભૂલવામાં આપણને ખચકાટ ન હોવો જોઇએ.”
આ વાત પછી પ્રિયંકા ‘બચ્ચન અંકલ’ને કોલ કર્યો હતો. તેમણે સુખદ પળોની આપ-લે કરી હતી, અને ત્યાર પછી પ્રિયંકાએ સોનિયા ગાંધીને ફોન આપ્યો હતો. સોનિયા અને અમિતાભ વાતચીત કરવામાં ખચકાટ અનુભવતા હતા. પરંતુ સોનિયાએ બચ્ચનને કહ્યું કે, મને તમારો બ્લોગ ખૂબ પસંદ છે ત્યારે બચ્ચને તેમનો દિલથી આભાર માન્યો હતો. થોડી વાતો બાદ સોનિયાએ અમિતાભને સપરિવાર લંચ માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે બચ્ચનને કહ્યું હતું કે, “પ્લીઝ જયાજી, અભિષેક-ઐશ્વર્યાને પણ સાથે લાવજો. તે સુંદર કપલ છે.” જેના જવાબમાં અમિતાભે કહ્યું હતું કે, “અભિષેક તો ફિલ્મી હીરો છે, પણ રાહુલ તો ‘નેશનલ હીરો’ છે”