અમદાવાદ, તા.૩૧
રાજ્યના શિક્ષણ વિભાગે નોન ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટેડ કરવા માટે તાજેતરમાં પરીપત્ર કર્યો છે. જે સંલગ્ન શિક્ષણ વિભાગે સાત સભ્યોની સમિતી બનાવી છે. જોકે આમ કરવા પાછળ પૈસા કમાવવાનો કિમિયો હોવાનું શિક્ષણક્ષેત્રે સંકળાયેલા સુત્રોનું કહેવું છે. નોંધનીય છે સાત સભ્યોની સમિતીમાં છ મંત્રીઓ અને એક અગ્ર સચીવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નોન ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટેડ તરીકે મંજુરી આપવા માટે હાલના માપદંડોમાં સુધારો કરીને સર્વગ્રાહી પોલીસી બનાવી જરૂરી છે આ બાબતે તાર્કીક તપાસ કરવી જરૂરી છે, તેવુ પરીપત્રમાં જણાવ્યુ છે. જોકે ખરેખર ગ્રાન્ટેડ શાળાઓની મંજુરી આપવાનું છેલ્લા દસ વર્ષથી બંધ છે.
તો બીજી તરફ નોન ગ્રાન્ટેડ શાળાઓની મંજુરી મેળવતી વખતે ખુદ રાજ્ય સરકારે તમામ શાળાના સંચાલકો પાસેથી સોગંદનામુ લખાવી દીધુ હતુ કે આગામી ભવિષ્યમાં અમે ક્યારેય શાળાને ગ્રાન્ટેડમાં ફેરવીશુ નહીં. તેમ છતાં રાજ્ય સરકારે ફેરવી નાંખી હવે નોન ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટેડમાં કરવા સમિતી ઉભી કરી નવુ તુત ઉભુ કર્યુ છે.
મહત્વની વાતતો એ છે કે ભુતકાળમાં નોન ગ્રાન્ટેડમાંથી ગ્રાન્ટેડમાં ફેરવવા માટે શાળાઓના સત્તાધીશો દ્વારા મોટા આર્થિક વ્યવહારો થયા હતા.